Aug 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-274

અધ્યાય-૬૭-સભા વચ્ચે દ્રૌપદી 

II वैशंपायन उवाच II धिगस्तु क्षत्तारमिति ब्रुवाणो दर्पेण मत्तो धृतराष्ट्र पुत्र I 

अवैक्षत प्रतिकामीं सभाया मुवाच चैनं परमार्यमध्ये II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,મદથી છકી ગયેલા,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને,વિદુરને 'ધિક્કાર હો' એમ કહ્યું અને સભામાં બેઠેલા પ્રાતિકામી નામે સારથી સામે જોઈને,તે આર્યોની સભાની મધ્યમાં તેને કહેવા લાગ્યો કે-

'હે પ્રાતિકામી,તું દ્રૌપદીને અહીં લઇ આવ,તને પાંડવોનો ભય નથી,આ દાસીપુત્ર ડરી ગયો છે,

એટલે અવળી વાતો બોલે છે,કેમ કે તે અમારી ચડતી થાય એમ કદી ઈચ્છતો નથી' (2)

દુર્યોધનના આમ કહેવાથી તે સારથી ત્યાંથી ચાલી નીકળયો ને કૂતરો સિંહની બોડમાં ઘૂસે તેમ તે રાજભવનમાં કે જ્યાં દ્રૌપદી હતી ત્યાં પહોંચ્યો ને તેને કહેવા લાગ્યો કે-'હે દ્રૌપદી,યુધિષ્ઠિર જુગારના કેફમાં ગાંડા થઇ ગયા છે ને 

તમને હોડમાં મુક્યા હતા તે હોડ દુર્યોધન જીતી ગયો છે,તો તમે ધૃતરાષ્ટ્રને ઘેર દાસીકામ માટે ચાલો'

દ્રૌપદી બોલી-'હે પ્રાતિકામી,તું આવું કેમ બોલે છે?કયો રાજપુત્ર પોતાની ભાર્યાને હોડમાં મૂકી શકે? 

શું યુધિષ્ઠિર પાસે દાવના મુકવા જેવું બીજું કશું નહોતું? એવા તો તે કેવા ઘેલા થયા છે?' (5)


પ્રાતિકામી બોલ્યો-જયારે પોતા પાસે દાવમાં મુકાવ જેવું કશું રહ્યું નહિ,ત્યારે તે પાંડવે તમને દાવમાં મૂક્યાં હતાં.

પહેલા તેમને પોતાના ભાઈઓને ને પછી પોતાને પણ દાવમાં મૂકી દીધા હતા,ને પછી તમને દાવમાં મૂક્યાં હતાં.

દ્રૌપદી બોલી-તું સભામાં જઈને એ જુગારીને પૂછ કે-તે પ્રથમ કોને હારી બેઠા છે?પોતાની જાતને કે મને?

તું આ જાણીને પાછો આવ,તેમનો અભિપ્રાય જાણ્યા પછી હું દુઃખી ચિત્તે ત્યાં હાજર થઈશ.(8)


પછી,તે સારથી સભામાં ગયો ને યુધિષ્ઠિરને દ્રૌપદીનાં તે વચનો કહ્યાં,ત્યારે યુધિષ્ઠિર તો નિર્જીવની 

જેમ જડ થઈ  ગયા,અને સારથીને સારો કે ખોટો કોઈ જવાબ આપી શક્યા નહિ.ત્યારે 

દુર્યોધન બોલ્યો-એ પાંચાલી પોતે જ સભામાં આવીને એ સવાલ યુધિષ્ઠિરને પૂછે,કે જેથી તેમની વચ્ચે

 જે વાત થાય તે અહીં,સર્વના સાંભળવામાં આવે,માટે હે સુત,તેને અહીં લઇ આવ.(12)

એટલે,દુર્યોધનની આજ્ઞામાં રહેનારો તે સારથી પાછો રાજભવનમાં જઈ વ્યથાપૂર્વક દ્રૌપદીને કહેવા લાગ્યો કે-

'હે રાજપુત્રી,દુર્યોધન તમને સભામાં બોલાવે છે,મને લાગે છે કે કૌરવોનું આવી બન્યું છે,તે હલકટ દુર્યોધન 

રાજ્યસમૃદ્ધિને સાચવવાનો નથી,કેમ કે તમે સભામાં આવો તેમ તે ઈચ્છે છે'


દ્રૌપદી બોલી-;વિધાતાએ સાચે જ એવું વિધાન નિર્મ્યું છે કે જ્ઞાની અને મૂર્ખ બંનેને સુખદુઃખના સ્પર્શ થાય છે.

પણ આ લોકમાં એક ધર્મ જ પરમશ્રેષ્ઠ કહેવાય છે,ને તે ધર્મ જ અમને શાંતિ પમાડશે.માટે તું પાછો જઈને 

તે સભાજનોને ધર્મનું વચન પૂછ,નીતિમાન ધર્મવેત્તાઓ જે નક્કી કરી કહેશે તે હું કરીશ'


સારથીએ પાછા સભામાં જઈને દ્રૌપદીના વચનો કાયા,ત્યારે સભાજનો,જાણે દુર્યોધનના આગ્રહને જ 

માન્ય કરતા હોય,તેમ,નીચું માથું રાખી રહ્યા.દુર્યોધનની,દ્રૌપદીને સભામાં લાવવાની ઈચ્છા સાંભળીને,

યુધિષ્ઠિરે એક વિશ્વાસુ દૂત મારફત દ્રૌપદીને સંદેશો કહાવ્યો કે-'હે પાંચાલી,તું રજસ્વલા ને એકવસ્ત્રા છે એટલે 

તું રોતીરોતી સભામાં આવી ધૃતરાષ્ટ્ર સમક્ષ ઉભી રહે,તને ત્યાં આવેલી જોઈને સભાજનો દુર્યોધનને ધિક્કારશે'


સારથીને કોઈ જવાબ ન મળ્યો ને તે વખતે પાંડવો દીન ને દુખિયારા થયા હતા,ને સત્યની પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા.એટલે તે પણ કોઈ રીતે ઊંચું જોઈ શકતા નહોતા.એટલે દુર્યોધને તે પાંડવોનાં મુખ જોઈને ફરી સારથીને કહ્યું કે-'જા,તું એ દ્રૌપદીને જ અહીં લઇ આવ,કુરુઓ તેના પ્રત્યેક સવાલનો જવાબ અહીં સભામાં આપશે'


એ સુત,જોકે દુર્યોધનની આજ્ઞામાં રહેતો હતો,તો પણ દ્રૌપદીના કોપના ભયથી,તેણે સભાજનોને ફરીથી પૂછ્યું કે-

'હું કૃષ્ણાને શું કહું?' ત્યારે દુર્યોધન તેના પ્રત્યે ગુડ્ડએ થયો ને દુઃશાસનને કહેવા લાગ્યો કે-'હે દુઃશાસન,આ સૂત,પાંડવોથી ગભરાઈ ઉઠ્યો લાગે છે,માટે તું જાતે જ અને દ્રૌપદીને લઇ આવ,પાંડવો તને શું કરી શકવાના છે?


વૈશંપાયન બોલ્યા-પછી,ભાઈની આજ્ઞા સાંભળીને,દુઃશાસન દ્રૌપદી પાસે જઈને બોલ્યો-'હે પાંચાલી,ચાલ આમ આવ,તું જીતાઈ ગઈ છે,એટલે લાજ મુકીને તું દુર્યોધનને જો.ને કુરુઓની સેવા કર,તું ધર્મપૂર્વક અમને મળી છે.

માટે ચાલ સભામાં આવ' ત્યારે દુઃખી મનવાળી,ત્યાંથી જલ્દી ઉઠીને જે તરફ ધૃતરાષ્ટની સ્ત્રીઓ હતી તે તરફ દોડવા લાગી.ત્યારે દુઃશાસન રોષ કરીને તેનો પાછળ દોડ્યો ને દ્રૌપદીંને તેના કેશોથી પકડી લીધી.અને 

દ્રૌપદીને તે કેશથી જ ઘસડીને બળપૂર્વક સભાની પાસે લઇ જવા લાગ્યો,ત્યારે દ્રૌપદી દુઃખથી તેને  બોલી કે-

'હે મંદબુદ્ધિ,હું રજસ્વલા છું ને એકવસ્ત્રા છું,મને સભામાં લઇ જવી યોગ્ય નથી'


ત્યારે દુઃશાસન બોલ્યો-તું ભલે રજસ્વલા હોય,એકવસ્ત્ર હોય કે વસ્ત્રવિહોણી હોય,તું જુફાર્મ જીતાઈ ગઈ છે 

અને તને દાસી બનાવવામાં આવી છે,એટલે દાસીનાં વસ્ત્રો સ્વામીની રુચિ પ્રમાણે જ હોય'

દ્રૌપદી બોલી-'સભામાં શાસ્ત્રપારંગત,ગુરુજનો બેઠા છે,એ સૌની આગળ હું આમ ઉભી રહેવાની ધૃષ્ટતા કરું જ નહિ.ઓ અધમ,તું મને નવસ્ત્રી કરતો નહિ,મને ઘસડીશ નહિ,ભલેને ખુદ ઇન્દ્ર ને દેવો તારી કુમકે હોય,તો પણ આ પાંડવપુત્રો તને સાંખી લેવાના નથી.કેમકે કુરુવીરોની વચ્ચે,મને આમ ખેંચીને લઇ જવાનું તારું આ કાર્ય અધમ છે.


અહીં કોઈ પણ તને ધિક્કાર કહેતા નથી,એટલે લાગે છે કે તે સૌ તારા મતમાં ભળેલા છે,ધિક્કાર હો,તમને !

ભરતવંશીઓનો ધર્મ રસાતાળ ગયો છે અને ક્ષાત્રધર્મના વેત્તાઓનો આચાર રોળાઈ ગયો છે.કેમકે અહીં,આ સભામાં કુળમર્યાદાનું જે ઉલ્લંઘન થઇ રહ્યું છે,તેને સૌ કુરુઓ જોઈ રહ્યા છે.દ્રોણ,ભીષ્મ,વિદુર ને ધૃતરાષ્ટ્ર એ સૌમાંથી સત્વ પરવારી ગયેલું લાગે છે,કેમ કે તેઓ આ થઇ રહેલા ભયંકર અધર્મને જોતા નથી.(41)


વૈશંપાયન બોલ્યા-આમ કરુણ આક્રંદ કરતી તે દ્રૌપદી પોતાના કુપિત સ્વામીઓને કટાક્ષથી જોવા લાગી.

ને સર્વાંગે કોપપૂર્ણ થયેલા તે પાંડવોને તે કટાક્ષો વધુ ને વધુ ધગાવી ગયા.તેમને રાજ્ય,રત્ન,ધન વગેરે હારવાથી 

તેટલું દુઃખ થયું નહોતું જેટલું કૃષ્ણાના આ કટાક્ષપાતથી થયું.દુઃશાસને પણ આ દીન પતિઓને ટગરટગર જોઈ રહેલી બેભાન જેવી કૃષ્ણાને જોઈ,તેને જોરથી હડદોળી નાખી ને મોટેથી તેને 'દાસી' કહીને બોલાવી.

આ જોઈ અત્યંત આનંદિત થયેલા કર્ણે ને શકુનિએ હસીને તાળીથી તે વચનને વધાવી અભિનંદન આપ્યા.

જયારે બાકીના સભાસદો કૃષ્ણાની આવી દયનીય સ્થિતિ જોઈને અતિશય દુઃખ પામ્યા.(46)


ભીષ્મ બોલ્યા-હે કલ્યાણી,પરાધીન મનુષ્ય છે તે કોઈ વસ્તુ હોડમાં મૂકી શકતો નથી,પણ સ્ત્રીઓ સ્વામીને જ અધીન છે,આ જોતાં,ધર્મની સૂક્ષ્મતાને લીધે હું તારા પ્રશ્નનો યથાવત વિવેક કરી શકતો નથી.વળી,જે યુધિષ્ઠિર,

આ સમૃદ્ધિભરી સમગ્ર પૃથ્વીને જતી કરશે પણ કદી ધર્મનો ત્યાગ કરશે નહિ,તેને પોતે 'હું હાર્યો છું' એવું કહ્યું છે,

એટલે હું તારા આ પ્રશ્નનો તોડ કાઢી શકું તેમ નથી.આ ઉપરાંત,કપટી શકુનિએ યુધિષ્ઠિરને ભગ્નમનોરથ કર્યો છે,

તેમ છતાં,તે આમાં કપટ માનતા નથી,તેથી તારા આ પ્રશ્નનો તોડ કરવો મુશ્કેલ છે.(49)


દ્રૌપદી બોલી-દુષ્ટ,અનાર્ય,કપટખોર ને પાવરધા જુગારી સામે ઓછા અભ્યાસવાળા આ રાજા હારી ગયા,તો મને કુરુઓની આ સભામાં બોલાવીને શત્રુઓને સફળ મનોરથવાળા કેમ કર્યા? આ સભામાં કુરુવૃદ્ધો બિરાજ્યા છે 

તો તેઓ સર્વ મળીને મારા આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર આપો.કે કેમ તમે આ દાવ કબુલ કેમ રાખ્યો?


વૈશમ્પાયન બોલ્યા-આ પ્રમાણે બોલી રહેલી,કરુણ રુદન કરી રહેલી,ને દીન નજરે પોતાના સ્વામીઓ સામે જોઈ રહેલી તે કૃષ્ણાને તરત જ તો સભામાંથી કોઈએ જવાબ ન આપ્યો પણ દુઃશાસન તેને વધુ ને વધુ કઠોર,કડવાં અને કટાણાં વાક્યો કહેવા લાગ્યો.એ સાંભળીને ને ઘસડાતી,રજસ્વલા ને સરી ગયેલા ઉત્તરીય વસ્ત્રવાળી દ્રૌપદીની દશા જોઈને,વૃકોદરઃ ભીમ,અત્યંત દુઃખ પામી અત્યંત આવેશમાં આવી યુધિષ્ઠિર પ્રત્યે ક્રોધમાં આવી ગયો.(54)

અધ્યાય-67-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE