Sep 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1259

હે રામચંદ્રજી,મહાત્મા પુરુષો ગ્રહણ કરવા યોગ્ય એવા અનિંદ્ય વિષયોને પણ છોડી દઈને,
દુઃખથી રહિત એવી ઉત્તમ 'સમાનતા'માં જ પોતાની ઉત્તમ વૃત્તિને ધારણ કરી રાખે છે.
સમતા વડે પ્રસન્ન ચિત્તવાળા પુરુષો જગતના સમૂહને તુચ્છ બુદ્ધિ વડે (વૈરાગ્યથી) હસે છે.
તેઓ પોતે નિર્વિકાર રહે છે અને બીજાઓને વિવેકના ઉપદેશથી જિવાડે છે.
સર્વ દેવો અને ડાહ્યા મનુષ્યો પણ તેમની પૂજા કરે છે.સમાન ચિત્તવાળો પુરુષ ચાલતા(પ્રાકૃત) વ્યવહારથી
પ્રાપ્ત થયેલા કોપ (ક્રોધ)ને કદાચિત ધારણ કરે તો પણ તે કોઈને ઉદ્વેગકારક ના થતાં અમૃતના જેવો જ થઇ પડે છે.

સમદર્શી પુરુષ જે કંઈ કરે છે અને જે કંઈ ઉપભોગમાં લે છે તેનો લોકો સ્વીકાર કરી લે છે.વળી તે જો કોઈ
અયોગ્ય કાર્યની નિંદા કરે (કે આક્ષેપ કરે) તો તેવા કાર્યનો લોકો ત્યાગ કરે છે.લોકોનો સમૂહ તેના ઉત્તમ ચરિત્રની
નિરંતર સ્તુતિ કરે છે,અને જો તેનાથી જો કંઈ શુભ-અશુભ  થઇ જાય કે કોઈ તેનાથી જો કોઈ અપરાધ પણ થઇ જાય
તો લોકો તેને અભિનંદન આપે છે.તે સમદર્શી,કોઈ પણ જાતના સુખ-દુઃખમાં પણ ઉદ્વેગને ધારણ કરતો નથી.

ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો આ લોક અને પરલોકમાં સિદ્ધિ મેળવવા માટે (પુરુષાર્થમાં પ્રવૃત્તિ કરવા માટે)
સમાન-દ્રષ્ટિને ધારણ કરી નિરંતર વિચાર્યા કરે છે.તત્વજ્ઞ પુરુષે જીવન-મરણની ઈચ્છા ન કરવી પરંતુ
યથાપ્રાપ્તવ્યવહારને કરતા રહી અહિંસક રહી વિચરવું.સમાનતા વડે ગુણ-દોષને એક-રૂપે જ સમજનાર,
સુખ-દુઃખને એક-રૂપ સમજનાર,માન-અપમાનને એક સમાન સમજનાર અને પ્રાકૃત (ચાલતા) વ્યવહાર
વડે શુદ્ધ દેહ-વાળો જીવનમુક્ત પુરુષ,લોકોનો અનુગ્રહ કરવા માટે આ જગતમાં વિચરે છે.

(૧૯૯) જીવનમુક્ત પુરુષોની સ્થિતિ

રામ : હે મહારાજ,નિરંતર જ્ઞાનમાં જ નિષ્ઠા રાખવાથી આત્મારામ-પણાને લીધે જીવનમુક્ત પુરુષો
કર્મનો ત્યાગ શા માટે કરતા નથી?

વસિષ્ઠ : જેમની હેયદૃષ્ટિ (જીવ-આદિ બાહ્ય દૃષ્ટિ) અને ઉપાદેય દૃષ્ટિ (આત્મદૃષ્ટિ) એ બંને ક્ષીણ થઇ ગયેલી હોય તેને
ક્રિયાના ત્યાગ વડે પણ શું પ્રયોજન છે? અને ક્રિયાના આશ્રય વડે પણ શું પ્રયોજન છે?
જીવનમુક્તને ઉદ્વેગ કરનાર એવું કંઈ હોતું નથી,કે તેનો ત્યાગ કરવો પડે,એ જ રીતે એવું કંઈ અનુષ્ઠાન કરવા યોગ્ય
પણ નથી કે જેનું તેને ગ્રહણ કરવું પડે.આથી તેઓ વર્ણાશ્રમને જે ઉચિત હોય તે જ યથાસ્થિત પણે કર્યા કરે છે.

હે રામચંદ્રજી,જો આ દેહ જીવનપર્યંત અવશ્ય ચેષ્ટા કરતો જ રહે છે તો પછી યથાપ્રાપ્ત સદાચારને જ અવ્યગ્રપણાથી
કાર્ય કરવો જોઈએ.બીજા વ્યવહારોનું શું પ્રયોજન છે? પોતાના વર્ણાશ્રમના ક્રમને છોડી દઈ કોઈ બીજા જ પ્રકારે અને
બીજા જ વિષયમાં ક્રિયા કરવાથી શું ફળ છે? જો શુભ-અશુભ બંને માર્ગમાં પ્રવૃત્તિ કરવાની વાત સમાન છે
તો પછી સારા માર્ગે તે પ્રવૃત્તિને દોરવામાં શો દોષ છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE