Dec 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-366

 

તીર્થયાત્રા પર્વ 

અધ્યાય-૮૦-અર્જુન સંબંધી શોકોદગાર 

II जनमेजय उवाच II भगवन्काम्यकारपार्थे गते मे प्रपितामहे I पांडवा: किमकुर्वस्ते तमृते सव्यसाचिन् II १ II

  જન્મેજય બોલ્યા-હે ભગવન,મારા પ્રપિતામહ પૃથાનંદન અર્જુન કામ્યક વનમાંથી ગયા,ત્યારે તે પાંડવોએ એ સવ્યસાચી અર્જુન વગર શું કર્યું?કેમકે જેમ,વિષ્ણુ,એ આદિત્યોના ગતિરૂપ છે તેમ,અર્જુન,એ પાંડવોના ગતિરૂપ હતા તેમ મને લાગે છે,અર્જુન વિના તે મહાત્માઓ વનમાં કેવી રીતે રહ્યા હતા? (3)

વૈશંપાયન બોલ્યા-'હે તાત,સત્યવિક્રમી અર્જુન જયારે કામ્યક વનમાંથી ગયો ત્યારે તે પાંડવો દુઃખ અને શોકથી વ્યાકુળ થઇ ગયા હતા ને મનમાં ખિન્ન થઇ ગયા હતા.તેમાં પણ પાંચાલી અર્જુનનું વિશેષ સ્મરણ કરતી હતી 

એક વખતે તેણે યુધિષ્ઠિરને કહ્યું કે-'બે બાહુવાળા હોવા છતાં,સહસ્રાર્જુનને તુલ્ય એવા અર્જુન વિના મને આ વન નિસ્તેજ લાગે છે,હું આ પૃથ્વી દરેક ઠેકાણે શૂન્ય જોઉં છું. જેમના ધનુષ્યનો ટંકાર વજ્રના ઘોષ જેવો સંભળાય છે 

તે સવ્યસાચીને સંભારતાં મને ચેન પડતું નથી' દ્રૌપદીને આમ વિલાપ કરતી જોઈ ભીમ બોલ્યો કે-


'હે ભદ્રા,તું કહે છે સત્ય જ છે,અર્જુન વિના આ વન સૂર્ય વિનાના ગગન જેવું જણાય છે.જેનો આશ્રય કરીને કુરુઓ તથા પાંચાલો,યુદ્ધ માટે એકઠા થયેલા દેવોની સેનાથી પણ બીતા નથી,ને જેનો આશ્રય લઈને અમે શત્રુઓને જીતીને પૃથ્વી પ્રાપ્ત કાર્યનું માનીએ છીએ તે અર્જુન વિના આ કામ્યક વનમાં મને ધીરજ રહેતી નથી ને મને સર્વ દિશાઓ અંધકારથી ઘેરાઈ ગયેલી જણાય છે' પછી આંસુઓથી ભરેલ નકુલ કહેવા લાગ્યો કે-


'રણમોખરે દેવો પણ જેનાં દિવ્ય કર્મોની સ્તુતિ કરે છે,તે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ અર્જુન વિના આ વનમાં પ્રીતિ થતી નથી.તે મહાબળવાને ગંધર્વોને હરાવી તેમની પાસેથી તિત્તીર અને કલ્માષ જાતના અનેક પવનવેગી ઘોડાઓ મેળવીને રાજસૂય યજ્ઞ વખતે યુધિષ્ઠિરરાજ ને અર્પણ કર્યા હતા તેમના વિના આ વનમાં વાસ કરવો ગમતો નથી'


સહદેવ બોલ્યો-રાજસૂય યજ્ઞ વખતે જેમણે એકલે હાથે રાજાઓને હરાવીને ધન જીત્યું હતું,ને જેણે યુદ્ધમાં એકઠા થયેલા યાદવોને જીતીને વાસુદેવની સંમતિથી સુભદ્રાનું અપહરણ કર્યું હતું તે અર્જુનનું દર્ભાસન આ આશ્રમમાં ખાલી જોઈને મારુ મન શાંત થતું નથી ને આ વનમાંથી ચાલ્યા જવાનું મન થાય છે (31)

અધ્યાય-૮૦-સમાપ્ત