Oct 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1267

રામ : આ સર્વ,તમે ને હું -ઇત્યાદિ ચિદાકાશથી જુદું નથી.ને આ નિરાકાર ચિદાકાશમાં સ્વપ્ન-મનોરથ-આદિ વડે
તે પોતે જ પોતાના આત્માને પૃથ્વી-આદિ (વિવર્તતાથી) બનાવી દઈ,પોતાને તેવા આકારે દેખે છે.
ચિદાકાશ જ દેહના જેવું થઈને પ્રતીતિમાં આવે છે,બાકી સૃષ્ટિના આદિ-કાળમાં દેહ જ નથી.
"આમ, જો દેહ નથી તો પછી વિના કારણે અજ્ઞાનના લીધે જ ચૈતન્ય દેહાકાર ભાસે છે.વાસ્તવિક રીતે નહિ"
એમ વિવેકીઓએ વિચારવાનું છે.મન,બુદ્ધિ,અહંકાર,પંચમહાભૂતો,પ્રાણીઓ,પર્વતો,દિશાઓ-આદિ સર્વ
શિલાના ગર્ભની જેમ તે ચૈતન્યની અંદર યથાસ્થિતપણે રહ્યા છતાં અનિર્વચનીય છે.

આમ કશું ઉત્પન્ન થયું નથી કે કશાનો નાશ પણ થયો નથી.જગત યથાસ્થિત પણે રહ્યા છતાં ચિદ-રૂપ છે
અને ચિદ-રૂપ બ્રહ્મ પોતાના સ્વરૂપની અંદર જ સદાકાળ રહે છે.
પણ તે જયારે વિવર્ત(વિલાસ કે આભાસ)રૂપે પ્રસરી રહે છે ત્યારે તે જગત નામથી કહેવાય છે.
યથાર્થ દૃષ્ટિથી શુદ્ધ વિવેકને પામેલા પુરુષને આ જગતનું ભાન ઉપરઉપરથી હોય છે,અંદરથી હોતું નથી.
તેને તો શૂન્ય ચિદાકાશ જ પરમાર્થ-રૂપ ભાસે છે,બાકી મૂર્ખને તે જેમ ભાસતું હોય તેમ ભલે ભાસે.

(૨૦૫) જગત ચિદ-રૂપ છે

રામ : હે મહારાજ,જેમ,સ્વપ્નમાં ચિદાકાશ જ દૃશ્ય-રૂપ થઇ જાય છે તેમ જાગ્રતમાં પણ તે જ દૃશ્ય-રૂપ થઇ જાય છે.
આ વિષયમાં જો કોઈ સંદેહની બારી ના હોય તો મારા આ સર્વોત્તમ પ્રશ્નનો ઉત્તર આપો કે -
તે નિરાકાર ચિદસત્તા,જાગ્રત અને સ્વપ્નમાં કેમ દેહાકાર થઇ જાય છે?

વસિષ્ઠ : જાગ્રત અને સ્વપ્નમાં જે દૃશ્ય પ્રતીતિમાં આવે છે,તેનો આધાર શૂન્ય ચિદાકાશ છે,
ને તે ચિદાકાશ બ્રહ્મથી જુદું નથી-એવી બ્રહ્માદ્વૈતની યુક્તિ સિદ્ધ હોવાથી વિવર્ત-વાદ વિષે કોઈ સંદેહ નથી.
આકારથી શૂન્ય (નિરાકાર) ચિદાકાશમાં,સૃષ્ટિના આરંભકાળમાં કોઈ પણ પ્રાણીઓ કે પંચમહાભૂતો સંભવતાં નથી.
તેને લીધે પૃથ્વી-આદિ પંચમહાભૂતોથી બંધાયેલો આ દેહ કોઈ પણ પ્રકારે નથી.

પણ,ચિદાકાશ,(કલ્પનાથી) આ દૃશ્ય જેવા આભાસને દેખે છે કે જે  તેના નિરાકાર સ્વરૂપનો વિવર્ત છે.
'માયા'ના ગુણ વડે ક્ષોભ થતાં તે જાણે આકારવાળું હોય તેમ પ્રતીતિમાં આવે છે.
આકાશ-રૂપ ચિદાત્મા વડે જે કંઈ આભાસ-રૂપે પ્રતીતિમાં આવે છે,તેનું જ સ્વપ્ન-રૂપે અને
જગતના આકારે ભાન થાય છે,અને તે જ સ્વપ્ન-જગત આદિ નામથી (શબ્દથી) કહેવાય છે.
ચિદાકાશની અંદર જે કંઈ આકાશના જેવું નિર્મળ જગતનું સ્વરૂપ છે,તે જ અનુભવના બળથી તે રૂપે થઇ રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE