Feb 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-419

 

અધ્યાય-૧૨૬-માંધાતાનું ચરિત્ર 


II युधिष्ठिर उवाच II मांधाता राजशार्दूलस्रिपु लोकेषु विश्रुतः I कथं जातो महाब्रह्मन् यौवनाश्वो नृपोत्तमः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મહાબ્રાહ્મણ,ત્રણે લોકોમાં વિખ્યાત અને રાજાઓમાં સિંહ સમાન એ રાજેન્દ્ર માંધાતા,કેવી રીતે યુવનાશ્વનો પુત્ર થયો? વળી,જે મહાત્માને વિષ્ણુની જેમ ત્રણે લોક વશ હતા,તે કેવી રીતે જન્મ પામ્યો હતો?

તેનું નામ માંધાતા શાથી પડ્યું હતું? તેનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું,તમે આ કહેવામાં કુશળ છો.

લોમશ બોલ્યા-'હે રાજન,ઇક્ષ્વાકુ વંશમાં યુવનાશ્વ નામનો રાજા હતો.તેણે હજાર અશ્વમેઘ યજ્ઞો ને બીજા પણ અનેક અઢળક દક્ષિણાવાળા યજ્ઞો કર્યા હતા.આ રાજર્ષિને સંતતિ નહોતી એટલે તેણે મંત્રીઓને રાજ્યભાર સોંપી નિત્ય વનવાસી થયો હતો.એક વખતે,તપ અને ઉપવાસથી તે દુઃખ પામ્યો ને ત્રાસથી તેનું હૃદય સુકાઈ ગયું ત્યારે તે ભૃગુના આશ્રમમાં ગયો.ભૃગુઋષિ તે જ રાત્રે તે યુવનાશ્વ રાજાને પુત્ર થાય તે માટે ઇષ્ટિ કરી હતી અને તેની રાણી  માટે મંત્રથી પવિત્ર કરેલા જળથી ભરેલો કળશ વેદી આગળ મુક્યો હતો.તે રાતે ઋષિઓ સુતા હતા,ત્યારે જ તે 

યુવનાશ્વ આશ્રમમાં પ્રવેશ્યો હતો,ને પોતાના શોષાઈ ગયેલા કાંઠે પીવાનું પાણી માંગવા લાગ્યો.પણ તેના 

અવાજને કોઈએ સાંભળ્યો નહિ.ત્યારે રાજાએ તે કળશ જોયો ને દોડી જઈને તેનું બધું પાણી પી ગયો.(16)


ઋષિઓ જાગ્યા ત્યારે તેમણે તે કળશને ખાલી જોયો એટલે તેમણે પૂછપરછ કરી ત્યારે યુવનાશ્વ રાજાએ સાચું કહી દીધું.એટલે ભાર્ગવે તેને કહ્યું કે-'હે રાજન,તારી રાણીને  પુત્ર થાય તે માટે જ મેં તપ કરીને એ જળમાં બ્રહ્મનું સ્થાપન કર્યું હતું.પણ તેં એ જળનું પાન કરીને ઠીક કર્યું નથી.એ જળ પીવાને લીધે તું પોતે જ ઇન્દ્ર જેવા પુત્રને જન્મ આપશે.

આ જે થયું છે તે દૈવથી જ થયું છે ને એને ફેરવવાનું અમારાથી બની શકે તેમ નથી.ગર્ભ ધારણ કર્યાનો તને ખેદ ન રહે તે માટે તારે ખાતર અમે પરમ અદભુત ઇષ્ટિ કરીશું' (26)


સો વર્ષ પૂરાં થયાં ત્યારે તે રાજાની ડાબી કૂખ ભેદીને સૂર્યના જેવો એક મહાતેજસ્વી પુત્ર બહાર આવ્યો.

આમ યુવનાશ્વ રાજાનું મૃત્યુ પણ ન થયું તે એક આશ્ચર્ય જેવું થયું હતું.કે જેને જોવાની ઇચ્છાએ દેવો સાથે ઇન્દ્ર ત્યાં આવ્યો.તેને જોઈને દેવોએ ઇન્દ્રને પૂછ્યું કે-'આ બાળક કોને ધાવશે?' ત્યારે ઇન્દ્રે પોતાની આંગળી તેના મોમાં મૂકીને કહ્યું કે-'આ બાળક મને ધાવશે' ઇન્દ્રે આમ કહ્યું એટલે દેવતાઓએ તે બાળકનું નામ 

માંધાતા (મામ=મને ધાતા=ધાવનાર) પાડ્યું.તે આંગળીને ધાવીને તે બાળક તરત જ તેર વેંત વધી ગયો.(32)


ને ધ્યાન ધરતાંની સાથે જ તેને ધનુર્વેદ સાથેના વેદો અને સર્વ દિવ્ય અસ્ત્રોને પામ્યો.ઇન્દ્રે પોતે જ તેનો રાજ્યાભિષેક કર્યો અને વિષ્ણુની જેમ તેણે ત્રણ ડગલાંમાં ત્રણે લોકને ધર્મપૂર્વક જીતી લીધાં.

તેણે મોટી દક્ષિણાવાળા યજ્ઞો કર્યા ને પુષ્કળ ધર્મો કરીને ઈન્દ્રનું અર્ધું આસન મેળવ્યું.


ચાર સમુદ્રો સુધીની સમગ્ર ધરતી તેના યજ્ઞોની વેદીથી ભરાઈ ગઈ હતી,તેણે બ્રાહ્મણોને દશ હજાર ગાયો દાનમાં આપી હતી,બાર વર્ષના દુકાળ વખતે તેણે ઇન્દ્રના દેખતાં જ વરસાદ પાડ્યો હતો.સોમવંશમાં જન્મેલા મહાન ગાંધારનાથને તેને બાણોથી વીંધીને મારી નાખ્યો હતો.તે રાજાએ ચારે વર્ણની પ્રજનું રક્ષણ કર્યું અને પોતાના તપથી ત્રણે લોકોને તપાવ્યા હતા.સૂર્ય જેવા તપસ્વી તે માંધાતાનું યજ્ઞસ્થાન કુરુક્ષેત્રની વચમાં આવેલા પવિત્ર દેશમાં છે.હે રાજન,તમે મને જે પૂછ્યું તે માંધાતાનું ચરિત્ર મેં તમને કહ્યું (47)

અધ્યાય-૧૨૬-સમાપ્ત