Nov 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-342

 

અધ્યાય-૫૩-હંસ અને દમયંતીનો સંવાદ 


II बृहदश्च उवाच II आसीद्राजा नलो नामं वीरसेनसुतो बली I उपपन्नो गुणैरिष्टै रूपवानश्वकोविदः II १ II

બૃહદશ્વ બોલ્યા-બળવાન,રૂપવાન,સર્વ ગુણોથી સંપન્ન અને અશ્વવિદ્યામાં નિષ્ણાત એવો નળ નામે રાજા હતો.

કે જે વીરસેનનો પુત્ર હતો.તે નિષધદેશનો અધિપતિ બ્રાહ્મણો પર પ્રીતિવાળો,વેદવેત્તા,શૂર,દ્યુતપ્રેમી 

ને સત્યવાદી હતો.તે મહાન અક્ષૌહિણી સેનાનો સ્વામી હતો,વારાંગનાઓને વહાલો હતો,ઉદાર,જિતેન્દ્રિય,પ્રજારક્ષક ને ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતો.

તે જ પ્રમાણે વિદર્ભ દેશમાં પ્રકારામવાળો,શૂરવીર ને સર્વગુણ સંપન્ન ભીમ નામે રાજા હતો.તેને સંતતિ નહોતી તેથી સંતતિની ઈચ્છા વાળો હતો.ને તેને માટે પરમ યત્ન કરતો હતો.એક વાર દમન નામે એક મહર્ષિ તેમની પાસે આવ્યા,રાજાએ તેમનો સત્કાર કરી પ્રસન્ન કર્યા,એટલે તેમના વરદાનથી રાજાને દમ,દાન્ત,ને દમન 

નામના ત્રણ પુત્રો ને દમયંતી નામની એક પુત્રી થઇ.સુંદર કટિવાળી દમયંતી 

પોતાના રૂપ,તેજ,યશ,લક્ષ્મી ને સૌભાગ્યે કરીને લોકોમાં યશસ્વિની થઇ હતી.(10)


દમયંતી આગળ,તેની સખીઓ નળના રૂપની પ્રસંશા કરતી હતી,ને નળના આગળ તેના મિત્રો દમયંતીની રૂપની પ્રસંશા કરતા હતા,ને એ રીતે એકબીજાના ગુણોને વારંવાર સાંભળતા તે બંનેમાં એકબીજા પ્રત્યે અદ્રષ્ટ પ્રેમ જાગ્યો હતો.એક વાર તે નળ અંતઃપુરની પાસે આવેલા બગીચામાં એકાંતમાં બેઠો હતો ત્યારે તેણે,સોનાની પાંખવાળા હંસોને જોયા.એટલે તેમાંથી તેને એકને પકડી લીધો,ત્યારે તે હંસે નળને કહ્યું કે-'હે રાજન,મને હણવો યોગ્ય નથી,હું તમારું પ્રિય કરીશ,હું દમયંતી આગળ જઈને તમારા વિષે એવી વાત કરીશ કે તે તમારા સિવાય બીજા કોઈ પુરુષને મનમાં વિચારશે જ નહિ; હંસે આમ કહ્યું એટલે રાજાએ તેને છોડી દીધો.


પછી તે હંસો ઉડીને વિદર્ભ દેશમાં ગયા ને દમયંતી પાસે જઈને ઉતર્યા.અદભુત રૂપવાળા હંસોને જોઈને,

હર્ષ પામીને દમયંતી તેમને પકડવા માટે દોડી.તે પેલા એક હંસની પાસે ગઈ ત્યારે તે હંસ તેને કહેવા લાગ્યો કે-

'હે દમયંતી,નિષધ દેશમાં નળ નામે એક મહિપાલ છે,તે રૂપમાં અશ્વિનીકુમાર ને કામદેવ જેવો છે ને બીજો કોઈ મનુષ્ય તેની તોલે આવી શકે તેમ નથી.તું જો એની પત્ની થાય તો તારો જન્મ સફળ થશેને તારું રૂપ સાર્થક થશે.

તું નારીઓમાં રત્નરૂપ છે ને નળ નરોમાં શ્રેષ્ઠ છે.એટલે તમારો સંગમ ગુણવાન જ નીવડશે.'


ત્યારે દમયંતીએ હંસને કહ્યું કે-'તું નળને પણ આ પ્રમાણે જ કહેજે' એટલે હંસે તે વિદર્ભકન્યાને કહ્યું કે-'ભલે'

પછી,નિષધદેશ પાછા આવીને તેણે નળને સર્વ વાત કહી સંભળાવી (32)

અધ્યાય-૫૩-સમાપ્ત