Sep 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1265

રામ : નિત્યસુખના અનુભવને અર્થે હું આનંદવાળો બની ગયો છું.અવિનાશી પદની પ્રાપ્તિ અર્થે હું સ્થિર થઇ
રહ્યો છું અને મને મોક્ષ-રૂપ પરમ પુરુષાર્થનો ઉદય પ્રાપ્ત થયેલો છું.આપના શીતળ જ્ઞાન-રૂપ જળ વડે
સિંચાઈને હું પોતાની મેળે જ હૃદયની અંદર પ્રફુલ્લ થઇ રહ્યો છું,આપની કૃપાથી મેં આ સર્વોત્તમ પદવી મેળવી છે,
કે જેથી સર્વ જગત મને અમૃત-રૂપ જ ભાસે છે.મારી બુદ્ધિ પ્રસન્ન થઇ છે,હું સર્વ શોકથી રહિત થયો છું
ને શાંતિ વડે મારું ચિત્ત નિર્મળ થયું છે.હું મારા આત્મામાં જ આનંદ અનુભવું છું અને આત્માનો સાક્ષાત્કાર
થવાથી હું નિર્મળતાને પ્રાપ્ત થયો છું,તેથી મારા પોતાના સ્વરૂપને જ હું નમસ્કાર કરું છું.

(૨૦૩) નિર્વાણપદનું વર્ણન

વાલ્મીકિ કહે છે કે-વસિષ્ઠ અને શ્રીરામ આ પ્રમાણે વિચાર કરતા હતાં,ત્યારે જાણે શ્રવણ માટે ઉત્સુક થઇ રહ્યા હોય
તેમ સૂર્યનારાયણ આકાશના મધ્યભાગમાં આવ્યા.ત્યારે વશિષ્ઠજી, શ્રીરામને કહે છે કે-તમે સર્વ સાંભળવાનું સાંભળ્યું
અને જાણવાનું સર્વ જાણી લીધું છે,હવે આથી બીજું શ્રેષ્ઠ કંઈ જાણવાનું નથી.જેવી રીતે મેં તમને ઉપદેશ કર્યો છે,
ને શાસ્ત્ર વડે તમે જે સમજો છો,તથા જેવી રીતે તમને શ્રેષ્ટતાથી અનુભવ થાય તેમ તેની એક-વાક્યતા કરો.
હવે તમે કામકાજ માટે સુખથી ઉઠો. અમે પણ મધ્યાહ્ન થયો માટે સ્નાન-સંધ્યા માટે જઈશું.
પોતાની આકાંક્ષાની નિવૃત્તિ માટે જે કંઈ શુભ પૂછવાનું હોય તે કાલે પ્રાતઃકાળમાં તમારે પૂછવું.

ત્યારે સર્વ જનો પોતપોતાને ઘેર ગયા,શ્રીરામની તે રાત્રિ તે કથાના મનન વડે જાગરણ થવાથી જલદી વીતી ગઈ.
બીજા દિવસે સર્વ જનો સભામાં આવી પહોંચ્યા અને પોતપોતાના સ્થાન પર ગોઠવાયા.

રામ : હે,સર્વ ધર્મને જાણનાર,સર્વ જ્ઞાનના મહાસાગર,સર્વ સંદેહને કાપનાર ને ભયનો નાશ કરનાર,
વસિષ્ઠ ઋષિ,હવે મારે બીજું શું સાંભળવાનું છે? અથવા શું જાણવાનું છે? તે સર્વ આપ મને કહેવાને યોગ્ય છો.

વસિષ્ઠ : હે રામચંદ્રજી,તમે સર્વ વાતે સારી બુદ્ધિ પામ્યા છો,હવે તમારે કંઈ પણ સાંભળવાનું બાકી રહ્યું નથી.
આ તમારી બુદ્ધિ કૃતકૃત્ય છે,ને પ્રાપ્ત કરવાની વસ્તુ પામી ચૂકી છે ને આત્માની અંદર જ સ્થિર થઇ રહેલી છે.
છતાં તમે પોતે જ બુદ્ધિ વડે વિચારીને કહો કે-આજે તમે અંદર કેવા થઇ રહ્યા છો?
તથા હવે તમારે અવશ્ય એવું સાંભળવાનું શું બાકી રહ્યું છે?

રામ : હે મહારાજ,હું માનું છું કે મારી બુદ્ધિ કૃતકૃત્ય છે,હું નિર્વાણને પ્રાપ્ત થઇ શાંત થઇ રહ્યો છું.મને હવે કોઈ પ્રકારની
આકાંક્ષા નથી.જે કહેવાનું હતું તે આપે કહ્યું અને જે જાણવાનું હતું તે સર્વ મેં જાણી લીધું છે.
માટે આપની વાણી હવે સુખથી વિશ્રાંતિને પ્રાપ્ત થાઓ.જ્ઞેય વસ્તુ મેળવવા માટે જે જાણવાનું હતું તે મેં જાણ્યું છે,
આ સર્વ જગતનું બ્રહ્મૈકરસપણું વિશેષે કરી મારા જાણવામાં આવ્યું છે.મારા દ્વૈત-ભાવનો નાશ થઇ ગયો છે.
દૃશ્યના ભેદનું બધું ભાન ગલિત થઇ ગયું છે,
કેમ કે મેં સંપૂર્ણ-પણે સારી રીતે વિચારીને સંસારી-પણાની આસ્થા છોડી દીધી છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE