May 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-191

 

અધ્યાય-૨૧૨-સુંદ-ઉપસુંદનું મૃત્યુ 


II नारद उवाच II जित्वा तु पृथिवीं दैत्यो निःसप्तनौ गतव्यथौ I कृत्वा त्रैलोक्यमव्यग्नं कृतकृत्यो बभूवतुः II १ II

નારદ બોલ્યા-સમસ્ત પૃથ્વીને જીતી લઈને,ને ત્રણે લોકને એકસરખાં હથેળીમાં લઈને,તે બંને દૈત્યો શત્રુરહિત અને ચિંતામુક્ત થયા ને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા.દેવો,ગંધર્વો,યક્ષો,નાગો,રાજાઓ ને રાક્ષસો પાસેથી સર્વ રત્નો પોતાને ત્યાં લાવીને તેઓ પરમ સંતોષ પામતા હતા.હવે કોઈ પણ તેમને વ્યથા કરનારો રહ્યો નહોતો એટલે તે બંને  નિરઉદ્યોગી રહી દેવોની જેમ વિહરવા લાગ્યા.સ્ત્રીઓ,ફુલમાળાઓ,સુગંધી દ્રવ્યો,પુષ્કળ ભક્ષ્યો-ને ભોજ્યો તથા 

મનગમતાં પીણાઓથી તેઓ પરમ પ્રીતિ મેળવતા હતા.ને દેવોની જેમ જ ઉદ્યાનોમાં,પર્વતોમાં,વનોમાં તથા ઈચ્છા પ્રમાણે અનેક જુદા જુદા પ્રદેશોમાં મનમાન્યો વિહાર કરતા હતા.(1-5)

એકવાર,તેઓ,વિંધ્યશિખર પર વિહાર કરવું ગયા,ને શ્રેષ્ઠ આસનો પર બેઠા,ત્યારે અનેક સ્ત્રીઓએ વાજિંત્રો વગાડી,નૃત્યો કરી અને સ્તુતિભર્યા ગીતોનું ગાન કરીને તે બંનેને અતિ પ્રસન્ન કર્યા.તે વખતે માત્ર એક લાલ વસ્ત્ર ધારણ કરેલી તિલોત્તમા મનમોહક શૃંગાર  સજીને તે વનમાં ફૂલ વીણવા આવી.ને તે અસુરો જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી.તે વખતે ઊંચી જાતના મદ્યનું પાન કરીને તે અસુરોની આંખ લાલ થઇ હતી,ને આ શ્રેષ્ઠ સુંદરીને જોતા જ,

તે બંને કામથી ઘાયલ થયા ને તિલોત્તમા પાસે જઈને બંને તેની ઈચ્છા કરવા લાગ્યા.(6-12)


સુંદે,તે તિલોત્તમનો જમણો હાથ પકડ્યો ને ઉપસુંદે તેઓ ડાબો હાથ પકડ્યો.સુરાપાનને લીધે મત્ત થયેલા તે બે ભાઈઓ એકબીજા સામે ભવાં ચડાવવા લાગ્યા.સુંદે કહ્યું કે-'આ મારી ભાર્યા છે' તો ઉપસુંદે પણ તરત જ કહ્યું કે-

'આ મારી પત્ની છે,તમારી તો એ પુત્રવધુ સમાન છે' આ રીતે 'આ તારી નહિ મારી છે' એમ બોલતા તે બંને એકબીજા પર ક્રોધે ભરાયા.ને તિલોત્તમાના રૂપમાં ઘેલા થયેલા તેઓ પરસ્પરનો સ્નેહ ભૂલી ગયા.ને તે સુંદરીને કારણે તે બંનેએ ગદાઓ ઉઠાવી,ને બંને કહેવા લાગ્યા કે-'મેં તેનો હાથ પહેલો પકડ્યો છે' 

ને આમ કહીને તેઓ એકબીજા પર જોરથી ગદાઓથી પ્રહાર કરવા લાગ્યા.(16-18)


લોહીલુહાણ થઈને તે બંને દૈત્યો પૃથ્વી પર ઢળી પડ્યા ને બંનેના પ્રાણ નીકળી ગયા.

પછી,પિતામહ,દેવો અને મહર્ષિઓએ ત્યાં વાઈને તિલોત્તમાનો સત્કાર કર્યો ને તેને વરદાન આપ્યાં.

પિતામહે પ્રસન્નતાપૂર્વક કહ્યું કે-'હે ભાવિની,તું સૂર્યે ખેડેલા લોકોમાં વિચરશે.તારા તેજ વડે તારી સામું કોઈ પણ મનુષ્ય ઝાઝી વાર તને જોઈ શકશે નહિ' ને ત્યારબાદ પિતામહે,ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય પાછું સોંપ્યું.(19-24)


નારદ બોલ્યા-'આમ,સર્વ કાર્યોમાં એકનિશ્ચયવાળા તે બે સાથે રહેલા દૈત્યોએ એક તિલોત્તમાના કારણે,એકબીજાનો નાશ કર્યો હતો,તેથી હે યુધિષ્ઠર,હું તમને સ્નેહપૂર્વક કહું છું કે-તમે જો તમારું પ્રિય ઇચ્છતા 

હો તો,દ્રૌપદીના સંબંધમાં,તમારા સૌમાં ફૂટ ન લડે તેવી વ્યવસ્થા કરો,કે જેથી તમારું કલ્યાણ થશે'.


વૈશંપાયન બોલ્યા-હે રાજન,નારદે જયારે પાંડવોને આ પ્રમાણે કહ્યું ત્યારે એકબીજાને આધીન રહેલા તે પાંડવોએ અમાપ ઓજસ્વી દેવર્ષિ નારદ સમક્ષ જ નિયમ કર્યો કે-'આપણામાંથી જે કોઈ ભાઈ દ્રૌપદી સાથે બેઠેલા બીજા ભાઈને જોઈ જાય,તે તે બાર વરસ સુધી બ્રહ્મચારી રહી વનમાં નિવાસ કરે' આ પ્રમાણે પાંડવોએ નિયમ વ્યવસ્થા કરી,પછી નારદ પોતાના સ્થાને ગયા.હે ભારત,આમ,પૂર્વે નારદની પ્રેરણાથી તે પાંડવોએ આ રીતે નિયમ બાંધ્યો હતો અને તેથી તે સર્વમાં પરસ્પર કદી ભેદ પડ્યો નહોતો (25-31)

અધ્યાય-212-સમાપ્ત 


રાજ્યાલંભ પર્વ સમાપ્ત 


અર્જુન વનવાસ પર્વ 


અધ્યાય-૨૧૩-અર્જુનની તીર્થયાત્રા 


II वैशंपायन उवाच II एवं ते समयं कृत्वा न्यवसंस्तत्र पाण्डवाः I वशे शस्त्र प्रतापेन कुर्वतोSन्यान्महिक्षित:II १ II

વૈશંપાયન બોલ્યા-આમ નિયમ વ્યવસ્થા કરીને પાંડવો રહેતા હતા,અને પોતાના શસ્ત્રોના પ્રભાવથી બીજા રાજાઓને પોતાને અધીન કરતા હતા.કુંતીના પાંચે પુત્રો પ્રતિ દ્રૌપદી આજ્ઞાધીન રહેતી હતી.જેમ,સરોવરવાળી વનભુમિ અને હાથીઓ એકબીજાથી પ્રસન્ન રહે છે,તેમ,પાંડવો દ્રૌપદીથી અને દ્રૌપદી પાંચે વીર પતિઓથી પ્રસન્ન રહેતી હતી.મહાત્મા પાંડવો,ધર્મપૂર્વક વર્તતા હતા,તેથી તેઓ દોષહીન અને સુખયુક્ત થઈને વૃદ્ધિ પામતા હતા.


લાંબા સમય બાદ કોઈ એક વખતે,કેટલાક ચોરો બ્રાહ્મણની કેટલીક ગાયોને હરી ગયા.દુઃખી ને ક્રોધિત થયેલો તે બ્રાહ્મણ ખાંડવપ્રસ્થ આવીને પોકારવા લાગ્યો કે-'હે પાંડવો,પાપી માણસો અમારા સ્થાનમાંથી બલાત્કારે અમારું ગોધન હરી જાય છે,તો તમે અમારી વહારે ધાઓ.ધર્મથી પામેલું મારું ધન લોપ પામે છે.'(1-10)


ત્યારે અર્જુને એનાં વચન સાંભળી તેને કહ્યું કે-'હે બ્રાહ્મણ,તું ભય ન પામ' પણ એવું બન્યું હતું કે-જે સ્થાનમાં પાંડવો પોતાના આયુધો મુકતા હતા,ત્યાં યુધિષ્ઠિર,દ્રૌપદી સાથે વિરાજેલા હતા.તેથી અર્જુન તે આયુધશાળામાં જય શકે તેમ નહોતો,તેથી તે બ્રાહ્મણ સાથે પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.પેલોબ્રાહ્મણ વારંવાર અર્જુનને પોતાની વહારે ધાવાની બૂમો પાડતો હતો,એટકે અર્જુન દુઃખિત થઇ મનથી વિચારવા લાગ્યો કે-


'આ તપસ્વી બ્રાહ્મણનું ધન હરાઈ જાય છે,તેનાં આંસુ લૂંછવાં એ જ કર્તવ્ય છે.બારણે પોકાર કરતા,આ બ્રાહ્મણનું જો હું અત્યારે રક્ષણ કરીશ નહિ તો,એ ઉપેક્ષાને કારણે યુધિષ્ઠિરને મહાન અધર્મ લાગશે.ને યુધિષ્ઠિરનો અનાદર કરીને જો હું આયુધશાળામાં જાઉં તો હું અસત્ય રીતે ચાલ્યો એવું ગણાશે,ને મને વનવાસ આવશે.વનવાસ તો જોકે તુચ્છ છે,પણ યુધિષ્ઠિરનો અનાદર પણ ચોક્કસ અધર્મ જ છે.ભલે મારુ વનમાં મરણ થાઓ,કે ભલે ગમે તે થાય,પણ બ્રાહ્મણનું રક્ષણ કરવાના ધર્મનો ત્યાગ કરવા હું સમર્થ નથી કેમ કે તે ધર્મ જ શ્રેષ્ઠ છે' (11-20)


છેવટે આમ, નિશ્ચય કરીને અર્જુન,આયુધશાળામાં ગયો,ને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને બ્રાહ્મણને કહેવા લાગ્યો કે-

'હે બ્રાહ્મણ.ઝટ ચાલ,પરધનને હરનારા તે ક્ષુદ્ર ચોરો દૂર ચાલ્યા જાય,તે પહેલા આપણે ત્યાં પહોંચીને.ચોરના હાથમાં ગયેલું તારૂ ધન આજે જ તને પાછું અપાવું છું' ને આમ કહી,રથમાં બેસીને તેમણે ચોરોનો પીછો પકડીને તેમને બાણોથી હરાવીને બ્રાહ્મણનું ધન પાછું લઈને તેને આપ્યું,ને તેનો સત્કાર કર્યો.ને પોતે યશ સંપાદન કર્યો.


અર્જુન નગરમાં પાછો ફર્યો ત્યારે સર્વેએ તેને અભિનંદન આપ્યા.પછી તેણે યુધિષ્ઠિરને કહ્યું કે-મેં નિયમભંગ કર્યો છે,

એટલે હું હવે વનવાસે જઈશ.'ત્યારે યુધિષ્ઠિર શોકથી વિકલ થયા ને તેને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,હું દ્રૌપદી સાથે હતો પણ,ત્યારે (પરિસ્થિતિને અનુલક્ષીને) આયુધશાળામાં પ્રવેશીને તે મારો અનાદર કર્યો એવું તું ન સમજ.

વળી,મોટોભાઈ સ્ત્રી સાથે બેઠો હોય ત્યારે નાનોભાઈ પ્રવેશ કરે તો તેમાં કોઈ અનિષ્ટ નથી,પણ જો નાનો ભાઈ સ્ત્રી સાથે બેઠો હોય ને મોટોભાઈ ત્યાં પ્રવેશ કરે તો અધર્મ ગણાય,માટે તું તારો વિચાર માંડી વાળ ને મારુ વચન માન,કેમ કે તે આ પરિસ્થિતિમાં કોઈ ધર્મનો ભંગ કર્યો નથી કે નથી તેં મારો અનાદર કર્યો.(21-33)


અર્જુન બોલ્યો-'તમારી પાસેથી જ મેં સાંભળ્યું છે કે-ધર્માચરણ કરવામાં કંઈ બહાનાં ન હોવાં જોઈએ.

હું સત્યથી વિચલિત થઈશ નહિ કેમ કે સત્યપૂર્વક જ હું આયુધ ઉપાડું છું' આમ કહી,યુધિષ્ઠિરની અનુજ્ઞા લઈને 

તેણે વનચર્યાની દીક્ષા લીધી ને બારવર્ષ સુધી વનમાં રહેવા ચાલ્યો (34-35)

અધ્યાય-213-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE