Sep 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1264

રામ : ઝાડમાં રહેલા પુષ્પમાંથી જેમ સુગંધ આકાશમાં ફેલાઈ રહી હોય છે,તેમ હું દેહનું ઉલ્લંઘન કરીને
(દેહધ્યાસને છોડીને) સમાનપણાથી આત્મામાં સ્થિર થઇ રહ્યો છું.જેમ,પ્રબોધને પ્રાપ્ત થયેલા કે અપ્રબુદ્ધ
એવા સર્વ રાજાઓ,અનેક પ્રકારનાં કર્મવાળાં રાજ્યની અંદર પોતાને સુખ થાય તેમ વિહાર કરે છે તેમ,હું પણ
હર્ષ,શોક,અને આશાથી રહિત બની,સર્વત્ર સ્થિર એવી સમાનદ્રષ્ટિનું અવલંબન કરી(અનાસક્તિથી)
નિઃશંક રીતે આત્મામાં સ્થિતિ રાખી રાજ્યતંત્રમાં વિહાર કરું છું.

હે મહારાજ,સર્વ આનંદના ઉપર રહેલા બ્રહ્માનંદ વડે હું સુખી છું,તેથી હું દેહની અંદર વિષય-સુખની ઈચ્છા
કરતો નથી.હું બાહ્ય વ્યવહારમાં સર્વ મનુષ્યના જેવો થઇ રહ્યો છું,માટે આપની ઈચ્છા પ્રમાણે મને આજ્ઞા આપો.
બાળક જેમ યથા-પ્રાપ્ત ક્રીડા કરતો રહે છે તેમ હું નિઃશંકપણાથી જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી બ્રહ્મ-દૃષ્ટિ રાખી
આ યથાપ્રાપ્ત સંસારસ્થિતિનું પાલન કરીશ.આપની કૃપાથી હું હવે આશંકાઓથી રહિત થઇ ગયો છું.

વસિષ્ઠ : અહો,હર્ષની વાત છે કે તમે આદિ-મધ્ય-અંતથી રહિત એવું આ મહાપુણ્યપદ પ્રાપ્ત કરેલું છે.આ મહાપદની
અંદર સ્થિતિ રાખનાર પુરુષને શોક કરવો પડતો નથી.આકાશ જેમ પોતાના સ્વરૂપમાં સ્થિતિ રાખે છે,
તેમ સારી રીતે અત્યંત સમાનપણે વિસ્તરી રહેલા અને શાંત એવા પોતાના આત્મામાં તમે વિશ્રાંતિને પ્રાપ્ત થઇ રહ્યા છો.
તમે શોકથી રહિત થઇ રહ્યા અને આવી ઉત્તમ દશામાં આવી રહ્યા તે બહુ સારું થયું.
હે રામચંદ્રજી,તમે આત્મજ્ઞ થવાથી બોધ વડે રઘુવંશના ભૂત-ભવિષ્યત કુળોની સંતતિને પવિત્ર કરો છો,
તે રૂડી વાત છે.હમણાં તમે મુનિ વિશ્વામિત્રની માગણી,પિતાની આજ્ઞાથી પૂર્ણ કરી આ પૃથ્વીનું પાલન કરો.

(૨૦૨) શ્રીરામે આત્મામાં કરેલી વિશ્રાંતિ

વાલ્મીકિ કહે છે કે-આ પ્રમાણે વસિષ્ઠનાં વચન સાંભળી સભાના સર્વ મનુષ્યો શીતળતાને પ્રાપ્ત થયા.
સુંદર નેત્રવાળા શ્રીરામ સુંદર મુખચંદ્ર વડે શોભવા લાગ્યા.જ્ઞાત-જ્ઞેય (જાણવાનું જેણે જાણી લીધું છે તેવા)
ને જેનું અજ્ઞાન ગલિત થઇ ગયું છે તેવા શ્રીરામ ફરીવાર કહેવા લાગ્યા કે-

રામ : હે મહારાજ,જેમ અગ્નિ સુવર્ણના મેલને બાળી નાખે છે તેમ આ અમારો અજ્ઞાન-રૂપ મેલ આપે બાળી નાખ્યો છે.
પૂર્વકાળમાં અમે પરિછિન્ન (નાશવંત) દેહને જ કેવળ આત્મા-રૂપ સમજતા હતા,પણ હવે અમે
ચોતરફ સર્વને અપરિછિન્ન આત્મા-રૂપ સમજનારા થઇ રહ્યા છીએ.હું હવે સર્વ પ્રકારે સંપૂર્ણ થઇ રહ્યો છું,
નિર્વિકાર થઇ રહ્યો છું,નિઃશંક થઇ રહ્યો છું અને તત્વજ્ઞ થઇ જતાં જાગી ગયો છું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE