May 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-171

અધ્યાય-૧૯૦-ભીમ અને અર્જુનનો વિજય 

II वैशंपायन उवाच II अजिनानि विधुन्वन्तः करकांश्च द्विज्जर्पमाः I उचुस्ते भीर्न कर्तव्या वयं योत्स्यामहे परान II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે,મૃગચર્મ ને કમંડળો વિંઝાતા તે બ્રાહ્મણોએ કહ્યું-'બીશો નહિ અમે શત્રુઓ સામે લડીશું'

તે બ્રાહ્મણોને,અર્જુને જાણે હસતો હોય તેમ કહ્યું કે-'તમે બાજુએ ઉભા રહી માત્ર જોયા કરો.જેમ,ઝેરીલા સર્પોને મંત્રોથી વારવામાં આવે છે,તેમ,હું આ ક્રોધિષ્ઠ રાજાઓને મારા સેંકડો બાણોથી છિન્નભિન્ન કરી નાખીશ'

ને આમ કહીને,તે અર્જુને સ્વયંવરમાં જીતેલું ધનુષ્ય સજાવીને ભીમસેન પાસે આવીને ઉભો રહ્યો.(1-4)

પછી,તે બે નિર્ભય ભાઈઓ,યુદ્ધની મદે ચડેલા તે કર્ણ આદિ ક્ષત્રિયોને જોઈને તેમની પર ધસ્યા.યુદ્ધ ઇચ્છતા તે રાજાઓ કઠોર વાણીમાં બોલ્યા કે-'રણભૂમિમાં યુદ્ધેચ્છુ બ્રાહ્મણોનો પણ વધ થાય એવું શાસ્ત્રપ્રમાણ છે'

આમ કહીને તે રાજાઓ પણ એકદમ બ્રાહ્મણો તરફ ધસ્યા.કર્ણ,(બ્રાહ્મણવેશી) અર્જુનની સામે યુધ્ધે ચડ્યો,

તો મદ્રદેશનો બળવાન શલ્ય,ભીમસેનની સામે યુદ્ધ કરવા આવ્યો.દુર્યોધન આદિ બીજા બ્રાહ્મણો સામે ધસ્યા.

અર્જુનના તીક્ષણ બાણોથી વીંધાઇને કર્ણ મૂંઝાઈ ગયો,પણ આવેશભેર તેણે યુદ્ધ ચાલુ રાખ્યું.ને અર્જુનના બાણોને પાછા વાળવા લાગ્યો,ને ઊંચે સવારે ગર્જના કરવા લાગ્યો,બીજા રાજાઓ તેના કાર્યને સત્કારી રહ્યા.


અર્જુનની નજીક સરીને કર્ણ બોલ્યો કે-'હે ઉત્તમ બ્રાહ્મણ (વિપ્રોત્તમ),યુદ્ધમાં તારા ભુજબળથી,શસ્ત્રો પરના 

અદભુત વિજયથી હું પ્રસન્ન થયો છું,તું સાક્ષાત ધનુર્વેદ છે? કે પરશુરામ,ઇન્દ્ર કે વિષ્ણુ છે? મને લાગે છે કે 

તારા મૂળ શરીરને ઢાંકવા સારું,બ્રાહ્મણ રૂપ ધરીને,બાહુબલનો આશ્રય કરીને,તું મારી સાથે યુદ્ધ કરી રહ્યો છે,

બાકી,મારી સામે લડવાને ઇન્દ્ર કે અર્જુન સિવાય બીજો કોઈ મનુષ્ય સમર્થ નથી.'(5-19)


ત્યારે અર્જુન બોલ્યો-'હું ધનુર્વેદ નથી કે મહા પ્રતાપી પરશુરામ પણ નથી.હું તો સર્વ શસ્ત્રધારીઓમાં અને યોદ્ધાઓમાં શ્રેષ્ઠ એવો બ્રાહ્મણ છું,ગુરુના શિક્ષણથી હું બ્રહ્માસ્ત્ર ને ઇન્દ્રાસ્ત્રમાં પારંગત છું.આજે,હું તને રણમાં જીતવા જ ઉભો છું,માટે તું સ્થિર થઈને યુદ્ધ કર.' પણ,કર્ણ,તે બ્રહ્મ-તેજને અજય માનીને યુદ્ધથી પાછો ફર્યો.

બીજી બાજુ,ભીમે,શલ્યને બે હાથથી ઊંચકીને પાડી નાખ્યો પણ તેનો વધ કર્યો નહિ,તે જોઈને કર્ણ ને 

બીજા રાજાઓ પણ શંકામાં પડ્યા.ને તે રાજાઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા કે-


'ધન્ય છે આ બે શ્રેષ્ઠ બ્રાહ્મણોને ! આપણે એ જાણવું જોઈએ કે તેમનો જન્મ ક્યાં થયો છે? તે ક્યાં રહે છે?

પરશુરામ,દ્રોણ અને  અર્જુન સિવાય બીજો કોઈ કર્ણ સામે રણમાં લડી શકે નહિ.ને ભીમ કે દુર્યોધન સિવાય કોઈ શલ્યને ભોંયભેગો કરી શકે નહિ.આવા શ્રેષ્ઠ બ્રાહ્મણો,ભલે અપરાધી હોય છતાં,આપણે તેમને રક્ષવા જોઈએ.

પ્રસંગ આવ્યે આપણે ફરીથી તેમની સામે યુદ્ધ કરીશું,પણ આજે તો આ યુદ્ધની સમાપ્તિ કરો'

સર્વ રાજાઓને આવું કહેતા જોઈને અર્જુન,ભીમ અને સર્વે યોદ્ધાઓ શાંત થયા.


શ્રીકૃષ્ણે પણ વચ્ચે પડીને સર્વને વારીને કહ્યું કે-'આણે ધર્મપૂર્વક દ્રૌપદી મેળવી છે' એથી સર્વ રાજાઓ,

તે યુદ્ધમાંથી નિવૃત્ત થઈને પોતપોતાને ભવને ગયા.બ્રાહ્મણોથી ઘેરાયેલા,અર્જુન અને ભીમ પણ કષ્ટપૂર્વક 

ભીડમાંથી બહાર નીકળ્યા,જખમ પામેલા તે બે વીરોને કૃષ્ણા અનુસરી રહી હતી.


બીજી બાજુ,બહુ સમય વીતી ગયા છતાં પુત્રો પાછા આવ્યા નહિ એટલે કુંતી ચિંતા કરવા લાગી,

'શું કદાચ,ધૃતરાષ્ટ્રના પુત્રોએ મારા પુત્રોને ઓળખી તો નહીં કાઢ્યા હોયને? શું તેઓએ મારા પુત્રને 

મારી તો નહિ નાખ્યા હોય ને? રાક્ષસોએ તો તેમને હણ્યા નહિ હોય ને? શું વ્યાસની વાણી જૂઠી પડી હશે?'

પુત્રના સ્નેહથી ઘેરાયેલી તે કુંતી આમ  અમંગળ કલ્પનાઓ કરી રહી હતી.

ત્યારે,તે જ વખતે અર્જુને,ભીમ ને કૃષ્ણા સાથે તે કુંભારના ઘરમાં પ્રવેશ કર્યો (20-47)

અધ્યાય-190-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE