Jan 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-059

 
અધ્યાય-૬૮-શકુંતલા-ઉપાખ્યાન 

II जनमेजय उवाच II त्वतः श्रुतमिदं ब्रह्मन् देवदानवरक्षसाम I अन्शावतरणं सम्यग्गन्धर्वाप्सरसां तथा II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દેવો,દાનવો,રાક્ષસો,ગંધર્વો ને અપ્સરાઓના અંશાવતારો,

મેં સારી રીતે સાંભળ્યા,હવે કુરુઓના વંશ વિશે વિસ્તારથી કહો.

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પૌરવોના વંશને વધારનાર 'દુષ્યંત' નામે,ચાર મહાસાગર પર્યંતની પૃથ્વીનો,

પાલનહાર રાજા ને ભોક્તા હતો.ચાર વર્ણથી ભરેલા ને મ્લેચ્છ દેશ સુધીના સંપૂર્ણ પૃથ્વીદેશો પર તેનું રાજ્ય હતું.

તેનું રાજ્યશાસન હતું,ત્યારે કોઈ વર્ણશંકર કરનારું નહોતું,કોઈને ખેતી કરીને અનાજ ઉત્પન્ન કરવાનું નહોતું,

વળી,પૃથ્વી,રત્ન અને ધાતુઓથી ભરપૂર હતી,એટલે ખાણો ખોદવાનું પણ નહોતું.

તે વખતે કોઈ પાપકર્મ કરનારું નહોતું,સર્વ લોકો ધર્મમાં પ્રીતિવાળા રહી,અર્થ મેળવતા હતા.

ત્યારે,સર્વ લોકોને,ચોરોનો,ભૂખનો કે વ્યાધિનો જરાયે ભય નહોતો (3-8)


સર્વ વર્ણના લોકો સ્વધર્મપરાયણ રહેતા હતા,ને રાજાના આશ્રયે સર્વ નિર્ભય હતા.યથાકાળે વૃષ્ટિ વરસતી હતી,

ધાન્યો રસવાળાં હતા.બ્રાહ્મણો સ્વકર્મમાં પરાયણ હતા ને તેમનામાં ક્યાંય જૂઠ નહોતું.


વજ્રના જેવો દેહધારી,તે રાજા દુષ્યંત,પોતાના બે હાથથી મંદર પર્વતને ઉપાડી શકે તેવો અદભુત બળવાન હતો.

તે ગદાયુદ્ધમાં,સર્વ હથિયારોમાં તેમજ હાથી-ઘોડાની સવારીમાં નિપુણ હતો,બળમાં તે વિષ્ણુ જેવો,

તેજમાં તે સૂર્ય-સમ,શાંતિમાં તે સમુદ્ર-સમ અને સહનશીલતામાં તે ધરતી-સમ હતો.

દેશવાસી પ્રજા તેના પર પ્રસન્ન હતી,તે સહુનો માનીતો રાજા હતો,

ને તે રાજા,ધર્મપરાયણ ભાવથી પ્રજા પર શાસન કરતો હતો.(9-14)


અધ્યાય-68-સમાપ્ત 


અધ્યાય-૬૯-મૃગયા ખેલવા દુષ્યંતનું પ્રસ્થાન 


II जनमेजय उवाच II संभवं भरतस्याहं चरितं च महामतेः I शकुन्तलायाश्वोत्पति श्रोतुमिच्छामि तत्वतः II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,મહાબુદ્ધિમાન ભરતનો જન્મ તથા તેનું ચરિત,શકુંતલાની ઉત્પત્તિ,અને 

તે વીર દુષ્યંતે શકુંતલાને કેવી રીતે પ્રાપ્ત કરી હતી? તે વિસ્તૃત રીતે હું સાંભળવા ઈચ્છું છું (1-3)


વૈશંપાયન બોલ્યા-એક સમયે,તે મહાબાહુ દુષ્યંત,પોતાની અપાર સેનાએ અને વાહનો સાથે વનમાં 

મૃગયા ખેલવા જતો હતો,ત્યારે સુંદર મહેલોની અગાશીએ બેઠેલી સ્ત્રીઓએ તે યશસ્વી રાજાને જોયો અને 

તે કહેવા લાગી કે-આ પુરુષસિંહ,રણમાં વસુઓના જેવો પરાક્રમી છે,તેના બાહુબળ સામે શત્રુદળ ટકી શકતું નથી'

મસ્ત હાથીની અંબાડી પર બેસીને નીકળાયેલા તે ઇન્દ્ર સમાન રાજાને જતો,સહુ જોઈ રહ્યા.(10-15)


નગરજનો,તેની પાછળ સુધી દૂર સુધી ગયા,ને પછી રાજાની આજ્ઞાથી તે પાછા વળ્યા.ત્યાર બાદ,રાજાએ,

જોજનો સુધી વિસ્તરેલા વનની અંદર પ્રવેશ કર્યો,કે જે મૃગો-આદિ પ્રાણીઓથી ભરપૂર હતું.(16-19)

માનવ સિંહ-દુષ્યંતે,વિવિધ મૃગોને મારી,પોતાની સેનાએ,સેવકો અને વાહનો સાથે વનને ડહોળી નાખ્યું.

બાણની લક્ષ્ય-મર્યાદામાં આવેલા વાઘોના સમૂહનો પણ તેને શિકાર કર્યો.(20-32)


અધ્યાય-69-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE