Feb 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-105

અધ્યાય-૧૧૪-પાંડુનો અરણ્યનિવાસ તથા વિદુરનાં લગ્ન 


II वैशंपायन उवाच II धृतराष्ट्राम्यनुज्ञातः स्वबाहुविजितं धनम् I भीष्माय सत्यवत्यै च मात्रे चोपजहार सः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુએ,ધૃતરાષ્ટ્રની આજ્ઞા મેળવીને,પોતાના બાહુબળથી જીતેલું તે ધન,ભીષ્મ,સત્યવતી 

અને પોતાની માતાને અર્પણ કર્યું.વળી વિદુરને તથા મિત્રો સુધ્ધાંને તે ધનથી સંતુષ્ટ કર્યા.સત્યવતીએ પણ,પોતાને મળેલા ધનથી ભીષ્મ ને કૌશલ્યાને પ્રસન્ન કર્યા.તેજસ્વી પાંડુને ભેટી,માતા કૌશલ્યા અપાર આનંદ પામી.(1-4)

પાંડુના પરાક્રમથી પ્રાપ્ત થયેલા ધન વડે,ધૃતરાષ્ટ્રે,અશ્વમેઘ યજ્ઞ જેવા સેંકડો મહાયજ્ઞો કર્યા.

પછી,કુંતી અને માદ્રીથી પ્રેરાઈને પાંડુ.મહેલનો વાસ છોડી,આળસરહિત રહી,વનમાં મૃગયાપરાયણ રહેવા 

લાગ્યા.હિમાલયના દક્ષિણ પડખે ફરતાં,તે પર્વતના શાલવૃક્ષના વનવાળા પીઠ ભાગે વસ્યા.

ખડગ,બાણ ને ધનુષ્ય ધારણ લર્તા તથા વિચિત્ર કવચ સજતા,તે વીર નરપતિને,બે પત્નીઓ સાથે ફરતા 

જોઈને વનવાસીઓ 'આ દેવ છે; એમ માનતા હતા.ધૃતરાષ્ટ્રની આજ્ઞા પામેલા લોકો (નોકરો) 

તે વનમાં પણ પાંડુ માટે ભોગો અને ઇષ્ટ સામગ્રીઓ લાવતા હતા.(5-12)


એક વખતે,ભીષ્મે,સાંભળ્યું કે-દેવક રાજાને રૂપવતી એક પારસવી (બ્રાહ્મણથી શુદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થયેલી)

કન્યા છે.ભીષ્મે,તે કન્યાનું વિદુર માટે માગું કર્યું ને વિદુરની સાથે તેનાં લગ્ન કરાવ્યાં.

વિદુરે તે સ્ત્રીમાં,પોતાના જેવા ગુણવાન અને વિનય સંપન્ન પુત્રો ઉત્પન્ન કર્યા.(13-15)

અધ્યાય-114-સમાપ્ત 


અધ્યાય-૧૧૫-ધૃતરાષ્ટ્રની પુત્રોત્પત્તિ 


II वैशंपायन उवाच II ततः पुत्रशतं जज्ञे गान्धार्या जनमेजय I धृतराष्ट्रस्य वैश्यायमेक श्वापि शतात्परः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હે જન્મેજય,ધૃતરાષ્ટ્રને ગાંધારીમાં સો પુત્રો થયા અને વેષ્યાથી એક પુત્ર થયો.(કૌરવો)

કુંતી અને માદ્રીમાં,દેવોથી પાંડુને પાંચ મહારથી પુત્રો થયા (પાંડવો) (1-2)

જન્મેજય બોલ્યા-ગાંધારીમાં સો પુત્રો કેવી રીતે અને કેટલે કાળે થયા? તેમનો આવરદા કેટલો હતો? વળી,

કેમ કરીને,વેશ્યામાં ધૃતરાષ્ટ્ર પુત્ર થયો? ધર્મચારીણી ગાંધારી પ્રત્યે ધૃતરાષ્ટ્રનું વર્તન કેવું હતું? પાંડુને દેવતાઓથી પાંચ પુત્રો કેવી રીતે થયા? આ તમે વિસ્તારથી કહો,કુળબંધુઓની કથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી (3-6)


વૈશંપાયન બોલ્યા-કોઈ એકવાર,વ્યાસ (દ્વૈપાયન) મુનિ ધૃતરાષ્ટ્રને ત્યાં આવી ચડ્યા,ત્યારે ગાંધારીએ તેમનું 

સ્વાગત કરીને તેમને ભૉજન કરાવી સંતુષ્ટ કર્યા,એટલે વ્યાસે તેને વરદાન માંગવા કહ્યું.ત્યારે ગાંધારીએ,

પોતાના પતિ જેવા સો પુત્રો માગ્યા હતા.પછી,યથાકાળે તે ધૃતરાષ્ટ્રથી ગર્ભવતી થઇ,ગાંધારીનો તે ગર્ભ બે વર્ષ 

સુધી ધારણ થયેલો રહ્યો,તેથી ગાંધારી દુઃખી થઇ,ને દુઃખને દૂર કરવાનો વિચાર કરવા લાગી.મૂઢ બનેલી તે ગાંધારીએ,ધૃતરાષ્ટ્ર જાણે નહિ તેમ,મહાપ્રયત્ને ગર્ભ પર પ્રહાર કરીને,તે ગર્ભને પાડી દીધો.


લોઢાના ગઠ્ઠા જેવી માંસપેશી જેવા તે,બે વર્ષ સુધી પોષાયેલા ગર્ભને જોઈને,ગાંધારી તેને ફેંકી દેવા નીકળી,

ત્યારે,વ્યાસ મુનિ તે જાણીને ત્યાં વેગે આવી પહોંચ્યા,ને તેને પૂછ્યું કે-'તેં આ શું કરવા ધાર્યું છે?'

ગાંધારી બોલી-કુંતીને ત્યાં પુત્રજન્મ થયો છે-એમ સાંભળી મને અતિદુઃખ થયું.અને મેં આ ગર્ભને પાડ્યો છે,

તમે મને સો પુત્રોનું વરદાન આપ્યું હતું,પરંતુ તેને બદલે મને તો આ માંસપેશી જન્મી છે (7-16)


વ્યાસ બોલ્યા-હે સુબલપુત્રી,તે એમ જ થશે.મારુ કહેલું મિથ્યા થશે જ નહિ,મશ્કરીમાં પણ મેં કદી અસત્ય ઉચ્ચાર્યું નથી.હવે તું ઘીથી ભરેલાં સો કુંડાં તૈયાર કરાવ અને આ ગાંઠને ઠંડા પાણીથી સિંચન કર.(17-19)

વૈશંપાયન બોલ્યા-તે ગાંઠને તે પ્રમાણે ઠંડા જળનું સિંચન કરવામાં આવ્યું,એટલે,તે માંસપેશીના અંગુઠાના ટેરવા જેવા,છૂટાછૂટા સો ભાગો થયા,કે જેને એક એક કરીને ઘીના સો કૂંડાઓમાં મૂકીને,તેમનું રક્ષણ કરવામાં આવ્યું.

વ્યાસજીએ,'અમુક ચોક્કસ સમયે તે કુંડાઓને ઉઘાડવાં' એવી સૂચના આપી ત્યાંથી તે વિદાય થયા.(20-24)


પછી,દુર્યોધન સહુ પ્રથમ,જન્મ્યો,ગર્ભકાળ પ્રમાણે તે મોટો હતો,પણ જન્મ પ્રમાણે,પાંડુપુત્ર યુધિષ્ઠિર જ મોટા હતા,

એ વાત ભીષ્મ અને વિદુરને કહેવામાં આવી હતી.જે દિવસે દુર્યોધન જન્મ્યો હતો તે જ દિવસે પાંડુપુત્ર ભીમ જન્મ્યો હતો.હે રાજા,ધૃતરાષ્ટ્ર પુત્ર જન્મતાં જ ગધેડાની ભૂંકની જેમ રડવા લાગ્યો,ત્યારે ગધેડાં,ગીધો,શિયાળો અને કાગડાઓએ સામે અવાજ આપ્યો હતો.ત્યારે પવનો જોરથી વાયા અને દિશાઓને દાહ લાગ્યો.

આથી,ધૃતરાષ્ટ્ર,જાણે ભય પામ્યો હોય તેમ ભીષ્મ,વિદુર ને બ્રાહ્મણોને બોલાવીને કહેવા લાગ્યો કે-

'આપણા કુળને વધારનાર રાજપુત્ર,યુધિષ્ઠિર જ્યેષ્ઠ છે,ને તે રાજ્યને પામે એમાં કંઈ કહેવાનું હોય નહિ,પણ,

તેના પછી આ પુત્ર (દુર્યોધન) રાજા થશે ખરો? આ વિષે જે થવાનું હોય તે મને યથાવત કહો (25-32)


ધૃતરાષ્ટ્રનાં આવાં વચન સમાપ્ત થતાં જ,ઘોર માંસજીવીઓએ અને અશુભસૂચક શિળાયવાંએ,સર્વ દિશાઓમાં શોર ગજવી મુક્યો.ને આવાં ઘોર નિમિત્તોને જોઈને વિદુર અને બ્રાહ્મણો બોલ્યા-'જે રાજન,તમારા પુત્રનો જન્મ થતા જ આવાં જે ઘોર નિમિત્તો થયાં  છે,તે સ્પષ્ટ બતાવે છે કે-તમારો આ પુત્ર કુળનો અંત લાવનારો થશે,

માટે તેનો ત્યાગ કરવામાં જ શાંતિ છે,તેનું રક્ષણ કરવામાં તો ભારે અન્યાય થશે,તમારા સો પુત્રોમાંથી ભલે એક ઓછો થાય,જો ફૂલની શાંતિ ઇચ્છતા હો તો-આ એકને ત્યજી દો.કેમ કે-કુળને માટે એકને ત્યજવો જોઈએ,ગામને માટે કુળને ત્યજવું જોઈએ,દેશને માટે ગામને ત્યજવું જોઈએ અને આત્માને માટે પૃથ્વીને ત્યજવી જોઈએ (38)


વિદુર અને બ્રાહ્મણોના આમ કહેવા છતાં,પુત્ર-સ્નેહવાળા.તે રાજાએ તે મુજબ કર્યું નહિ.

પછી,ક્રમશઃ,ધૃતરાષ્ટ્રને સો પુત્રો ક્રમશ થયા,ને વળી,એક મહિને એક્સોએકમી પુત્રી (દુઃશલા) થઇ.

તદુપરાંત,ગાંધારી જયારે ગર્ભની ઉદરવૃદ્ધિ થતાં પીડાતી હતી,ત્યારે એક વેશ્યા,ધૃતરાષ્ટ્રની પરિચર્યા 

કરતી હતી,તેથી તે વર્ષમાં તે વેશ્યાથી એક પુત્ર (યુયુત્સુ) જન્મ્યો હતો,(39-44)

અધ્યાય-115-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE