Sep 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1256

(૧૯૭) આત્મજ્ઞાનમાં ગુરૂ અને શાસ્ત્ર ઉપયોગી છે

રામ : હે મહારાજ,આ કાવડિયાઓની વાર્તાથી સૂચવાતા ક્રમને હું નિઃસંદેહ પણે જાણી શકું,તેમ સમજાવો.

વસિષ્ઠ : ઉપરની કથામાં મેં જે કાવડિયાઓ કહ્યા તે આ પૃથ્વીની અંદરના મનુષ્યો છે તેમ સમજવું.
તેમનું દરિદ્રતા સંબંધી જે દુઃખ કહ્યું તે અજ્ઞાન અને તેનાથી થતા ત્રણ પ્રકારના તાપો છે.
જે મોટું જંગલ કહ્યું તે ગુરૂ અને શાસ્ત્ર-ક્રમ-આદિ છે.ઉદર-ભરણની પ્રવૃત્તિ માટે જે ઉદ્યમમાં પ્રવૃત્ત થયા તે
ભોગની ઈચ્છા રાખનાર મનુષ્યો સમજવાં.'મને નિરંતર ભોગોના સમૂહો જ પ્રાપ્ત થાઓ' એમ કૃપણ બની જઈ,
મનુષ્યો બીજા કાર્યોની અપેક્ષા રાખતા નથી અને શાસ્ત્ર-આદિ પ્રવૃત્તિમાં લીન થાય છે.

જો કે મનુષ્ય શાસ્ત્ર-આદિમાં ભોગ માટે પ્રવૃત્તિ કરે છે,તો પણ છેવટે શાસ્ત્રના રહસ્યને સમજી લઇ,છેવટે મોક્ષને
પ્રાપ્ત થાય છે.જેમ કોઈ સાર-અસાર શોધનાર વિવેકી કાવડિયાએ લાકડાંના માટે ઉદ્યોગ કર્યો છતાં ચિંતામણિ મેળવ્યો
તેમ,ભોગના અર્થે શાસ્ત્રને ગ્રહણ કરવા છતાં વિવેકી પુરુષ પરમપદને પામે છે.
કોઈક મનુષ્ય તો 'શાસ્ત્ર અને વિચાર વડે શું થાય?' એવા સંદેહ ભર્યા કુતૂહલથી શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે
ને છેવટે ઉત્તમ પદને મેળવે છે.ઉત્તમ-તત્વ-રૂપ-અર્થનો અનુભવ નહિ હોવાથી કેટલાક સંદેહને લીધે
વિષયભોગ (સ્વર્ગ-આદિ)ને માટે શાસ્ત્ર આદિમાં પ્રવૃત્ત થાય છે અને છેવટે તે શુદ્ધ પદને પામે છે.

જેમ કાવડિયા તો લાકડાં લેવા માટે જંગલમાં જતા હતા પણ કોઈ જુદા જ ચિંતામણિનો લાભ તેમને મળ્યો,
તેમ,લોકો પોતાની વાસના અનુસાર શાસ્ત્ર દ્વારા,કોઈ જુદા જ ફળની આશાથી પ્રવૃત્તિ કરે છે,
પણ તેમાંથી નિરતિશય મોક્ષ-રૂપ બીજા ફળ નો લાભ પણ તે મેળવે છે.
સ્વભાવિક રીતે જ જે નિરંતર પરોપકારમાં પ્રવૃત્ત તે સત્પુરુષ (સાધુ કે ગુરૂ) કહેવાય છે,
અને સર્વ લોકોમાં તેમની ચેષ્ટા જ પ્રમાણ-રૂપ બને છે.શાસ્ત્રના ફળ વિષે શંકા રાખનારાઓ
સત્પુરુષના આચારને લીધે જ શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે અને ભોગ અને મોક્ષ બંને તે મેળવે છે.

જેમ જુદા જુદા કાવડિયાઓને જુદો જુદો લાભ થયો તેમ,આ સંસારમાં પણ શાસ્ત્રથી કેટલાક મનુષ્યોને ભોગનો લાભ,
કેટલાકને ધર્મ નો લાભ,કેટલાકને અર્થનો લાભ,કેટલાકને ત્રણે (ધર્મ-અર્થ-કામ)નો લાભ મળે છે,
કેટલાકને મોક્ષનો લાભ થાય છે તો કેટલાકને ચારે પુરુષાર્થનો લાભ મળે છે.
હે રામચંદ્રજી,ત્રિવર્ગ (ધર્મ-અર્થ-કામ)નોઉપદેશ તો શાસ્ત્રોમાં છે,પણ બ્રહ્મની પ્રાપ્તિ વાણીથી અગોચર છે
તેથી તેનો ઉપદેશ (માત્ર બ્રહ્મનું પ્રતિપાદન જ કરનાર) શાસ્ત્રોમાં નથી.(બ્રહ્મનો માત્ર અનુભવ જ કરી શકાય છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE