Jan 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-077

અધ્યાય-૮૩-યયાતિ રાજા શાપથી વૃદ્ધ થયો 


II वैशंपायन उवाच II श्रुत्या कुमारं जातं तु देवयानि शुचिस्मिता I चिन्तयामास दुःखार्तो शर्मिष्ठां भारत  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,શર્મિષ્ઠાને ત્યાં પુત્રજન્મ થયેલો સાંભળીને,

શુદ્ધ-સ્મિત દેવયાની,દુઃખ પામી,તેણે શર્મિષ્ઠા વિષે વિચાર કર્યો,ને પછી તેની પાસે જઈને 

તે બોલી કે-હે શર્મિષ્ઠા,કામથી લોભાઈને તેં આ કેવું પાપ કર્યું છે?

શર્મિષ્ઠા બોલી-કોઈ એક વેદવેત્તા અને ધર્માત્મા ઋષિ આવ્યા હતા,તે વરદાતાને મેં ધર્માનુસાર,મારી ઋતુની રક્ષા

કરવા પ્રાર્થના કરી હતી,હું અન્યાયી કામ આચરતી નથી,ઋષિથી થયેલ આ પુત્ર છે,તે સત્ય છે (1-4)


દેવયાની બોલી-જો એમ જ છે,તો તે સારું છે,તે બ્રાહ્મણનું ગોત્ર,નામ અને કુળનું નામ મને કહે 

શર્મિષ્ઠા બોલી-તપ અને તેજથી તે સૂર્ય જેવા પ્રકાશમાન હતા,તેમને પૂછવાની મારી હામ જ નહોતી રહી.

દેવયાની બોલી-જો આમ જ,બ્રાહ્મણથી તને પુત્ર થયેલો હોય તો મને તારા પ્રત્યે કોઈ રોષ નથી (5-7)


વૈશંપાયન બોલ્યા-આમ બોલીને દેવયાની,પોતાના મહેલે ગઈ.પછી,રાજા યયાતિએ દેવયાનીમાં,

યદુ અને તુર્વસુ નામે બે પુત્રો ઉત્પન્ન કર્યા,ને તેનાથી,શર્મિષ્ઠાને  દ્રુહ્યુ,અનુ અને પૂરું નામના ત્રણ પુત્રો થયા


હે રાજન,કોઈ એકવાર,દેવયાની,યયાતિ સાથે વનમાં ગઈ હતી,ત્યારે તેણે,દેવના જેવા રૂપવાળા 

ત્રણ કુમારોને નિર્ભયતાથી રમતા જોયા,એટલે,વિસ્મય પામીને,તેણે રાજાને પૂછ્યું કે-

'આ સુંદર બાળકો કોના છે?તેજ અને રૂપમાં તો તેઓ તમારા જેવા જ લાગે છે'


પછી,તેને બાળકોને બોલાવીને,જયારે તેમના પિતા વિશે પૂછ્યું,ત્યારે બાળકોએ આંગળી ચીંધીને 

રાજાને જ બતાવ્યો અને પોતાની મા શર્મિષ્ઠા છે-એમ કહ્યું.(8-15)


પછી તે બાળકો રાજા પાસે ગયા,પણ દેવયાની ત્યાં હોવાથી તે રાજાએ તેમનો આદર કર્યો નહિ,

એટલે તે બાળકો રડતા રડતા શર્મિષ્ઠા પાસે ગયા.પછી,તે બાળકોનો રાજા પ્રત્યેનો પ્રેમ જોઈ,

રહસ્યને પામી ગયેલી દેવયાનીએ,શર્મિષ્ઠા પાસે જઈને કહ્યું કે-મારી તાબેદાર હોવા છતાં,

તેં મારુ અહિત કેમ કર્યું?તેં ખરેખર અસુરધર્મ જ આચર્યો છે,તને મારી બીક પણ ન લાગી? (16-19)


શર્મિષ્ઠા બોલી-હે દેવયાની,મેં જે ઋષિ વિશે કહ્યું હતું તે સાચું જ છે.ન્યાય અને ધર્મથી ચાલનારી હું તારાથી 

શા માટે ડરું? તું જયારે તારા સ્વામીને વરી હતી,ત્યારે હું પણ તેમને જ વરી હતી.સખીનો જે સ્વામી છે 

તે ધર્મથી પોતાનો સ્વામી પણ થાય છે.તું બ્રાહ્મણપુત્રી છે,મોટી છે ને મારી પૂજા-માનને યોગ્ય છે,પણ 

તું એ કેમ નથી જાણતી કે,આ રાજર્ષિ મને,તારાથી પણ વિશેષ ને અધિક  પૂજ્ય છે (20-22)


તેનાં આવાં વચન સાંભળી દેવયાનીએ રાજાને કહ્યું કે-'તમે મારુ અપ્રિય કર્યું છે,હવે હું અહીં નહિ રહું'

પછી તે એકદમ ત્યાંથી ઉભી થઈ ગઈ,ને પિતા શુક્રાચાર્યની પાસે જવા નીકળી.રાજા ગભરાઈ ગયો ને 

મનામણાં કરતો તેની પાછળ ચાલ્યો.રાજા સામું જોયા વિના ને તેના સાથે કોઈ વાત કર્યા વિના,દેવયાની પિતા

પાસે પહોંચી,ને તેમને પ્રણામ કરી તેમની સામે ઉભી,થોડીવારમાં યયાતિ પણ ત્યાં આવી પહોંચ્યો,(13-28)


દેવયાની બોલી-હે પિતાજી,અધર્મથી ધર્મ હાર્યો છે,નીચ ઊંચ થઇ ગયો છે,વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા 

મને ટપી ગઈ છે,આ રાજાથી તેને ત્રણ પુત્રો થાય છે તો મને અભાગણીને બે જ પુત્રો થયા છે.

આ રાજા ધર્મજ્ઞ તરીકે વિખ્યાત છે,પણ તેમણે ધર્મની મર્યાદા ઓળંગી છે,

શુક્રાચાર્ય બોલ્યા-હે રાજન,તમે અધર્મને વહાલો કર્યો છે,તેથી કઠોર બુઢાપો તમને,અવિલંબે ઘેરી વળશે.


યયાતિ બોલ્યો-હે ભગવન,ઋતુની યાચના કરતી દાનવરાજની પુત્રી,પ્રત્યે મેં આ ધર્મકાર્ય જ કર્યું છે.

હું બીજા કોઈ વિચારે પ્રેરાયો નથી.ઋતુની યાચના કરતી સ્ત્રીને જે પુરુષ ઋતુદાન આપતો નથી,તેને બ્રહ્મવાદીઓ

ગર્ભઘાતી કહે છે.કામનાવાળી ને ગમન કરવા યોગ્ય એવી સ્ત્રીએ કોઈને એકાંતમાં પ્રાર્થના કરી હોય અને તે જો તેની

પાસે ન જાય તો ધર્મશાસ્ત્રમાં પંડિતો તેને ગર્ભ-હત્યારો કહે છે.અધર્મના ભયથી જ હું શર્મિષ્ઠા પાસે ગયો હતો.


શુક્રાચાર્ય બોલ્યા-'છતાં,હે રાજન,તમે મારા આધીન છો,એટલે તમારે મારી આજ્ઞા લેવી જોઈતી હતી.

ધર્મની બાબતોમાં મિથ્યા આચાર કરનારને ધર્મની ચોરીનું પાપ ચડે છે'

આમ,ક્રોધવશ થયેલા શુક્રાચાર્યે,યયાતિને શાપ આપ્યો,એટલે તે તરત જ ઘડપણને પામ્યો (29-37)


યયાતિ બોલ્યો-હે ભગવન,હું હજુ,દેવયાનીમાં યૌવનભોગોથી અતૃપ્ત છું,એટલે,આ ઘડપણ વિશે કૃપા કરો.

શુક્રાચાર્ય બોલ્યા-હે રાજન,મારુ બોલેલું મિથ્યા થાય જ નહિ,પણ,તારો બુઢાપો તું બીજા કોઈને આપી શકીશ.

યયાતિ બોલ્યો-હે બ્રહ્મન,તમે આ વાતને સંમતિ આપો કે મારો જે પુત્ર મારુ ઘડપણ લઈને તેની યુવાની મને આપશે,

તે રાજ્યનો,પુણ્યનો અને કીર્તિનો ભોગવનાર થાય (38-40)


શુક્રાચાર્ય બોલ્યા-હે રાજન,તું મારુ ભાવપૂર્વક ધ્યાન કરીને,યચેચ્છ રીતે બીજામાં વૃદ્ધાવસ્થા દાખલ કરી શકશે,

તને પાપ નહિ લાગે ને જે પુત્ર તને યૌવન આપશે,તે જ રાજા થશે,ને તે આયુષ્યમાન-કીર્તિવાન થશે.(41-42)

અધ્યાય-83-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE