Jan 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-061

 
અધ્યાય-૭૧-શકુંતલાની જન્મકથા 

II वैशंपायन उवाच II ततोSगच्छन्महाबाहुरेकोमात्यान्विसृज्य तान् I नापश्यस्चाश्रमे तस्मिस्तमृपिं संशितव्रतं II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે મહાબાહુએ,મંત્રીઓને વિદાય આપી,ને પોતે એકલો આશ્રમની અંદર ગયો.

પણ તે આશ્રમમાં તેણે કણ્વ ઋષિને જોયા નહિ,એટલે તે બૂમ મારી બોલ્યો 'કોઈ છે અહીં?'

તેનો શબ્દ સાંભળોને,તાપસીનો વેશ ધારણ કરેલી,સાક્ષાત લક્ષ્મીના જેવી રૂપવતી,એક કન્યા,

તે આશ્રમમાંથી બહાર આવી અને રાજાને જોતાં જ,તેમને આદર આપી બોલી 'હે રાજન ભલે પધાર્યા'

પછી,તેણે,આસન,પાદ્ય અને અર્ધ્યથી,રાજાનું પૂજન કરીને,રાજાનું કુશળ પૂછીને,રાજાને પૂછ્યું કે-

'હું આપનું શું કાર્ય કરું?' ત્યારે રાજાએ કહ્યું કે-'હું કણ્વ ઋષિના દર્શને આવ્યો છું,તે ક્યાં ગયા છે?'

શકુંતલા બોલી-મારા પિતા,ફળ લાવવા માટે બહાર ગયા છે,થોડીવાર થોભો,હમણાં જ તે પાછા આવશે'


તે કન્યાને શ્રેષ્ઠ કુલવતી,મધુર હાસ્ય,સુંદર રૂપવાળી અને યૌવનથી ભરેલી જોઈને રાજાએ તેને કહ્યું કે-

'હે સુંદરી,તું કોણ છે?તું કોની પુત્રી છે? આવી રૂપગુણ વળી તું શા  માટે વનમાં આવી છે? 

હે શુભા,તારા દર્શન માત્રે,મારુ મન હરી લીધું છે,હું તને જાણવા માગું છું,તો તું મને તે કહે'

ત્યારે શકુંતલાએ જવાબ આપ્યો કે-'હું તપસ્વી મહાત્મા કણ્વની પુત્રી મનાઈ છું ' (1-13)

(નોંધ-દુષ્યંતને પોતાના મન પર કેવો વિશ્વાસ છે !! શકુંતલા જો બ્રાહ્મણપુત્રી હોત તો તેનું મન ચલિત થાય જ નહિ!!)


દુષ્યંત બોલ્યો-હે મહાભાગ્યવતી,આ લોકમાં પૂજાપાત્ર,એવા કણ્વ ઋષિ તો ઉર્ધ્વરેતા છે,કદાચ ધર્મ,પોતાના

નિયમમાંથી ચળી જાય,પણ એ જિતેન્દ્રિય,કદી ય ચળે એવા નથી,તો તું એમની પુત્રી ક્યાંથી થઇ?

મને આ મહાસંશય થયો છે-તો તે છેદવા તું સમર્થ છે,તો શું સત્ય છે તે મને કહે.(14-17)


શકુંતલા બોલી-હે રાજન,મારા સાંભળવામાં જે આવ્યું હતું,ને જે બન્યું હતું,અને જે રીતે હું મુનિની પુત્રી છું,

તે યથાર્થ રીતે તમે સાંભળો.કોઈ એક ઋષિએ આવી,મારા જન્મ વિશે,કણ્વ ઋષિને આવો જ 

પ્રશ્ન કર્યો હતો ત્યારે મારા પિતા કણ્વ ઋષિએ જે જવાબ આપ્યો હતો તે સાંભળો (18)


કણ્વ બોલ્યા-પૂર્વે વિશ્વામિત્ર નામે તપસ્વી તપ કરી રહ્યા હતા,ત્યારે દેવોના અધિપતિ ઇન્દ્રને ઘણી ચિંતા થઇ કે-

'શું આ મહાતપસ્વી,મારુ સ્થાન તો પચાવી નહિ પાડે ને?;' ને તેથી તેણે,મેનકા નામની અપ્સરાને કહ્યું કે-

હે મેનકા,તું સર્વ અપ્સરાઓમાં શ્રેષ્ઠ છે,તું મારુ કલ્યાણ કર,અને મહાતપસ્વી વિશ્વામિત્રને ત્યાં જઈ,

તું તેમને,તારા રૂપ,યૌવન,મધુરતા,ચેષ્ટા,સ્મિત,ભાષણ આદિથી લોભાવી તપમાંથી ભ્રષ્ટ કર,

કે જેથી તે મારુ સ્થાન પચાવી પાડે નહિ.હે સુંદરી,તું આમ,મને નિર્વિધ્ન કર (19-26)


મેનકા બોલી-વિશ્વામિત્ર,મહાન તપસ્વી અને ક્રોધશીલ છે,તે તમે જાણો છો.તેમના તપથી તમે પણ સંતાપ પામી રહ્યા છો,તો મને પણ સંતાપ કેમ ન થાય? જેમણે,વસિષ્ઠને પોતાના પ્રિય પુત્રોથી છુટા પાડ્યા છે,તેઓ,પ્રથમ ક્ષત્રિય જન્મીને બળપૂર્વક બ્રાહ્મણ બન્યા છે.કૌશિકી નામની પવિત્ર દુર્ગમ નદીને,તેમણે બહુ જળવાળી બનાવી,

દુકાળના સમયમાં,લોકોનું પાલનપોષણ કર્યું હતું.દુકાળ પુરો થતાં,તે નદીનું નામ 'પારા' પાડ્યું હતું.

તેમણે પ્રસન્નમન થઈને મતંગ પાસે યજ્ઞ કરાવ્યો હતો,ત્યારે તમે અને ચંદ્ર ભયના માર્યા સોમ પીવા ગયા હતા.


તેમણે,ક્રોધમાં આવીને બીજો લોક સર્જ્યો છે અને તેમાં શ્રવણ-આદિ નક્ષત્રો સર્જ્યા છે.ગુરુના શાપથી હણાયેલા ત્રિશંકુને પણ તેમણે શરણ આપ્યું છે,આવાં,તેમનાં મહાન કર્મો છે,તેથી તે ઋષિથી હું ડરૂ છું,માટે તમે એવું કાંઈ કરો કે જેથી ક્રોધ પામેલા ઋષિ મને ખાખ કરી ન નાખે.જે ઋષિ,પોતાના તેજથી લોકોને ભસ્મ કરી શકે છે,

પોતાના પગથી પૃથ્વીને કંપાવી શકે છે,મહામેરુ પર્વતને ફેંકી દઈ શકે છે,ને દિશાઓને પલ્ટાવી શકે એમ છે,

તેવા પ્રજ્વલિત અગ્નિ જેવા જિતેંદ્રિયને મારા જેવી સ્ત્રી અડી પણ કેવી રીતે શકે?


યમ,સોમ,મહર્ષિઓ,સાધ્યો,વિશ્વદેવો-આદિ પણ,તેમના તપના પ્રભાવ આગળ છળી ઉઠે છે,

તો મારા જેવી નારીનું શું ગજું? પણ,હે ઈંદ્રરાજ,તમે મને ત્યાં જવા માટે કહ્યું છે,તો હું તે ઋષિ પાસે ન જાઉં,

તે પણ કેવી રીતે બની શકે? માટે તમે મારી રક્ષાનો વિચાર કરો,કે જેથી રક્ષિત થઈને હું ત્યાં જઈ શકું.

હું ક્રીડા કરતી હોઉં,ત્યારે પવન,મારુ વસ્ત્ર ઉડાડી દે,ને કામદેવ,તમારા પ્રસાદથી મારા સહાયક થાઓ.

હું ઋષિને લોભાવતી હોઉં,ત્યારે વનમાં સુગંધી વાયુ વહે,તેવું પણ કરી આપો.

ઇન્દ્રે 'તથાસ્તુ' કહીને એ પ્રમાણેની વ્યવસ્થ કરી આપી,ત્યારે મેનકા તે ઋષિના આશ્રમે ગઈ (27-43)

અધ્યાય-41-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE