Sep 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1263

રામ કહે છે કે-હે મહારાજ,આપની કૃપા વડે હું પરમ નિર્મળતાને પ્રાપ્ત થઇ  ગયો છું.મારી સર્વ ભ્રાંતિઓ શાંત
થઇ ગઈ છે અને શુદ્ધ સ્વરૂપ વડે હું આકાશના જેવો સ્વચ્છ થઈ રહ્યો છું.મારી સર્વ ગ્રંથિઓ ગલિત થઇ ગઈ છે,
સર્વ વિશેષણો શાંત થઇ જવાથી હું નિર્વિશેષ છું અને નિર્મળ બુદ્ધિવાળો છું.મારું શાંત થઇ રહેલું ચિત્ત બીજું કંઈ
સાંભળવા કે મેળવવા ઈચ્છતું નથી.તે પરમ તૃપ્તિને પ્રાપ્ત થઇ રહેલું છે અને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થઇ ગયું હોય
તેવું થઇ રહ્યું છે.સર્વ વિષયોના સ્મરણની શાંતિને લીધે નિર્વિકલ્પ,અને સર્વ સર્વ કૌતુકથી રહિત
તથા સર્વ સંકલ્પોને છોડી રહેલું મારું મન શાંત છે.હું નિર્વાણને પ્રાપ્ત થઇ રહ્યો છું ને શાંત થઇ રહ્યો છું.

હું જાગતો છતાં પણ જગતની સ્થિતિના સંબંધમાં માનસિક (સ્વપ્ન-આદિ) વિષયોનો વિચાર કરતો નથી,
ને જાગ્રતના ઇન્દ્રિય-ગ્રાહ્ય વિષયોનો વિચાર પણ કરતો નથી.હું જાણે સુષુપ્તિને ધારણ કરી રહ્યો હોઉં તેમ
નિર્વિકાર દશામાં સ્થિર થઇ રહ્યો છું.આશા વડે વિહવળ થઇ ગયેલ દેહાધ્યાસવળી પૂર્વ સ્થિતિને હું હસી
કાઢું છું અને હૃદયમાં સ્ફુરણ પામતા આપણા ઉપદેશ વડે હું નિઃસંશય પણે સ્વસ્થ થઇ રહેલો છું.

હમણાં મને ઉપદેશ વડે,તેના અર્થ વડે,શાસ્ત્રો વડે,ત્યાગ વડે કાંઇ પ્રયોજન નથી અથવા તો ચૈતન્ય-રૂપ એવો
હું અહીં તેમાં જ સ્થિર થઇ રહેલી ચિત્ત-વૃત્તિ-વાળી અને ક્ષોભ-રહિત ચિદાકાશની અંદર સામ્રાજ્ય-સુખના
જેવી અખંડિત સ્થિતિને અનુભવું છું.હું જો કે બાહ્ય-દૃષ્ટિ વડે નેત્ર-આદિ અવયવોવાળી સ્થિતિને ધારણ કરી
રહેલ છું,છતાં (મારી સ્થિતિને) આકાશથી પણ અતિ સ્વચ્છ અને ચિદાકાશના અંશ-રૂપ સમજુ છું.

આ જગત આકાશ માત્ર છે એવો એક નિશ્ચય રાખતાં, આ દૃશ્ય-રૂપી આકાશ,મોહ-નિંદ્રા સહિત બાધિત થઇ જાય છે
અને હું અક્ષય-રૂપે નિરંતર જાગતો રહું છું.યથેચ્છ,યથાપ્રાપ્ત અને યથાસ્થિત જે કાર્ય આપ કહેશો તે હું નિર્વિઘ્ન-પણે
વાસનાથી રહિત થઈને કરીશ.હું અભીષ્ટસિદ્ધિ વડે અંદર પ્રસન્ન થતો નથી,હર્ષને પ્રાપ્ત થતો નથી અને પુષ્ટ પણ થઇ
જતો નથી તો અનિષ્ટ પ્રાપ્તિથી હું રોતો નથી,પણ જે જે કાર્ય કરવા યોગ્ય હોય
તે તે  હું એકલો જ કર્યે જાઉં છું,મારી ભ્રાંતિ જતી રહી છે.

આ સૃષ્ટિ ભલે બદલાઈ જાઓ,પ્રલયકાળનો પવન ભલે વાવા લાગો અને આખો દેશ આકાશના જેવો શૂન્ય થઇ જાઓ,
તો પણ હું સ્વસ્થપણે નિર્વિક્ષેપ દશાનો આશ્રય કરી પોતાના આત્મામાં જ વિશ્રામ કરી રહ્યો છું.
હે મહારાજ હું વિશ્રાંતિને પ્રાપ્ત થઇ ગયો છું.બાહ્ય ઇન્દ્રિયો વડે ન જણાય તેવા સ્વરૂપવાળો છું અને મન વડે
દુર્લક્ષ્ય છું.જેમ આકાશ મુષ્ટિ વડે બંધને પ્રાપ્ત થતું નથી તેમ,હું આશાઓ વડે બંધને પ્રાપ્ત થતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE