Feb 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-424

 

અધ્યાય-૧૩૧-ઉશીનરના ધૈર્યની કસોટી  

II श्येन उवाच II धर्मात्मानं त्वाSSहुरेकं सर्वे राजन्महीक्षितः I सर्वधर्मविरुद्वं त्वं कस्मात्कर्म चिकिर्पसि II १ II

શ્યેન બોલ્યો-'હે ઉશીનર,સર્વ રાજાઓ તને એકલાને જ ધર્માત્મા કહે છે તો તું સર્વ ધર્મથી વિરુદ્ધ એવું 

કર્મ શા માટે કરવા ઈચ્છે છે? આ હોલો મારુ ભક્ષ્ય થવા નિર્માયો છે.હું ભૂખથી પીડાઈ રહ્યો છું.

તો તું ધર્મનો લોભ કરીને આ હોલાને રક્ષણ ન આપ,લાગે છે કે તું ધર્મને ખોઈ બેઠો છે.

રાજા બોલ્યો-'હે મહાપક્ષી,આ પંખી તારા ડરથી મારા શરણે આવ્યું છે,તેનો ત્યાગ કરવો એ નિંદાપાત્ર છે,

બ્રાહ્મણોનો કે શરણે આવેલાને ત્યજવાનું પાપ ગાયોના વધ સરખું જ ગણવામાં આવે છે' (6)

શ્યેન બોલ્યો-'હે રાજન,સર્વ પ્રાણીઓ આહારથી ઉત્પન્ન થાય છે ને આહારથી જ વૃદ્ધિ પામે છે.આહારનો ત્યાગ કરીને વધુ જીવી ન શકાય.તમે મને મારા આહારથી વિખૂટો કરો છો તો મારા પ્રાણ દેહને છોડીને ચાલ્યા જશે.અને હું મરી જઈશ તો મારા સ્ત્રી પુત્ર પણ નાશ પામશે,આમ એક હોલાને બચાવવા જતાં તમે અનેક જીવોનો નાશ કરશો.જે એક ધર્મ બીજા ધર્મને બાધક હોય તે ધર્મ નથી પણ અધર્મ છે.બે ધર્મો વચ્ચે પરસ્પર વિરોધ જણાય ત્યારે બંનેમાંથી મુખ્ય ને અમુખ્યનો નિશ્ચય કરવો અને જેનાથી બાધ ન આવતો હોય તે ધર્મ આચરવો જોઈએ.

ધર્મ અને અધર્મની મહત્તા ને લઘુતા વિષે વિચાર કરીને પછી જે ઉત્તમ દેખાય તે પરથી તું ધર્મનો નિશ્ચય કર'


રાજા બોલ્યો-'તું બહુ કલ્યાણભરી ને આશ્ચર્યભરી વાણી બોલે છે એથી મને લાગે છે કે તારાથી કશું અજાણ્યું નથી.

છતાં શરણ ઇચ્છનારાના ત્યાગને તું કેમ સારો મને છે? તારે આહાર જોઈએ તો આનાથી વધુ સારો આહાર 

(મૃગ,બળદ આદિનો)હું અત્યારે જ તારી સામે હાજર કરાવી દઉં'

શ્યેન બોલ્યો-'હે રાજન, મારે બીજાં પ્રાણીની કશી જ જરૂર નથી.દેવોએ જે આહાર મારા માટે નક્કી કર્યો છે

 તે આ હોલો છે માટે તે જ તું મને આપ.શ્યેન હોલાઓને ખાય તેવી પરંપરા છે.માટે સાર 

જાણ્યા વિના તું કેળના થાંભલા જેવા આ નિસાર ધર્મમાં આસક્ત થા નહિ' (20)

રાજા બોલ્યો-'હે આકાશધારી,હું તને શિબિઓનું સમૃદ્ધ રાજ્ય આપું,તું જે ઈચ્છે છે તે આપું.જે કર્મથી તું 

આ હોલા ને છોડી શકે તેમ છે તે મને કહે તો તેમ હું કરીશ પણ આ હોલને તો હું નહિ જ આપું.'

શ્યેન બોલ્યો-'હે ઉશીનર,જો તને હોલા પર સ્નેહ છે તો તું તારું માંસ કાપીને આ હોલની સામે ત્રાજવામાં મૂક.

અને તેના વજનની બરાબર તારું માંસ થાય તે તારે આપવું,જેથી મને સંતોષ થશે' (24)


પછી,તે પરમધર્મજ્ઞ રાજાએ પોતાનું માંસ કાપીને ત્રાજવામાં મૂક્યું,ને સામે હોલો મુકવામાં આવ્યો તો તે માંસથી વધી ગયો,એટલે રાજાએ વધુ માંસ કાપી મૂક્યું,છતાં તે બરાબર ન ઉતર્યું એટલે રાજા પોતે ત્રાજવામાં બેસી ગયો.

ત્યારે શ્યેન બોલ્યો-'હે ધર્મજ્ઞ,હું ઇન્દ્ર છું ને આ હોલો અગ્નિ છે.તારા ધર્મની પરીક્ષા કરવા અમે તારી આ યજ્ઞશાળામાં આવ્યા છીએ.તારા આ વર્તાવથી તારી કીર્તિ ત્રણે લોકોને વટાવી જશે,ને અચલ રહેશે'

આમ કહી તે બંને સ્વર્ગમાં ચાલ્યા ગયા.ને સમય જતાં ઉશીનર પણ કાંતિમાન દેહથી સ્વર્ગમાં ગયો.

હે રાજન,આ તે મહાત્મા રાજાનું સ્થાન છે.આ સ્થળે દેવો ને મુનિઓ દર્શન આપે છે (34)

અધ્યાય-૧૩૧-સમાપ્ત