Sep 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1258

(૧૯૮) સમદૃષ્ટિનાં વખાણ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,વિશેષ દૃઢ બોધ થવા માટે હું અહીં જે ફરીવાર કહું છું તે તમે સાંભળો.
આ બોધ વારંવાર કહેવામાં આવે તો તે અજ્ઞાની પુરુષોમાં પણ રૂઢ થઇ જાય છે.
પ્રથમ મેં સ્થિતિ પ્રકરણ કહ્યું-કે જેમાં આ જગત શી રીતે ઉત્પન્ન થયું તે કહેવામાં આવ્યું.ત્યાર પછી,
ઉપશમ પ્રકરણની યુક્તિ વડે મનુષ્યે સંસારમાં ઉત્પન્ન થઈને પરમ ઉપશમને ધારણ કરવો.એ વિષે કહ્યું.

ઉપશમ-પ્રકરણમાં કહેલા ઉપશમના ક્રમો વડે વિવેકી પુરુષે પરમ ઉપશમને પામી જઈ,
આ જગતમાં તાપથી રહિત (શીતળ) થઈ,નિર્વાણ-સુખમાં સ્થિતિ રાખીને રહેવાનું છે.
પ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરી ચૂકેલા તત્વજ્ઞ પુરુષે જે પ્રકારથી આ સંસાર-વ્યવહારમાં વર્તવાનું છે,
તે સંબંધી કાંઇક થોડું રહસ્ય અમારે કહેવાનું છે,ને તમારે સાંભળવાનું છે.

આ જગતની અંદર જન્મને પ્રાપ્ત થઇ,બાલ્યવયમાં જ જગતની યથાસ્થિત સ્થિતિને જાણી લઇ,
વિવેકીએ તાપથી રહિત નિર્વિક્ષેપ સ્થિતિમાં રહેવાનું છે. સર્વની સાથે સ્નેહ ઉત્પન્ન કરનારી અને
સર્વને આશ્વાસન આપનારી સમતાનો દૃઢ આશ્રય રાખી વ્યવહાર કરવાનો છે.સમાનતાને લીધે
સર્વ પ્રાણીઓનું હિત કરનારા ચેષ્ટા-વાળા અને ચાલતા (પ્રાકૃત) વ્યવહારને કરનારા વિવેકીઓની
આગળ આ જગતની સર્વ પ્રકારની લક્ષ્મી દાસી જેવી થઇ રહે છે,સમતાથી જે કંઈ સાર-રૂપ સુખ પ્રાપ્ત થાય છે,
તેવું રાજ્ય પ્રાપ્ત થવાથી પણ મળતું નથી.

હે રામચંદ્રજી,સમતા એ દ્વંદ્વ-શાંતિના સીમાડા-રૂપ છે,અને સર્વ પ્રકારનાં દુઃખોને નિવૃત્ત કરનાર છે,
સમાનતા-રૂપી અમૃત વડે પૂર્ણ એવો મનુષ્ય જગતની અંદર દુર્લભ છે,તેના સર્વ શત્રુઓ પણ મિત્ર જેવા
થઇ જાય છે અને તે યથાર્થ વસ્તુ-સ્વરૂપને ઓળખે છે.પ્રબોધને પ્રાપ્ત થયેલા અને
ચિત્તમાંથી સ્ત્રવતી અમૃતથી પણ શ્રેષ્ઠ એવી સમતાનો આસ્વાદ લઈને જનક-આદિ સર્વ મહાત્માઓ જીવે છે.
જે વિવેકી પુરુષ સમાનતાનો અભ્યાસ કરે છે,તેને પોતાનો દોષ પણ ગુણ જેવો થઇ પડે છે,
દુઃખ નિરંતર સુખ જેવું લાગે છે અને મરણ પણ જીવિતના જેવું થઇ પડે છે.

જે જે પ્રમાણે થવું યોગ્ય હોય તે તે પ્રમાણે જ તે સમાન ચિત્ત-વાળા વિવેકીના હાથથી  થાય છે.
આનંદ તથા ઉદ્વેગ વગરનો રહી જે સર્વને સમાનતાથી જુએ છે તે મહાશયની તુલના કરવા કોણ સમર્થ છે?
સારી રીતે વિચારી કાર્ય કરનાર તત્વજ્ઞ પુરુષની ઉપર મિત્રો,બાંધવો,શત્રુઓ,રાજાઓ અને વ્યવહાર કરનાર
મહાબુદ્ધિશાળી પુરુષો વિશ્વાસ રાખે છે.પ્રાકૃત (ચાલતા)ક્રમથી પ્રાપ્ત થયેલા વ્યવહારને કરનાર સમદર્શી તત્વજ્ઞ પુરુષો
અનિષ્ટથી બી જઈ ભાગી જતા નથી અને ઇષ્ટ-પ્રાપ્તિથી ફુલાઈ જઈ ખુશ થતા નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE