More Labels

Sep 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1260

સિદ્ધિ-અસિદ્ધિમાં તુલ્ય (સમાન) રહેનાર,નિરંતર સ્વચ્છ અને નિર્વિકાર એવી બુદ્ધિ વડે જે કર્મ જે પ્રકારે
કરવામાં આવે છે તે સર્વદા નિર્દોષ જ છે.આ પૃથ્વીની અંદર દીર્ઘ-દૃષ્ટિથી જોનારા વિચક્ષણ પુરુષો
બહુ દોષવાળા અનેક વ્યવહારોમાં પણ(સમદૃષ્ટિથી) અનેક પ્રકારે વિહાર કરે છે.કેટલાક ગૃહસ્થાશ્રમમાં
રહ્યા છતાં નિઃસંગ (અનાસકત) બુદ્ધિ વડે યથાપ્રાપ્ત વ્યવહાર કરતા રહે છે,કેટલાક તમારા જેવા રાજર્ષિઓ
કશામાં બુદ્ધિને આસક્ત નહિ થવા દેતાં તાપરહિત દશામાં રહી રાજ્ય કરે છે,
કેટલાક વેદમાં બતાવેલ વ્યવહારને અનુસરી અગ્નિહોત્રપરાયણ થઈને રહે છે.

કેટલાક વર્ણાશ્રમ અનુસાર દેવાર્ચન-આદિ ક્રિયાઓનું અનુષ્ઠાન કરવાની વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યા છે,
કેટલાક મહાશય પુરુષો અંદરથી સર્વનો ત્યાગ કરી બહારથી સર્વ કર્મ કરતા રહી જ્ઞાની હોવા છતાં અજ્ઞાની
જેવા થઇ રહ્યા છે,કેટલાક શાંત સ્થાનોમાં ધ્યાન કરી રહે છે,કેટલાક ઋષિઓના આશ્રમમાં રહે છે,કેટલાક રાગ-દ્વેષની
નિવૃત્તિ કરવા માટે પોતાનો દેશ છોડી દઈ બીજા દેશમાં જઈ રહે છે,કેટલાક તીર્થોમાં ભ્રમણ કરતા
રહે છે,કેટલાક સન્યાસ-વિધિ વડે પોતાના આચારને છોડી દે છે,કેટલાક બ્રહ્મચર્ય-આદિ આશ્રમોમાં ધર્મમાં
સ્થિતિ રાખી રહે છે,કેટલાક પ્રબુદ્ધ બુદ્ધિવાળા હોવા છતાં નિરંતર ઉન્મત્ત(પાગલ)ના જેવી ચેષ્ટા ધારણ કરે છે.

આ પ્રમાણે.આ જન-સમુદાયમાં જન્મને તરી જવાની ઈચ્છા રાખનારાઓ અનેક પ્રકારની દૃષ્ટિઓ રાખી,
અનેક પ્રકારે રહેલા છે.સંસારને તરી જવામાં વનવાસ કરવો,સ્વદેશમાં સ્થિતિ રાખી તપ કરવાં,
ક્રિયાઓ (કર્મો) નો ત્યાગ કરવો,સન્યાસ લેવો-વગેરે કંઈ હેતુરૂપ નથી.પણ સંસારને તરી જવામાં
એક તત્વજ્ઞાન જ કારણ-રૂપ છે.જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર-સાગર તરી ગયો છે તેમ સમજવું.
નિઃસંગ અને નિર્લેપ ચિત્તવાળો તત્વજ્ઞ પુરુષ ભલે શુભ-અશુભ કર્મો કરતો હોય કે તે કર્મોનો ત્યાગ કરતો હોય,
છતાં તે ફરીવાર સંસારને પ્રાપ્ત થતો નથી.

વિષયોનો અનુભવ થવાથી,તેની અંદરના સારને જાણનારી,દુઃખ-રૂપ અને દુઃખ આપનારી બુદ્ધિને,
મારવાને કોઈ સમર્થ નથી.પણ કોઈ દિવસ કોઈ મનુષ્ય દૈવયોગે કાકતાલીય ન્યાયથી,પોતાની મેળે જ
મોક્ષ-સિદ્ધિ મેળવવા માટે આત્મ-વિચારમાં (બુદ્ધિથી) પ્રવૃત્તિ થાય છે,ત્યારે તે આત્મવિચારથી તત્વને
મેળવી લઇ,નિર્મળ થઇ રહેલું ચિત્ત નિર્બદ્ધ,નિઃસંગ (આસક્તિ રહિત) અને નિર્વિકાર થઇ રહે છે.
માટે ચિત્ત-ભાવને છોડી રહેલા સત્વ-રૂપ ચિત્ત વડે તમે સર્વત્ર 'સમાન' રહીને,સુખથી,
પરમ આકાશ-રૂપ અધિષ્ઠાન ચૈતન્ય-રૂપે થઈને રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE