Sep 19, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-07

 

तत्रापि न माहात्म्यज्ञानविस्मृत्यपवादः।। २२ ।।

એ (વ્યાકુળતાની) અવસ્થામાં પણ (ગોપીઓમાં) માહાત્મ્ય-જ્ઞાનની વિસ્મૃતિ નહોતી (૨૨)


ગોપીઓ પ્રભુના પ્રેમમાં પાગલ (દિવાની) બની હતી,પ્રેમમાં બેહોશ થતી હતી,પણ એક ક્ષણ પણ તે ભૂલી નહોતી કે શ્રીકૃષ્ણ એ ભગવાન છે.શ્રીકૃષ્ણ જોડે એ લડે છે,ઝગડે છે,તેમનાથી રૂઠી પણ જાય છે,છતાં પણ તેને,

સતત વ્યાકુળતામાં પણ,'શ્રીકૃષ્ણ એ પરમાત્મા છે' એનું ભાન (જ્ઞાન) છે.એ વાત તે કદી ભૂલી નહોતી.


तद्विहीनं जाराणामिव ॥ २३ ॥ 

તે જ્ઞાન વિના (ભગવાનને એટલે કે -એ ભગવાન છે એવું જાણ્યા વગર) 

ભગવાનને કરેલો પ્રેમ એ તો ચરિત્રહીન સ્ત્રી (જાર) ના પ્રેમ સમાન છે (૨૩)


ગોપીઓ તો પરિણીત હતી,એટલે કૃષ્ણ એ પરપુરુષ ગણાય,પણ આ પરપુરુષ એ પુરુષ-શરીર નહિ પણ પરમ-પુરુષ પરમાત્મા છે,એમ સમજીને જ શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી.પણ જો.,

તે ગોપીઓ એ પરમ-પુરુષને નહિ પણ પરપુરુષને પ્રેમ કરતી હોત તો તે તેની ચરિત્રહીનતા ગણાય,


नास्त्येव तस्मिस्तत्सुखसुखित्वम्।। २४ ।। 

(કારણ કે) તેવા (ચરિત્ર-હીન સ્ત્રીના) પ્રેમમાં પ્રિયતમના સુખમાં જ સુખી  થવું-એમ નથી હોતું (૨૪)


પણ,આવું નહોતું.કારણકે ગોપીઓ તો,શ્રીકૃષ્ણ હંમેશાં સુખી રહે તેવું તે ઇચ્છતી હતી,ને તેમના સુખમાં જ તે સુખી હતી.જયારે ચરિત્રહીન સ્ત્રીઓને તો ફક્ત પોતાના સુખનો જ ખ્યાલ હોય છે પ્રિયતમના સુખનો નહિ.

શ્રીકૃષ્ણ મથુરા જતા હતા ત્યારે પણ,ગોપીઓએ તેમને રોકવાની કે પોતે સાથે જવાની કોઈ જીદ કરી નહોતી.ગોપીઓએ તો તે વખતે એટલું જ કહ્યું કે-'તમે જે રીતે સુખી થતા હોવ તેટલું જ અમે ઇચ્છીએ છીએ'


અહીં,એ યાદ રાખવું જોઈએ કે,ભાગવત મુજબ,શ્રીકૃષ્ણે ગોકુળમાં કરેલી લીલાઓ સમયે તેમની ઉમર અગિયાર વર્ષથી પણ ઓછી હતી.અને આ ઉંમરના શરીરમાં કામભાવ હોવો કે તે શરીર પ્રત્યે કામભાવ હોવો શક્ય નથી.


सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ।। २५ ।। 

તે (ગોપીઓની પ્રેમ-રૂપા) ભક્તિ તો કર્મ,જ્ઞાન અને યોગથી પણ શ્રેષ્ઠત્તમ છે (૨૫)


કર્મ,જ્ઞાન અને યોગ માર્ગમાં પરમાત્માને પામવા કાંઈક પ્રયાસ (પ્રયત્ન) કરવો પડે છે.

પણ ભક્તિ માર્ગમાં કોઈ પ્રયાસ નથી છતાં પણ પરમાત્મા-રૂપી-પ્રસાદ મળે છે.

ભક્તિમાં નથી કોઈ યજ્ઞ-વગેરે રૂપી કર્મ કરવાનું,નથી શાસ્ત્રો ફંફોળવાના,કે નથી નાક પર આંગળી દબાવીને કોઈ પ્રાણાયામ કરવાના,પણ ભક્તિમાં તો ગોપીઓની જેમ પરમાત્મા તરફ અપૂર્વ પ્રેમ કરીને તેમને સમર્પણ થવાનું છે.

જયારે પ્રેમથી સમર્પણ-ભાવ થાય ત્યારે મનુષ્યે કશું કરવાનું રહેતું નથી,તેથી ભક્તિ અન્ય માર્ગોથી શ્રેષ્ઠ છે.


કર્મ,જ્ઞાન,યોગ-રૂપી ગંગા વહી-વહીને સાગરમાં મળે છે,જયારે સાગર ગંગા તરફ આવે તે ભક્તિ-ગંગા છે.

જેમ,નાનું બાળક રુદન કરે છે ત્યારે મા તેની પાસે દોડતી આવે છે તેમ,ભક્તિમાં ભક્ત,પરમાત્મા વિના તરફડે છે,તેના હૃદયમાંથી એક આહ નીકળે છે,તે રુદન કરે છે ત્યારે પરમાત્મા ત્યાં દોડતા આવે છે. 


फलरूपत्वात् ॥ २६ ॥

કારણકે તે ભક્તિ ફળ-રૂપા છે (૨૬)


સામાન્ય રીતે,જયારે બીજ રોપવામાં આવે તો તે વૃક્ષ બની ફળ આપે છે.

અહીં,બીજ-રૂપ એ (ફળનું) 'કારણ' છે તો ફળ એ (બીજનું) 'કાર્ય' છે.

નારદ કહે છે કે-ભક્તિ એ ફળ-રૂપ (કાર્ય-રૂપ) છે.બીજ-રૂપ (કારણ-રૂપ) નહિ.

ભક્ત જયારે પોતાની અક્કડ (અભિમાન) છોડીને,(સમર્પણ ભાવથી) જયારે,વૃક્ષ નીચે આવીને બેસે છે,

ત્યારે  ભક્તિ-ફળ એના મેળે જ વૃક્ષ પરથી નીચે આવીને તેના ખોળામાં પડે છે.


જ્ઞાન-માર્ગ કહે છે કે કાંઈક કરો,અજ્ઞાનને હટાવો તો જ્ઞાન આવી મળશે.જ્ઞાની અનેક વર્ષો સુધી,

મહેનત કરી જ્ઞાન મેળવે છે,પણ તેણે મહેનત કરી છે તેનું અભિમાન તેનામાં આવે છે.

યોગ-માર્ગમાં યોગી અનેક વર્ષો સુધી વ્રત-તપ-વગેરેનો અષ્ટાંગ યોગ (સાધન)સાધે છે,ત્યારે તેને સાધ્ય (પરમાત્મા)મળે છે,પણ તેને જે મહેનત કરી તેનું અભિમાન તેને છોડતું નથી.

કર્મમાર્ગમાં ત્યાગ છે,ને 'ત્યાગ કર્યો' તેનું અભિમાન છૂટતું  નથી. 


જેણે,તે કૈંક (કર્મ-જ્ઞાન-યોગનું) સાધન કર્યું છે,તે અનેક વર્ષો સુધી સાધન કરે છે ત્યારે સાધ્ય (પરમાત્મા) 

પામે છે,પણ ભક્તિમાં તો મીરાંએ (કે ગોપીઓએ) શું સાધન કર્યું? કયો યોગ કર્યો?

તે તો માત્ર પોતાની અહંતા છોડીને (પોતાને ભુલાવીને) કૃષ્ણ-પ્રેમમાં પાગલ બની,

ત્યારે તેમના માટે કોઈ સાધન,કોઈ કર્મ કે કોઈ યોગ કરવાનો રહ્યો નહિ,તેમના માટે કોઈ ગણિત ગણવાનું રહ્યું નહિ ને અનાયાસ જ,અકારણ તેમના ખોળામાં ભક્તિ-ફળ (ઈશ્વર) આવીને પડ્યું.

તેમને ખબર પણ પડી નહિ,અને અચાનક,ઘૂંઘરું ખણકી ઉઠ્યાં ને એક નૃત્ય શરુ થયું.

પરમાત્ત્માને સમર્પણ થવાથી,નથી તેમને કોઈ અભિમાન,કે નથી કોઈ સમય કે સ્થાનની શરમ.

તે તો જ્યાં ઉભી છે ત્યાં જ નાચી ઉઠે છે.તેને ભક્તિ-ફળ મળી ગયું ને એટલે જ ભક્તિ ફળ-રૂપા છે.