Sep 22, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-10

 

दुःसङ्गः सर्वथैव त्याज्यः ।। ४३ ।। 

દુઃસંગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (૪૩)


દુઃસંગનો નો જો સીધો સાદો અર્થ કરવામાં આવે તો તે છે-ખરાબ વ્યક્તિનો સંગ.

પણ જો નીચેના સૂત્રોને અનુસરીને જોવામાં આવે તો,મન કે જે-કામ-ક્રોધ-આદિના ઉત્પત્તિનું કારણ છે,

 તે મનનો સંગ જ દુઃસંગ છે એમ કહેવું વધારે બહેતર લાગે છે.

કેમ કે જો ખરાબ વ્યક્તિના સંગનો (બહારથી) ત્યાગ કરવામાં આવે પણ જો મનથી (અંદરથી)

તેનો ત્યાગ થયેલો ન હોય તો તે ત્યાગ રહેતો નથી.માટે મનનો સંગ જ દુઃસંગ છે,તેનો ત્યાગ જરૂરી છે.


कामक्रोधमोहस्मृतिभ्रंशबुद्धिनाशसर्वनाशकारणत्वात्॥ ४४ ॥

(કારણકે તે દુ:સંગ)કામ,ક્રોધ,મોહ,સ્મૃતિભ્રંશ,બુદ્ધિનાશ અને સર્વનાશનું કારણ છે (૪૪)

 

મન રાજા છે ને કામ,ક્રોધ,મોહ-વગેરે તેની સેનાઓ છે.રાજા મન,પોતાની સેનાના સહારે જીવે છે,અને સેના એ રાજાના સહારે જીવે છે.પણ,જો મન મરે તો સેના વિખરાઈ જાય.આમ જો મનનો દુઃસંગ છૂટી જાય તો 

કામ-ક્રોધ-લોભ પણ જતા જ રહે.

કામ નો અર્થ છે-જે પોતાની પાસે નથી (જેમ કે સુખ વગેરે) તેને પામવાની આકાંક્ષા (ઈચ્છા) અને 

લોભનો અર્થ છે-જે પોતાની પાસે છે તે જતું ન રહે -તેવી આકાંક્ષા.

આવે જો આ બંને આકાંક્ષાઓ (ઈચ્છાઓ) જો પુરી ન થાય તો ક્રોધનો આવિર્ભાવ થાય છે.

ક્રોધનું પોતાનું કોઈ આગવું અસ્તિત્વ નથી.(ક્રોધ બાઈ પ્રોડક્ટ છે)


મન જ ભૂતકાળ ને ભવિષ્યનું વિચારે છે,સંકલ્પ-વિકલ્પો કરે છે,ઈચ્છાઓ(આકાંક્ષાઓ) કરે છે.

કામ એની લોભ પેદા કરે છે કે જેથી (આડપેદાશ-રૂપ) ક્રોધનો પણ જન્મ થાય છે.

અને આમ જયારે બને છે ત્યારે બુદ્ધિની અંદર રહેલી જે સ્મૃતિ કે સંસ્કારો (કે સારા વિચારો) છે,

તેનો નાશ થઇ જાય છે.ત્યારે બુદ્ધિ સારું-નરસું વિચારી શકતી નથી.

એટલે જ અહીં કહે છે કે-દુઃસંગ (મન) જ સ્મૃતિભંશ કરે છે જેનાથી બુદ્ધિનો (સદબુદ્ધિનો) નાશ થાય છે,

ને જેના પરિણામે સર્વનાશની ઘડી આવી પહોંચે છે.


तरङ्गायिता अपीमे सङ्गात्समुद्रायन्ति।। ४५ ।। 

તે કામ-ક્રોધાદિ પહેલાં (સમુદ્રના) નાના તરંગની જેમ આવે છે અને દુ:સંગથી 

તે વિશાળ સમુદ્રનો આકાર ધારણ કરી લે છે (૪૫)


આ કામ-ક્રોધ વગેરે પહેલાં તો હવાની નાની લહેરખીની જેમ કે પાણીના નાના તરંગની જેમ આવે છે.

પણ દુઃસંગ (મન) તેમને પકડી લે છે ને પછી પવનની લહેરખી વાવાઝોડું બની જાય છે કે તરંગ સમુદ્ર બની જાય છે,

એટલે ત્યારે જ મનુષ્ય જો હોશ રાખે તો જ તેને બચવાની શક્યતા છે.

કામ-લોભ-ક્રોધ-આદિને માયા પણ કહે છે,તે જયારે આવે ત્યારે હોશ રાખી જો તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો,તે તરંગોને અને તેનાથી પણ સૂક્ષ્મ તરંગો ઓળખાઈ જાય છે અને જેથી તેમનાથી બચવાની શક્યતા છે,જો તેમને ઓળખ્યા નહિ નહીંતર તેમાં ડૂબ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.


कस्तरति कस्तरति मायाम्? यः सङ्गांस्त्यजति, यो महानुभावं सेवते, निर्ममो भवति।। ४६ ।।

પ્રશ્ન-કોણ (આ દુસ્તર માયાથી) તરી જાય છે?

જવાબ-જે બધા જ સંગોનો ત્યાગ કરી,મહાનુભાવોની સેવા કરે છે અને જે મમતા-રહિત છે (૪૬)


ઉપર વર્ણવાયેલા બધા જ સંગો (દુઃસંગો) ને સમજીને તેનાથી સાવધાન થઈને જે તેનો ત્યાગ કરે,

એટલે કે મનનો દુઃસંગ છોડી આત્માનો (મહાત્માઓનો) સંગ જો કરે તો,તેને માયા પ્રત્યે મમતા (આસક્તિ) થતી નથી.અને મનુષ્ય જો મમતા રહિત (આસક્તિ રહિત) થાય તો જ માયામાં (જગતમાં) ડૂબતો નથી.


જેમ તાપથી બચવા કે વિશ્રામ લેવા વૃક્ષની છાયાનો સહારો લેવામાં આવે છે,તેમ જો મહાનુભાવો (સદગુરુ)નો 

સહારો લઇ તેમની સેવા (એટલે કે સત્સંગ) કરવામાં આવે તો,સત્યનો અનુભવ કરવામાં સહાયતા મળે છે.

આ જગતમાં જયારે વ્યક્તિ 'આ મારુ છે' એમ કહે ત્યારે તેને તેના પ્રત્યે મમતા કે આસક્તિ થાય છે,

અને આ (મમતા) આસક્તિ,એ પોતે,કામ-ક્રોધ -લોભ-આદિને પાછી ઘસડીને લાવે છે.


यो विविक्तस्थानं सेवते, यो लोक बंधमुँमूलयति, निस्त्रयैगुण्यो भवति,योगक्षेमं त्यजति।। ४७ ।।

જે નિર્જન સ્થાનમાં નિવાસ કરે છે,જે લૌકિક બંધનોને તોડી નાખે છે,જે ત્રણે ગુણોથી પર થઇ જાય છે,

અને જે યોગ-ક્ષેમ (જીવન જીવવાનાંસાધનો) નો પણ ત્યાગ કરી દે છે (૪૭)


અહીં નિર્જન સ્થાનનો સીધોસાદો અર્થ એવો છે કે-જે નિર્જન જંગલમાં કે ગુફામાં જઈને નિવાસ કરે છે,

પણ નિર્જનતામાં જો મન સાથે હોય  કલ્પનાનાઓની જાળ ઉભી કરી ને સંસાર ઉભો કરી દે છે,

એટલે જો બીજો અર્થ એમ કરવામાં આવે કે નિર્જન સ્થાન નહિ પણ 'નિર્જન સ્થિતિ',

તો આ નિર્જન સ્થિતિ એ મનુષ્યના ભીતરની એક અંતર્દશા છે.કે જ્યાં મનુષ્ય એકલો (નિર્જન) બને છે,

એ આંખ બંધ કરે કે તેનો સંસાર સમાપ્ત થઇ જાય છે.અને આગળ વધીને છેવટે તેનો 'હું'ભાવ પણ સમાપ્ત થાય છે.


આવી નિર્જન સ્થિતિ (દશા)માં જે નિવાસ કરે છે તેના લૌકિક (સંસારના) બંધનો આપોઆપ જ તૂટી જાય છે,

અને અલૌકિક સંબંધનું (મોક્ષનું) નિર્માણ થાય છે,કે જેથી તે ભક્ત ત્રણે ગુણો (તામસ-રજસ-સત્વ)થી પર થઇ જાય છે.એટલે ભક્ત સાત્વિક છે-એમ પણ કહેવાનું રહેતું નથી,કારણકે તે પોતે ભગવાનની સાથે એક થવા તરફ 

રવાના થયેલો છે.અને છેવટે તો ભગવાન અને ભક્ત એક જ બની જાય છે.


જયારે ભક્ત ભગવાનનું શરણું લે છે ત્યારે ભગવાન જ તેને યોગક્ષેમ (જીવન જીવવાના સાધનો) બક્ષે છે,

તેને યોગક્ષેમની કોઈ ચિંતા રહેતી નથી.એટલે તેનો ત્યાગ પણ આપોઆપ જ થઇ જાય છે.

ગીતામાં પણ લખેલ છે કે-'તું મારે શરણે આવ તો હું તારા યોગક્ષેમનું ધ્યાન રાખીશ'


ત્યાગ વિષે ઉપનિષદ કહે છે કે-'તેન ત્યક્તેન ભુંજીથા' 

એનો અર્થ 'એમને જ ત્યાગ્યું કે જેમણે ભોગવ્યું' કે 'ત્યાગીને ભોગવી જાણ'

આ સૂત્રને સમજવું એકદમ સહેલું તો નથી જ.માત્ર તેના પર જો વિચારવામાં આવે તો જ તે સમજાય છે.

જીવન જીવવા માટે જરૂરી સાધનોને ભોગવવાના છે પણ તેને 'તે પોતાના છે કે મારા છે' એમ સમજીને નહિ,

એટલે તેનો ત્યાગ જ થઇ જાય છે.આગળનું સૂત્ર આ વાતને વધુ સમર્થન આપે છે.