Dec 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-368

અધ્યાય-૮૨-પુલસ્ત્યે કરેલું તીર્થવર્ણન 


(નોંધ-અધ્યાય-82 થી અધ્યાય-85 સુધી અસંખ્ય એવા તીર્થોનો મહિમા કહ્યો છે)

II पुलस्त्य उवाच II अनेन तात धर्मज्ञ प्रश्नयेण दमेन च I सत्येन च महाभाग तुष्टोSस्मि तव सुव्रत II १ II

પુલસ્ત્ય બોલ્યા-હે ધર્મજ્ઞ,હે સુવ્રત,હે મહાભાગ,તારા આ વિનયથી અને ઉન્દ્રિયદમનથી તેમ જ તારા સત્યથી હું પ્રસન્ન

થયો છું.પિતૃભક્તિને લીધે આવો ધર્મ તેં સ્વીકાર્યો છે,તેથી તું મારુ દર્શન પામ્યો છે,મારુ દર્શન મિથ્યા થતું નથી,

મને તારા પર પ્રીતિ થઇ છે કહે.હું તારૂ શું કામ કરું? તું જે માગીશ તે હું આપીશ' (3)

ભીષ્મ બોલ્યા-'હે મહાભાગ,તમે મારા પર અનુગ્રહ કરવા ઇચ્છતા હો તો હું તમને મારો સંદેહ પૂછું છું તેને દૂર કરવા આપ સમર્થ છો.તીર્થયાત્રામાં તત્પર થયેલો જે મનુષ્ય પૃથ્વીની પ્રદિક્ષણા કરે છે તેને શું ફળ મળે છે?'


પુલસ્ત્ય બોલ્યા-જેના હાથ,પગ,મન,વિદ્યા,તપ અને કીર્તિ,સારી રીતે સંયમમાં રહેલાં હોય તે જ તીર્થનું ફળ ભોગવે છે.જે પ્રતિગ્રહથી દૂર રહે છે,જે ગમે તે મળે સંતોષ રાખે છે,જે અહંકાર ને દંભથી મુક્ત છે,જે પ્રાપંચિક કાર્યારંભથી વિહીન છે,જે અલ્પાહારી છે,જે જિતેન્દ્રિય છે,જે સર્વ પાપોથી વિમુક્ત છે,જે અક્રોધી,સત્યશીલ,દ્રઢ વ્રતધારી છે ને જે પ્રાણીમાત્રને આત્મવત જુએ છે તે જ તીર્થોનું ફળ ભોગવે છે.


આ લોકમાં ઋષિઓએ ઘણા યજ્ઞો ને તે યજ્ઞોથી મળનારું ફળ પણ યથાર્થ રીતે કહ્યું છે,પણ દરિદ્ર મનુષ્યથી યજ્ઞો થઇ શકતા નથી.કેમ કે તે યજ્ઞોમાં ઘણી સામગ્રી,દ્રવ્ય ને સાધનો જોઈએ.પણ જેનું ફળ આ યજ્ઞોની બરોબર છે તે હું કહું છું.તે સાંભળો.ઋષિઓનો આ પરમ ગુપ્ત મત છે કે તીર્થોની પુણ્યયાત્રા યજ્ઞો કરતાં પણ ચડિયાતી છે.

જે મનુષ્ય તીર્થોમાં ત્રણ દિવસના ઉપવાસ રાખતો નથી,તીર્થોની યાત્રા કરતો નથી,ગાય-સુવર્ણનું દાન આપતો નથી તે દરિદ્ર જ બને છે.જે મનુષ્ય,વિપુલ દક્ષિણાવાળા અગ્નિષ્ટોમાદિ યજ્ઞો કરીને પણ જે ફળ પામતો નથી,

તે ફળ તીર્થયાત્રાથી તે પામે છે.(19)


ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવું,ને આ મનુષ્યલોકમાં રહેલું,બ્રહ્માજીનું પુષ્કર નામે વિખ્યાત તીર્થ છે,કે જેમાં મહાભાગ્યશાળી મનુષ્ય જ સ્નાન કરી શકે છે.તે પુષ્કરતીર્થની પાસે ત્રણે સંધ્યાકાળે દશ કરોડ તીર્થો એકઠાં  

થાય છે,આદિત્યો,વસુઓ,રુદ્રો,સાધ્યો,મરુદગણો,ગંધર્વો,અને અપ્સરાઓ ત્યાં નિત્ય નિવાસ કરે છે.

દેવો,દૈત્યો,બ્રહ્મર્ષિઓ ત્યાં તપ તપીને દિવ્યયોગથી યુક્ત થયા છે.જે બુદ્ધિમાન મનમાં પણ એ પુષ્કર તીર્થની 

ઈચ્છા જ કરે છે તેનાં સર્વ પાપો ધોવાઈ જાય છે ને સ્વર્ગલોકમાં પૂજા પામે છે.


સર્વ લોકના પિતામહ બ્રહ્માજી,પરમ પ્રીતિપૂર્વક આ તીર્થમાં નિત્ય નિવાસ કરે છે,પૂર્વે દેવો ને ઋષિઓ આ પુષ્કર તીર્થમાં મહાન પુણ્ય પામીને સિદ્ધિને પ્રાપ્ત થયા છે,દેવો ને પિતૃઓના પૂજનમાં પારાયણ રહેનારો જે મનુષ્ય આ તીર્થમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ દશ ગણું પુણ્ય મેળવે છે એમ બુદ્ધિમાનો કહે છે.કોઈ પણ વર્ણનો મનુષ્ય અહીં સ્નાન કરે તો પુનર્જન્મ પામતો નથી,જે પ્રણામપૂર્વક સવાર સાંજ પુષ્કર તીર્થનું સ્મરણ કરે છે તે સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામે છે,ને જે આ તીર્થમાં સ્નાન કરે છે તેનાં સર્વ પાપો નાશ પામે છે.