Jan 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-070


ત્યાર બાદ,ત્રીજીવાર,તે અસુરોએ કચને મારી નાખ્યો ને તેને બાળીને તેનું ચૂર્ણ કરીને,મદિરામાં ભેળવીને,

શુક્રાચાર્યને પાઈ દીધું.દેવયાનીએ કચને ન જોઈને પિતાને ફરિયાદ કરી કે-'ક્યાંય કચ દેખાતો નથી'

ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે-હે પુત્રી,કચ,મરણ પામ્યો છે.તેને(બે વખત) મેં સંજીવની વિદ્યાર્થી તેને સજીવન કર્યો,

પણ અસુરો તેને મારી નાખે છે.તેને માટે શોક કરવો ઘટતો નથી,કેમ કે તેને ફરીથી જીવતો રાખવો અશક્ય છે,

કેમ કે તે ફરીથી જીવતો થાય તો,અસુરોથી,તેનો ફરીથી વધ થવાનો જ છે (33-48)

દેવયાની બોલી-અંગિરાના પૌત્ર ને બૃહસ્પતિના પુત્રનો?તે બ્રહ્મચારી ને તપોધન હતો,કર્મમાર્ગમાં 

સદા નિપુણ હતો,હું એ કચ ના માર્ગે જ વળીશ,હું ભોજન નહિ કરું,પિતાજી મને એ કચ પ્રિય છે.


દેવયાનીને વાક્યથી પીડાયેલા,શુક્રાચાર્યે વિચાર્યું કે-અસુરો મારો દ્વેષ કરે છે,ને મારા શિષ્યને મારી નાખે છે,

તે ભયંકર કર્મવાળા અસુરો મને બ્રાહ્મણત્વથી ભ્રષ્ટ કરવા માગે છે ને હંમેશાં મારી વિરુદ્ધ આચરણ કરે છે.

પણ એ પાપનો છેડો હવે આવશે જ.બ્રહ્મહત્યા તો ઇન્દ્રને પણ બાળી નાખે છે તો બીજાને કેમ નહિ?

પછી,તેમની વિદ્યાર્થી બોલાવેલો કચ,તેમના જ જઠરમાં ધીમે ધીમે બોલવા લાગ્યો.

ત્યારે શુક્રાચાર્યે કહ્યું કે-'તને કેવી રીતે મારા જઠરમાં નાખ્યો છે?તે તું કહે.'


કચે કહ્યું કે-મને હણીને,બાળીને સુરામાં ભેળવીને,તે મદિરા આપને પાઈ હતી.

શુક્ર બોલ્યા-હે દેવયાની,તારું હું શું પ્રિય કરું?મારા વધથી જ કચનું જીવન છે,મારા પેટમાં પડેલો કચ,

મારુ પેટ ચીર્યા વિના,બીજી કોઈ રીતે સજીવન થઇ શકે નહિ' દેવયાની બોલી કે-'કચનો નાશ અને 

તમારું મૃત્યુ-એ બંનેનો મને શોક છે,તમારા મૃત્યુથી મારે જીવવું અશક્ય જ બની જશે.


શુક્ર બોલ્યા-'હે કચ,તું સિદ્ધિને યોગ્ય છે,કારણકે દેવયાની તને ભજે છે,તું જો કચ-રૂપી-ઇન્દ્ર ન હોય તો અત્યારે જ આ સંજીવની વિદ્યા પામ.મારા પેટમાંથી બ્રાહ્મણ સિવાય કોઈ જીવતો બહાર આવી શકે નહિ.તું સંજીવની વિદ્યા મેળવ,

હું તને જીવતો કરું છું,પછી,તું મારા પુત્રરૂપ થઇ,બહાર આવી,મને સંજીવની વિદ્યાથી જીવતો કરજે'


વૈશંપાયન બોલ્યા-ગુરુ પાસેથી વિદ્યા મેળવીને,કચ બ્રાહ્મણ તે જ ઘડીએ,શુક્રનું પેટ ફાડીને બહાર આવ્યો,

ને પછી,મરણ પામેલા તે શુક્રાચાર્યને સંજીવની વિદ્યાથી ,તરત જ સજીવન કર્યા.ને તેમને કહ્યું કે-

વિદ્યાહીન એવા મારા કાનમાં જેમણે,અમૃતનું સિંચન કર્યું છે,તેમને મારા માટે-પિતા સમજુ છું.

કૃતજ્ઞ મનુષ્ય તેમનો દ્રોહ કરે જ નહિ,કારણકે જેઓ વિદ્યાનો લાભ પામીને જ્ઞાનદાતા ગુરુને,

આદર આપતા નથી,તેઓ પ્રતિષ્ઠાહીન થઈને પાપલોકને જ પામે છે.


હવે પોતે છેતરાઈને મદિરાપાન કર્યું ને મંદિરના ઘેનમાં પોતે સુંદર કચને પી ગયા,એવા દોષને વિચારીને,

ક્રોધપૂર્વક બોલ્યા કે-'આજથી માંડીને જે કોઈ મંદબુદ્ધિ બ્રાહ્મણ,મોહવશ થઈને મદિરાપાન કરશે,

તે ધર્મભ્રષ્ટ થશે અને આ લોક ને પરલોકમાં નિંદા પાત્ર થશે'

પછી,દૈવથી મૂઢ બનેલા તે દાનવોને બોલાવીને,તેમને કહ્યું કે-હે દાનવો,હું સત્ય કહું છું કે હવે ફરીથી કચને મારવાની મૂર્ખાઈ કરશો નહિ,કેમ કે સંજીવની વિદ્યા પામીને,કચ તો સિદ્ધ થયો છે,અને તે મારી પાસે જ રહેશે'


પછી,આશ્ચર્ય પામેલા દાનવો પોતપોતાને ઘેર ગયા અને કચ,ગુરુની પાસે એકહજાર વર્ષ રહ્યો.

ને પછી ગુરુની આજ્ઞા મળતા,તેણે સ્વર્ગમાં (બૃહસ્પતિ પાસે) પાછા જવાની ઈચ્છા કરી.(58-72)

અધ્યાય-76-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE