Sep 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1266

(૨૦૪) ચિદાકાશનું પ્રતિપાદન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ફરીવાર મારાં આ ઉત્કૃષ્ટ વચનો તમે સાંભળો.કેમ કે વારંવાર માર્જન કરવાથી
(લૂછવાથી) અરીસો વધારે દીપે છે.ચિત્ત-શુદ્ધિનું પણ તેમ જ સમજવું.અર્થની પ્રતીતિ થવી એ એક ભ્રાંતિનો
અનુભવ-રૂપ-સંકેત છે,પણ વાસ્તવિક નથી અને શબ્દ પણ જળના ધ્વનિ જેવો છે.
સ્વપ્નની જેમ આ દૃશ્ય (જગત) છે,ચિદાકાશનો જ એક આ ભાસ (આભાસ કે વિવર્ત) છે.
આમ,જો જાગ્રત મિથ્યા જ છે તો પછી તે જાગ્રત જ સંસ્કાર-રૂપે થઇ સ્વપ્નમાં દેખાતા પદાર્થો-રૂપે બની જાય છે.
તે જગત જાણે સ્મરણ વડે ખડું થઇ રહેલું હોય  તેમ શૂન્ય-રૂપ છતાં જાણે પાસે રહેલું દેખાય છે.

એમ આ જગત પણ ચિદાકાશનો વિવર્ત (વિલાસ કે આભાસ) છે,છતાં જાણે બીજા આકારે પથરાઈ રહ્યું હોય
તેમ થઇ જાય છે,તેથી તે ચિત્ત-સત્તાથી ભિન્ન નથી.જેવી રીતે સ્વચ્છ ચિદાકાશ સ્વપ્ન-નગર-રૂપ થઇ જાય છે,
તેવી રીતે જ આ ત્રણેય ભુવનો સાકાર છતાં નિરાકાર-રૂપ છે એમ સમજવું.
(નોંધ-હવે વસિષ્ઠ,શ્રીરામ કેવું સમજ્યા છે?તેમ શ્રીરામની જાણે પરીક્ષા કરતા હોય તેમ તેમને પૂછે છે કે)

હે રામચંદ્રજી,સ્વપ્નમાં દીઠેલા મહાનગરની અંદર આ પૃથ્વી,આકાશ,જળ,તેજ,દિશાઓ,કાળ,ક્રિયાઓ અને
સર્વ નિમિત્તકારણ આદિ શી રીતે ઉત્પન્ન થયાં?તે તમે કહો.કોણે તેની રચના કરી?કોણે તેને બાળી નાખ્યું?
કોણ તેને લઇ આવ્યું?કોણે તેને ગોઠવ્યું?કોના વડે તે વ્યાપ્ત થયું? કોણે તેને ઉત્પન્ન કર્યું?કોણે પ્રગટ કર્યું?
તે કેવા આચારવાળું છે? અને તેનું સ્વરૂપ શું છે?

રામ કહે છે કે-સ્વપ્ન-રૂપ આ જગતનું સ્વરૂપ કેવળ ચિદાકાશ જ છે.પૃથ્વી-આદિ કંઈ જ સત્ય નથી,પણ
નિરાકાર,નિરાશ્રય આત્મા જ તેનું વાસ્તવિક સ્વરૂપ છે.ચિદાકાશ-રૂપ હોઈ તે નિરાકાર અને નિરાધાર છે,
તો પછી એ ચિદાકાશને આધાર વડે શું પ્રયોજન છે?જ્ઞાન વડે જોતાં તો આ કશું ઉત્પન્ન થયું જ નથી.
આ સઘળો ચિદાકાશનો વિલાસ (વિવર્ત) જ છે.સ્વપ્નની જેમ આ મન જ જગતના આકારે થઇ રહેલું છે.

ચિદ-રૂપ-તત્વ જ આકાશભાવને ધારણ કરતાં આકાશ-રૂપ થઇ રહે છે,કઠિનપણાના ભાવને ધારણ કરતાં
પાષાણ (પૃથ્વી) રૂપ થઇ રહે છે અને દ્રવપણાના ભાવથી તે જાણે જળ-રૂપ હોય તેમ જણાય છે.
વસ્તુતઃ જોઈએ તો આ પૃથ્વી-આદિ કાંઇ છે જ નહિ અને કાંઇ દૃશ્ય પણ નથી.પણ એક ચિદાકાશ જ છે.
અને તે ચિદાકાશ જ (વિવર્ત-રૂપે) સર્વ-રૂપ થઇ રહેલું છે.

તે ચિદાકાશ પોતાના શુદ્ધ સ્વરૂપને નહિ છોડતાં,આ જગતના સર્વ ભાવને કેમ જાણે ધારણ કરી રહ્યું હોય
તેવું થઇ રહે છે.આકાશ-રૂપ ચિદ-ધાતુનો એવો સ્વભાવ છે.એટલે આ પ્રમાણે તે જે વિવર્ત-ભાવને ધારણ કરે છે
તેમાં કશો કારણનો કે ગુણનો ક્રમ નથી.જેમ આકાશમાં શૂન્યતા વિના બીજું કશું નથી અને સમુદ્રમાં જળ વિના
બીજું કશું નથી તેમ,ચિદાકાશ વિના બીજું કશું અહી છે જ નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE