Nov 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-344

અધ્યાય-૫૫-દેવોએ નળને પોતાનો દૂત કર્યો 


II बृहदश्च उवाच II तेभ्यः प्रतिज्ञाय नलः करिष्य इति भारतः I अथैतान्यपरिपप्रच्छ कृतांजलिरूपस्थितः II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,લોકપાલોનું કહેવું સાંભળીને તે નળે,;હું તે દૂતકામ કરીશ' એવી પ્રતિજ્ઞા કરી.

પછી,હાથ જોડી ને તેમને પૂછવા લાગ્યો કે-'તમે કોણ છો?મારે કયું ને કોને દૂતકાર્ય કરવાનું છે?'

ત્યારે ઇન્દ્રે તેને કહ્યું કે-'હું ઇન્દ્ર છું ને આ અગ્નિ,વરુણ અને યમ એ લોકપાલો છે,અમે દમયંતી માટે આવ્યા છીએ,

એટલે તું દમયંતીને અમારા વિશે જણાવ ને તેને કહેજે કે લોકપાલોમાંથી ગમે તે એકને તું પતિરૂપે પસંદ કર'

ત્યારે નળે હાથ જોડીને કહ્યું કે-'હું પણ આ નિમિત્તે જ આવ્યો છું તેથી મને દૂત તરીકે મોકલાવો યોગ્ય નથી,

મેં દમયંતી માટે સંકલ્પ કર્યો છે તો હું બીજા પુરુષ માટે તેને કેમ કહી શકું? મને ક્ષમા કરો'

દેવો બોલ્યા-'તેં એકવાર વચન આપ્યું પછી તું તેમ કેમ કરતો નથી?તું જા વિલંબ કર નહિ 

નળ બોલ્યો-સારી રીતે રક્ષાયેલા એ ભવનોમાં પ્રવેશવાની હું હિમ્મત ક્યાંથી કરું?' ઇન્દ્રે કહ્યું કે-'મારા પ્રભાવથી 

તું એમાં પ્રવેશી શકશે' એટલે 'ભલે તેમ હો' કહીને નળરાજા દમયંતીના ભવને ગયો.(11)


ત્યાં તેણે સખીઓથી ઘેરાયેલી,અતિસુંદર દમયંતીને જોતા જ તેની કામવાસના વધી ગઈ,પણ પોતાનું વચન સત્ય

કરવાની ઈચ્છાથી તેણે કામને રોક્યો.નૈષધરાજના રૂપને જોઈને દમયંતી મંદ હાસ્ય સાથે પૂછવા લાગી કે-

'હે સર્વાંગસુંદર,મારા અનંગને વધારનાર,હું તમને ઓળખવા માગું છું,તમારું આગમન અહીં કેવી રીતે થયું?

તમને કોઈએ જોયા નહિ? મારુ આ ભવન સુરક્ષિત છે અને રાજા કડક શાસક છે'(21)


નળ બોલ્યો-'હે કલ્યાણી,મને નળ જાણ,હું દેવોના દૂત તરીકે આવ્યો છી.ઇન્દ્ર,વરુણ,અગ્નિ ને યમ એ દેવો તને

મેળવવા ઈચ્છે છે તેમાંથી તું એકને પસંદ કરી લે.તેમના પ્રભાવથી જ હું અદૃશ્ય રીતે અહીં પ્રવેશી શક્યો છું.

તેમણે જ મને આ કાર્ય માટે મોકલ્યો છે તો હે શુભ,તું તારી ઇચ્છામાં આવે તેવો નિર્ણય કર' (25)

અધ્યાય-૫૫-સમાપ્ત