Dec 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-367

 

અધ્યાય-૮૧-નારદ યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II धनंजयोत्सुकानां तु भ्रातृणां कृष्णया सह I श्रुत्वा वाक्यानि विमना धर्मराजोSप्यजायत II १ II

વૈશંપાયન બોલ્યા-'ધનંજય અર્જુનને માટે ઉત્સુક થયેલા ભાઈઓના ને કૃષ્ણાનાં વચન સાંભળીને ધર્મરાજા મનમાં ઉદાસ થઇ ગયા.તે જ વખતે તેમણે દેવર્ષિ નારદ ને આવતા જોયા.તેમને આવેલા જોઈને ધર્મરાજાએ ઉભા થઈને ભાઈઓ સાથે તેમનું યથાવિધિ પૂજન કર્યું.નારદે તે પૂજાનો સ્વીકાર કરી આશ્વાસન આપીને કહ્યું કે-

'હે ધાર્મિક શ્રેષ્ઠ,બોલો શી ઈચ્છા છે?હું તમને શું આપું?' (7)

યુધિષ્ઠિરે હાથ જોડીને કહ્યું કે'હે સુવ્રત,તમે સંતુષ્ટ થાઓ એટલે તમારા પ્રસાદથી સર્વ કાર્યો સિદ્ધ થયાં એમ હું માનું છું,

છતાં ભાઈઓ સહિત  મારા પર અનુગ્રહ કરવો જ હોય તો તમારે મારા સંશયનો નિવેડો લાવવો ઘટે છે.

તીર્થયાત્રામાં તત્પર થયેલો જે મનુષ્ય પૃથ્વીની પ્રદિક્ષણા કરે તેને શું ફળ મળે? તે વિષે કહેવા તમે યોગ્ય છો'


નારદ બોલ્યા-હે રાજન,ભીષ્મે,પુલસ્ત્ય પાસેથી જે સાંભળ્યું તે તમને કહું છું તમે સાંભળો.

પૂર્વે,પિતૃઓનું વ્રત ધારણ કરીને ભીષ્મ,મુનિઓની સાથે ગંગાદ્વાર નામના સ્થાનમાં નિવાસ કર્યો હતો,ત્યાં તેમણે  શાસ્ત્રોક્ત કર્મવિધી પ્રમાણે દેવો,પિતૃઓ અને ઋષિઓને તર્પણ કર્યું,પછી તે જાપમાં હતા ત્યારે તેમણે,ઋષિશ્રેષ્ઠ પુલત્સ્યને જોયા,ભીષ્મએ તેમનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું ને કહ્યું કે-'હે સુવ્રત,હું તમારો સેવક ભીષ્મ છું,તમારું મંગલ હો,તમારાં દર્શનથી હું સર્વ પાપોમાંથી મુક્ત થયો છું' ત્યારે વાણીને નિયમમાં રાખનારા તે ઋષિ બે હાથ જોડીને બેઠા,તે વખતે નિયમ અને વેદના સ્વાધ્યાયથી શુષ્ક થયેલા ભીષ્મને જોઈ મુનિ મનમાં પ્રસન્ન થયા (22)

અધ્યાય-૮૧-સમાપ્ત