Nov 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-027

 

અધ્યાય-૩૧-ગરુડની ઉત્પત્તિનાં કારણ 


II शौनक उवाच IIकोSपराधो महेन्द्रस्य कः प्रमदम्श्च सूतज I तपसा वालखिल्यानां संभूतो गरुडः कथम्  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,ઇન્દ્રનો કયો અપરાધ હતો? કયો પ્રમાદ હતો? અને વાલખિલ્યોના તપથી ગરુડ કેવી રીતે ઉત્પન્ન થયો?વળી બ્રાહ્મણ કશ્યપને પક્ષીરાજ પુત્ર કેમ થયો? ને શા કારણથી તે પ્રાણીમાત્રથી અસહ્ય અને અવધ્ય થયો? તે સ્વેચ્છા ગતિવાળો અને સ્વેચ્છા બળવાળો શી રીતે થયો? તે હું સાંભળવા ઈચ્છું છું 

સૂતજી બોલ્યા-હે દ્વિજ,તમે મને જે પૂછી રહ્યા છો,તે પુરાણનો વિષય છે,તે સંક્ષેપમાં તમને કહું છું.

પુત્રની ઈચ્છાવાળા કશ્યપ પ્રજાપતિ યજ્ઞ કરી રહ્યા હતા,તે યજ્ઞમાં કશ્યપે,ઇન્દ્ર,વાલખિલ્ય મુનિઓ તથા બીજા દેવોને લાકડાં લાવવાનું કામ સોંપ્યું હતું.સમર્થ ઇન્દ્ર તો,પોતાના બળ પ્રમાણે,લાકડાંનો મોટો ભરો ઉપાડીને લાવતો હતો ત્યારે રસ્તામાં તેણે,અંગુઠાથી અડધા જેવડા શરીરવાળા નાના ઋષિઓ જોયા કે,જેઓ એકઠા થઈને,ખાખરાની એક લાંબી ડાળી ઉપાડીને લાવતા હતા,વચ્ચે ગાયનાં પગલાંથી ભરાયેલ ખાબોચિયાં આવવાથી તે ઋષિઓ કષ્ટ પામતા હતા,વિસ્મય પામેલા અને પોતાના બળમાં ઉન્મત્ત થયેલા ઇન્દ્રે,તે સર્વ વાલખિલ્ય ઋષિઓની હાંસી કરી,અને તેમનો અનાદર કરીને ત્યાંથી ચાલ્યો ગયો.


આથી તે વાલખિલ્ય ઋષિઓને અત્યંત ક્રોધ થયો અને રોષમાં આવીને,તેમણે,ઇન્દ્રને ભય કરે એવું મહાન કર્મ (યજ્ઞ) આરંભ્યું.તપસ્વીઓને ઈચ્છા હતી કે-ઈચ્છા પ્રમાણેના બળવાળો,ઈચ્છા પ્રમાણે ગતિ કરનારો,ઇન્દ્રને ભય દેનારો -એવો સર્વ દેવોનો બીજો ઇન્દ્ર થાઓ.કે જે ઈન્દ્રથી સો ગણો ચડિયાતો થાઓ.

તેમનો આવો સંકલ્પ જાણીને દેવરાજ ઇન્દ્રને અતિ સંતાપ થયો,અને તે કશ્યપને શરણે ગયો,

તેની વાત સાંભળી,કશ્યપ,વાલખિલ્ય ઋષિઓ પાસે ગયા,અને તેમની કાર્યસિદ્ધિ માટે પૂછ્યું,

ઋષિઓએ ઉત્તર આપ્યો કે તેઓ,ઈન્દ્રથી ચડિયાતો બીજો ઇન્દ્ર ઈચ્છી રહ્યા છે.


કશ્યપે કહ્યું કે -બ્રહ્માજીના આદેશથી ત્રિભુવન માટે આ ઇન્દ્ર નિમાયો છે,બ્રહ્માનું વાક્ય મિથ્યા કરવું તમને ઘટે નહિ,પણ તમે બીજો ઇન્દ્ર નિર્માણ કરવા ઈચ્છો છી-તો તમારો એ સંકલ્પ પણ મિથ્યા થાય એવો નથી.

એથી નવો નિર્માણ થનાર એ અતિ બળવાન ઇન્દ્ર 'પક્ષીઓનો ઇન્દ્ર થાઓ',હવે તમે દયા કરીને આ દેવરાજ ઇન્દ્ર પર પ્રસન્નતા વરસાવો.' ત્યારે વાલખિલ્ય બોલ્યા-અમારા આ બધાનો આ યજ્ઞ ઇન્દ્રને અર્થે જ છે,અને તમારો આ યજ્ઞ,પુત્રને અર્થે છે,તો તમે જ આ કર્મને ફળ સાથે સ્વીકારો અને એમાં તમને જેમ કલ્યાણ થાય તેમ કરો.


સૂતજી કહે છે કે-એ જ અરસામાં,કશ્યપની પત્ની (દક્ષપુત્રી) વિનતા,પુંસવનસંસ્કાર અંગેનું ઋતુસ્નાન કરીને 

ત્યાં આવી,ત્યારે કશ્યપે તેને કહ્યું કે-તારો,ઈચ્છીત પ્રયત્ન સફળ થશે,તું ઈશ્વર જેવા બે પુત્રોને જન્મ આપશે,

વાલખિલ્ય ઋષિઓના તપને લીધે અને મારા સંકલ્પને લીધે,આ બે મહાભાગ્યશાળી પુત્રો ત્રણે લોકમાં પૂજાશે.

તું આ ગર્ભને સાવધાનીથી ધારણ કરજે,ઇચ્છારૂપ ધરનારા અને આકાશમાં વિચરનારા,આ બે વીરો,

સર્વ પક્ષીઓનું ઇન્દ્ર-પદ લેશે.પછી કશ્યપે,ઇન્દ્રને કહ્યું કે-તારા આ બે મહા વીર્યવાન ભાઈઓ,

તારા સહાયક થશે અને એ બે તરફથી તને કોઈ કષ્ટ નહિ આવે, તારો સંતાપ દૂર થાઓ.તું જ ઇન્દ્ર રહેશે,

પણ,હવે તારે કદી,બ્રહ્મવાદી ઋષિઓનું,અપમાન કરવું નહિ અને મદમાં આવી તેમને અવગણવા નહિ.


કશ્યપે આ પ્રમાણે કહ્યું,એટલે શંકારહિત થઇ ઇન્દ્ર સ્વર્ગલોકમાં ગયો.

વિનતાએ અરુણ અને ગરુડ નામે બે પુત્રોને જન્મ આપ્યો,જેમાં અરુણ,સૂર્યનો સારથી થયો અને 

ગરુડનો પક્ષીના ઇન્દ્રપદે અભિષેક કરવામાં આવ્યો,આ ગરુડનું મહાન કર્મ હવે સાંભળો (1-35)

અધ્યાય-31-સમાપ્ત 


અધ્યાય-૩૨-અમૃત માટે ગરુડ અને દેવોનું યુદ્ધ 


II सौतिरुवाच II ततस्तस्मिन द्विजश्रेष्ठ समुदिर्णे तथाविधे I गरुडः पक्षीराज तूर्ण संप्राप्तो विचुधान प्रति II १ II

સૂતજી બોલ્યા-હે દ્વિજવર,આ રીતે (અમૃત લેવા સ્વર્ગલોક ગયેલ) પક્ષીરાજ ગરુડ,એકદમ દેવો તરફ ધસ્યો,

તે મહાબળવાનને જોઈને દેવો થરથરવા લાગ્યા,વિશ્વકર્મા,તે મારુતનું રક્ષણ કરી રહ્યા હતા,તેમને,

ગરુડે પાંખ,ચાંચ અને નખોથી ઘાયલ કર્યા,પછી પોતાની પંખીઓના ફફડાટથી,તેણે પુષ્કળ ધૂળ ઉડાડી,

તેથી સર્વ લોકો અંધારાથી ઘેરાઈ ગયા,અને ધૂળથી ઢંકાઈ ગયા,મૂઢ થઇ ગયેલા તે દેવો,ગરુડને જોઈ શકતા નહોતા,એટલે ગરુડે,ચાંચના પ્રહારથી દેવોને ચીરવા લાગ્યા.


ત્યારે ઇન્દ્રે,તત્કાળ વાયુને પ્રેરણા કરી કે-'ધૂળની આ વર્ષને તું વિખેરી નાખ' એટલે વાયુએ વેગપૂર્વક તે ધૂળને હટાવી,એટલે અંધારું દૂર થયું,પછી,દેવો ગરુડને પીડવા લાગ્યા.ત્યારે ગરુડ મહાગર્જના કરી આકાશમાં ઉછળ્યો,

ત્યારે ઇન્દ્ર-સહિત બીજા કવચધારી દેવોએ તેના પાર વિવિધ અસ્ત્રોનો મારો કર્યો.છતાં તે પ્રતાપી ગરુડ,

જરાયે ડગ્યા વિના,પોતાની પાંખો,નખોથી દેવોને પકડીને ચારે બાજુ ફેંકતો રહ્યો.દેવો જખ્મી થઈને 

ભાગવા લાગ્યા.સર્વને આવરદા વિનાના કરીને ગરુડ,અમૃતને માટે આગળ ઉડવા લાગ્યો.ત્યાં તેણે,

સમસ્ત આકાશને આવરી લેતો મહાઅગ્નિ જોયો,એટલે ગરુડે પોતાના અનંત મુખો કર્યા,

ને તે મુખોથી નદીઓનું પાન કરીને,તે અગ્નિ પાર છાંટ્યું,એટલે અગ્નિ શાંત થઇ ગયો.

પછી,અમૃત તરફ જવા તેણે પોતાની બીજું નાનું સ્વરૂપ ધારણ કર્યું.(1-25)

અધ્યાય-32-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE