Sep 21, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-09

 

अव्यावृतभजनात् ॥ ३६ ॥ 

અખંડ ભજનથી ભક્તિનું સાધન સંપન્ન થાય છે  (૩૬)


અખંડ ભજન તો તેને જ કહી શકાય કે જેમાં પરમાત્માનું સ્મરણ (પરમાત્માની સ્મૃતિ) સતત રહે.

જેમ પનિહારીઓ માથે ઘડો ચડાવીને તેને હાથ પણ લગાડ્યા વિના ચાલે છે ત્યારે અલક મલકની વાતો કરે છે 

પણ તેનું સ્મરણ સદા માથા પર મુકેલા ઘડા પર જ હોય છે.

જો કોઈ રામ-રામ ને અખંડ ભજન કહે તો તે અખંડ ભજન ન પણ હોઈ શકે.કેમ કે ગમે તેટલી ઝડપથી રામ-રામ બોલવામાં આવે તો પણ એક રામ અને બીજા રામની વચ્ચે ખાલી જગા તો રહી જ જશે.અને તેટલી જગાના સમયે પરમાત્માનું સ્મરણ તો છૂટી ગયેલું જ ગણાય.

હકીકતમાં તો,અખંડ ભજન,નિર્વિચાર અવસ્થામાં જ શક્ય બની શકે હા,માત્ર તે ઈશ્વરનો જ એક વિચાર,બીજા વિચારોને છોડીને નિર્વિચાર અવસ્થા લાવે છે,ને તે જ અખંડ ભજન કહી શકાય છે.જેમ,ગંગા,સમુદ્ર તરફ સતત (અવિચ્છીન્ન)પણે વહી રહી છે તેમ,પરમાત્માના સમરણમાં,મનુષ્ય જો એક ક્ષણ પણ,તેમનાથી વિમુખ ન રહે,આંખ,હૃદય-આદિ સર્વ તેમના તરફ જ લાગી રહે,ત્યારે ભજનમાં કોઈ અવરોધ રહેતો નથી,એક ક્ષણ પણ તેમનું સ્મરણ ખંડિત થતું નથી,અને તે જ અખંડ ભજન કહી શકાય,

બાકી,તો ઘોંઘાટ કરીને ચોવીસ કલાક અખંડ ચાલતા ભજનોને અખંડ ભજન કહેવું કે ન કહેવું તે સવાલ છે.

ચોવીસ કલાક તો શું ? ચોવીસ સેકન્ડ સુધી પણ જો ઉપર મુજબ પરમાત્માનું સતત સ્મરણ રહે તો તે અખંડ ભજન જ કહી શકાય.ને ત્યારે ભક્ત પોતે રહેતો નથી માત્ર પરમાત્મા જ બાકી રહે છે.


लोकेऽपि भगवद्गुणश्रवणकीर्तनात्।। ३७ ।। 

લોક-સમાજમાં પણ ભગવાનના ગુણોનું શ્રવણ અને કીર્તનથી ભક્તિનું સાધન સંપન્ન થાય છે (૩૭)


ભગવાનનું શ્રવણ કાનથી અને કીર્તન મુખ (જીભ)થી થાય છે.

કાન જયારે નિષ્ક્રિય (કોઈ પણ ક્રિયા કર્યા વગર) થઈને હૃદય (પ્રાણ)થી જો ભગવાનના ગુણોને સાંભળે છે,

તો ત્યારે તે પ્રેમ થઈને રોમરોમમાં પ્રસરી જાય છે,મનુષ્ય તેમાં ડૂબે છે ને ત્તેને પરમાત્માના સ્મરણનું સાતત્ય 

થાય છે.એટલે અહીં કહે છે કે-ભગવાનના ગુણનું (દિલથી શ્રવણ કરી) સ્મરણ કરો ને પછી તેમના નામનું કીર્તન કરો.શ્રવણમાં જો નિષ્ક્રિયતા છે તો કીર્તનમાં સક્રિયતા છે.જીભ સક્રિય બને છે,ને કીર્તનની ક્રિયા થાય છે,

એટલે જ શ્રવણ અને કીર્તન એ બંનેંને પણ ભક્તિનું સાધન કહ્યું છે,કે જેથી ભક્તિ સંપન્ન થાય છે.


માત્ર ભગવાનના ગુણોનું શ્રવણ જ પૂરતું નથી કેમ કે શ્રવણ કરેલું ભુલાઈ પણ જતું હોય છે,એટલે જો તેમના નામનું 

સતત (દિવસ-રાત) ગુણગાન ચાલુ રહે તો તો તે રગરગમાં વ્યાપી જાય છે.લોહી અને હૃદયમાં તેની એવી તો છાપ પડી જાય છે કે-પછી તો માનવીનું સમગ્ર અસ્તિત્વ,ઈશ્વરનું સતત (અખંડ) ગુણગાન કરવા લાગે છે.


मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद्वा॥ ३८॥

(પરંતુ,પ્રેમ-ભક્તિની પ્રાપ્તિનું સાધન)મુખ્યત્વે તો મહા-પુરુષોની કૃપા અને  ભગવાનની "કૃપા" છે  (૩૮)

महत्सङ्गस्तु दुर्लभोऽगम्योऽमोघश्च ।। ३९ ।। 

પણ,મહાપુરુષોનો સંગ,એ દુર્લભ,અગમ્ય અને અમોઘ છે (૩૯)

लभ्यतेऽपि तत्कृपयैव ।। ४० ।। 

ભગવાનની 'કૃપા' થી જ મહાપુરુષોનો સંગ મળે છે (૪૦)

तस्मिस्तज्जने भेदाभावात्॥ ४१ ।। 

કારણકે-ભગવાન અને તેમના ભક્ત વચ્ચે 'ભેદ' નો અભાવ છે (ભેદ નથી) (૪૧)

तदेव साध्यतां तदेव साध्यताम्।। ४२ ।। 

એટલા માટે તે સાધ્ય (ભક્તિ) માટે સાધન (મહાપુરુષોના સંગ) ની જ સાધના કરો.(૪૨)


ઉપરના પાંચ સૂત્રોમાં કહેવા એ જ માગે છે કે -મહાપુરુષો (કે સદગુરુ) જેમણે ઈશ્વરનો અનુભવ કર્યો છે,

તેમનો સંગ એ ભક્તિની પ્રાપ્તિનું એક સાધન છે.પણ સાથે સાથે એ પણ કહે છે કે-જો કે આવા સદગુરૂનો સંગ 

દુર્લભ,અમોઘ અને અગમ્ય છે,પણ જો ઈશ્વરની કૃપા થાય તો સદગુરુનો સંગ સામેથી આવીને મળે છે.

સદગુરુ (ભક્ત) અને ઈશ્વર વચ્ચે ભેદ નથી,એટલે ઈશ્વર જ સદગુરુ રૂપે આવીને મળે છે.

કે જેથી,જો,સદગુરુનો સંગ (સાધન) કરીને,ભક્તિ (સાધ્ય)ને (કે ઈશ્વરને) પામી શકાય છે,

તો આવા સદગુરુના સંગ રૂપી,સાધના જ કરો.


ગુરુઓ તો અનેક છે,પણ જેમણે સત્યને જાણ્યું છે (ઈશ્વરને ઓળખ્યા છે) તેવા સદગુરુ બહુ ઓછા છે,

અને જો આવા સદગુરુ સામે આવે તો તેને ઓળખાવાવાળી આંખો પણ બહુ ઓછી હોય છે.

અને જો કોઈ તેને કદાચ ઓળખી પણ કાઢે તો તે તે સદગુરુ અગમ્ય (ન સમજી કે પામી શકાય તેવા) છે.

શિષ્ય (કે ભક્ત) જયારે સત્યને પામવા પૂરેપૂરો નિર્ધારિત (તૈયાર) થઇ જાય ત્યારે સદગુરુ સામેથી જ અચાનક આવીને મળે છે.સદગુરુને (કે ઈશ્વરને) ખોળવાની જરૂર નથી,(કે તેને ખોળવાની જરૂર ન પણ પડે)

તે ઓળખાઈ જાય તે જ મહત્વનું છે.ઈશ્વરને પામવા,જો મનુષ્યમાં,પાણીની બહાર કાઢેલી માછલી જેમ તરફડે છે,

તેવો તડફડાટ આવે,તેમના વગર જીવી જ ન શકે તેવો ઉચ્ચ ભાવ આવે તો તે સામેથી આવીને મળે છે.


નારદ કહે છે કે-ભક્તિનું સાધન સદગુરુની કૃપાથી તેમનો સંગ છે 

અને આવા સદગુરૂનો સંગ પણ પરમાત્માની કૃપાથી જ મળે છે.ખોળવાથી નહિ.

સદગુરુ પણ ભક્ત છે કે જેમની ઈશ્વર સાથે ઐક્યતા થઇ છે,બંને વચ્ચેનો ભેદ (દ્વૈત) દૂર થયો છે.

એટલે આવા સદગુરુ મળી જાય તો તેમનો સંગ એ ઈશ્વરનો જ સંગ ગણાય ને?

જો,આગળ કહ્યું તેમ જો,ઈશ્વર પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ હોય તો ઈશ્વર સાથે એકતા થાય જ છે,

ને ત્યારે તેવી વ્યક્તિને સદગુરુના સંગની જરૂર ન પણ પડે,તેવું પણ બની શકે.

તેમ છતાં અહીં (કેટલાક વ્યક્તિઓ માટે) સદગુરુના સંગનું એક સાધન કહ્યું છે.

મીરાને કૃષ્ણ પ્રતિ પ્રેમ કરવા માટે કોઈ ગુરુની જરૂર પડી નહોતી.માત્ર અપ્રતિમ પ્રેમ પૂરતો હતો.