Sep 12, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-03

 

यज्ग्नात्वा मत्तो भवति,स्तब्धो भवति,आत्मारामो भवति। (६) 

જે ભક્તિને જાણીને (કે પામવાથી) જ મનુષ્ય ઉન્મત્ત,સ્તબ્ધ (શાંત) અને આત્મારામ બની જાય છે (૬)


ભક્તિને જે પામ્યો છે,તેની (તે ભક્તની) દશા કેવી થઇ જાય છે? તેનું વર્ણન કરતાં કહે છે કે-

તે ઉન્મત્ત (કોઈ અપૂર્વ પાગલતા)ને પામે છે,તેનું મન સદા કોઈ અપૂર્વ બેહોશીમાં ડૂબી જાય છે,

જાણે વીણાના તારો ઝણઝણી ઉઠે છે,હવે કોઈ ગદ્ય રહ્યું નથી પણ પદ્યનું આગમન થાય છે,

કોઈ મનમોહક કવિતાનું સર્જન થાય છે.તે પોતે કાવ્ય લખતો નથી,પણ કોઈ તેને લખાવે છે,

ને તે અદભૂત કાવ્યનું સર્જન જોતાં જોતાં તે સ્તબ્ધ થઇ,શાંતિમાં ડૂબે છે.આત્મારામ બની જાય છે.


સામાન્ય પાગલ,સમાજના નિયમો,લોકલાજ કે કુળમર્યાદા છોડી દે છે,તેવા પાગલ પાસેથી સમાજ 

કોઈ આશા રાખતો નથી.આવા પાગલ અને ભક્તમાં થોડી સમાનતા છે પણ અંતર મોટું છે.

સામાન્ય પાગલ -એ સામાન્ય જીવનથી નીચે પડે છે,તો ભક્ત સામાન્ય જીવનથી ઉંચે ચડી જાય છે.

જો કે બંને સામાન્ય જીવનથી પર થઇ જાય છે-એ સમાનતા છે,પણ એક નીચે પડે છે તો બીજો ઉંચે.


મીરાં,કે જે રાજસ્થાન રાજ-પરિવારની હતી ને જે રાજ-પરિવારની સ્ત્રીઓ સમાજ સમક્ષ ઘૂંઘટ 

હટાવી શકતી નહોતી,તે જ મીરાં સમાજના નિયમો,લોકલાજ કે કુળમર્યાદા ભૂલી જઈને,

પગે ઘુંઘર બાંધી,સરેઆમ રસ્તા પર નાચતી હતી.કે જે સમાજના માટે પાગલતા જ હતી.

પણ મીરાંને રસ્તા પર નથી કોઈ પુરુષ દેખાતો કે નથી દેખાતો કોઈ સમાજ.

તે સામાન્ય જીવનથી પર થઇ ગઈ હતી,તે પરમાત્માના પરમપ્રેમની એક અદભૂત ઊંચાઈ પર હતી.

તે પ્રેમમાં પાગલ બની હતી,ઉન્મત્ત બની હતી ને તે જાણે,કોઈ અપૂર્વ નશાથી  બેહોશીમાં હતી.


કહે છે કે-મીરાં,વૃંદાવનના કૃષ્ણ-મંદિરમાં નાચતી નાચતી પ્રવેશ કરવા જતી હતી ત્યારે,

મંદિરના બાળબ્રહ્મચારી પૂજારીએ તેને રોકી-ને કહ્યું કે-અહીં આ મંદિરમાં  સ્ત્રીઓને પ્રવેશ નથી.

ત્યારે મીરાંએ કહ્યું કે-મેં તો સાંભળ્યું છે કે-વૃંદાવનમાં તો એક જ પુરુષ (કૃષ્ણ) છે બાકી સર્વ 

ગોપીઓ (સ્ત્રીઓ) છે.મેં તો એક પુરુષ (કૃષ્ણ)ને જાણ્યો (જોયો) છે,તમને મારામાં સ્ત્રી દેખાય છે,

પણ મને તમારામાં પુરુષ દેખાતો નથી.કૃષ્ણમંદિરમાં શું તમે હજુ બીજા પુરુષ છો?

કહે છે કે-પૂજારી જાણે ઊંઘમાંથી જાગી ગયો,તેને પશ્ચાતાપ થયો,આંખમાંથી આંસુઓની ધાર વહી,

મીરાંનો રસ્તો રોકીને ઉભો હતો તે છોડી દીધો,મીરાંએ નાચતાં નાચતાં મંદિરમાં પ્રવેશ કર્યો.


ભક્ત આવો ઉન્મત્ત (પાગલ) બને છે,તેનામાં એક પરમ બેહોશી છવાઈ જાય છે.

નાનકડી પ્યાલીમાં રહેલ બુંદમાં સાગર ઉતરી આવે તો-બુંદ તેનો હિસાબ ક્યાંથી રાખી શકે?

બુંદની દુનિયાનો નિયમ પણ હવે ક્યાંથી બાકી રહે? હવે તો સાગરની જ ઉન્મત્તતા છે,સાગરની જ લહેરો 

દેખાય છે,સાગરનો જ હિસાબ છે,સાગરના જ નિયમો છે.બુંદની વ્યવસ્થા તો તૂટી જ જાયને?


ભક્તના (બુંદના) જીવનમાં પણ જયારે પરમાત્મા (સાગર) ઉતરે છે ત્યારે ભક્ત રસ્તેથી હટી જઈને 

પરમાત્માને ઉતરવા દે છે,ને વખતે (તે સાગરના જેવું-ઉન્મત્તતાનું) એક તોફાન ઉઠે છે કે જે કદી જતું નથી.

પછી ભક્ત કોઈ બીજી જ દુનિયામાં જીવે છે,હકીકતમાં તો તે પોતે નહિ પણ,પરમાત્મા જ તેનામાં જીવે છે.


પરમાત્મા મળવાની ઘટના જ એવી છે કે-ભક્તના જીવનની ગતિ રોકાઈ જાય છે,જિંદગીમાં જે જાણ્યું હતું,

તે સર્વ વ્યર્થ થઈ જાય છે,જાણે કે મૃત્યુ જ થઇ ગયું.પત્તાનો જે મહેલ બનાવ્યો હતો તે જાણે વિખરાઈ જાય છે,

શ્વાસ રોકાઈ જાય છે ને તેની વાણી પણ બંધ થઇ જઈ તે અવાક થઇ જાય છે.

કહે છે કે-બુદ્ધને જયારે જ્ઞાન થયું ત્યારે સાત દિવસ સુધી ચૂપ થઈ ગયા હતા.

યોગી મૌન સાધે છે,સ્તબ્ધતાની ચેષ્ટા કરે છે,પણ ભક્તને કશું કરવું પડતું નથી,સ્તબ્ધતા તેના પર 

પ્રસાદ-રૂપે વરસે છે.યોગી જે ઉપાયો કરી કરીને પામે છે,તે ભક્ત,પોતાને પ્રેમમાં ખોવાઈને પામે છે. 


ભક્તને માટે,હવે રામ (પરમાત્મા) અને આત્મા (પોતાના) વચ્ચે કોઈ અંતર રહેતું નથી.

હવે માત્ર રામ (પરમાત્મા) જ છે કે માત્ર આત્મા જ છે-એવું નથી,બંને છે,પણ અલગ નથી,

અને એટલે એક જ  શબ્દ કહ્યો છે કે-આત્મારામ.

હવે બંને જુદા રહ્યા નથી,ઐક્ય થયું છે..અદ્વૈત થયું છે.આત્મા,પરમાત્માનું મિલન થયું છે.


ભક્તિ-એ પરમાત્માને ખોળવાની યુક્તિ (કે કળા) નથી પણ ખુદ (હું) ને ખોવાની યુક્તિ (કળા) છે.

જો પરમાત્માને ખોળવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને 'ખોળવાવાળો' એટલે કે 'હું' તો રહે જ.

પણ આ 'હું' (અહં) જેવો  ખોવાઈ જાય ત્યારે જ તે મળી જાય છે.

જેને ખુદ (હું) ને ખોયો તે જ પરમાત્માને પામે છે.પછી તો તેને માત્ર પોતાની અંદર જ નહીં પણ 

ચારે ય તરફ તે પરમાત્મા જ દેખાય છે.સર્વત્ર હવામાં તેની જ સુગંધ ફેલાઈ રહેલી જણાય છે.


અત્યારના જમાનામાં મોટી તકલીફ એ જ છે કે-તે પરમાત્માના સૌન્દર્યનું જ્ઞાન ખોવાઈ ગયું છે.

અને પરમાત્મા છે જ નહિ-એમ સિદ્ધ કરવાના લાખો ઉપાયો પણ કરવામાં આવે છે.

અને જ્યાં સુધી 'તે પરમાત્મા નથી' એમ જ સિદ્ધ કરવામાં મનુષ્ય લાગેલો રહે છે,

ત્યાં સુધી તે પરમાત્માના સૌંદર્ય,તેની ઉંચાઈ,તેના ઊંડાણથી વંછિત રહી જાય છે.

પરમાત્માને ભૂલવાનો અર્થ એ જ છે કે-તે મનુષ્ય પોતે (ખુદ) પોતાને જ ભૂલે છે.અને પછી ભટકે છે.


તે પરમાત્મા ખોવાયો જ નથી તો તેને ખોળવાનો શું? તે જે જગ્યાએ છે ત્યાં તેને ખોળવામાં ન આવે તો તે 

કેમ કરીને મળી શકે? જરૂર છે-માત્ર જાગવાની,આંખો ખોલવાની !! તે મળે નહિ ત્યાં સુધી તૃપ્તિ નહિ રાખવાની!!

બહુ વિરહ થાય,બહુ પીડા થાય,બહુ આંસુ પડે,પણ,ગભરાવાનું નથી.કેમ કે જે મળવાનું છે,

(જે પરમાત્મા મળવાના છે) તેની સામે આનું કોઈ જ મુલ્ય નથી.(6)