Feb 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-423

 

અધ્યાય-૧૩૦-તીર્થનિર્દેશ તથા બાજ અને હોલાનું આખ્યાન 


II लोमश उवाच II इह मर्त्यातनुस्त्यत्तवा स्वर्ग गच्छन्ति भारत I मर्तुकामा नरा राजन्निहायान्ति सहस्त्रशः II १ II

લોમશ બોલ્યા-'હે ભારત,અહીં શરીર છોડીને માણસો સ્વર્ગમાં જાય છે,તેથી અહીં મરણ પામવાની ઈચ્છાથી હજારો માનવો આવે છે.પૂર્વે યજ્ઞ કરતા દક્ષે આવો આશીર્વાદ છોડ્યો છે 'જે મનુષ્યો અહીં મૃત્યુ પામશે 

તેઓ સ્વર્ગજિત થશે' હે પૃથ્વીનાથ,આ રમણીય સરસ્વતી નદી છે,આ દિવ્ય ઓઘવતી નદી છે 

અને આ સરસ્વતીનું વિનશન તીર્થ છે.આ નિષાદદેશનું દ્વાર છે.'આ નિષાદો,રખેને મને ઓળખી કાઢે' 

એવા વિચારથી તે નિષાદોના દોષને લીધે સરસ્વતી પૃથ્વીમાં પેસી ગઈ છે (4)

આ ચમસોદમેદ નામે તીર્થ છે,અહીં સરસ્વતી પાછી પ્રત્યક્ષ દેખાય છે.સર્વ પાવનકારી સમુદ્રગામિની નદીઓ અહીં એને મળે છે.આ સિંધુનું મહાતીર્થ છે,લોપામુદ્રા અહીં આવીને અગસ્ત્યને વરી હતી.આ ઇન્દ્રને પ્રિય એવું પ્રભાસતીર્થ શોભી રહ્યું છે.આ વિષ્ણુપદ નામનું ઉત્તમ તીર્થ છે.આ વિપાશા નદી છે,જેમાં પુત્રના શોકથી વસિષ્ઠ ઋષિએ પોતાની જાતને બાંધીને ઝંપલાવ્યું હતું.અને એમાંથી જ પાશરહિત થઈને પાછા આવ્યા હતા.(9)


મહર્ષિઓથી વસેલું આ કાશ્મીર મંડલ છે.ઉત્તરવાસી સર્વ ઋષિઓનો,યયાતિનો,અગ્નિનો ને કાશ્યપનો અહીં સંવાદ થયો હતો.આ પર્વતની વચ્ચે રામે એક વરસ સુધી વાસ કર્યો હતો.આ દેશ વાતિકખાંડને નામે પ્રખ્યાત છે અને તે વિદેહ દેશની ઉત્તરે છે,તેની સીમાને કોઈ વટાવી શકતું નથી.આ દેશમાં બીજું એક આશ્ચર્ય છે કે જયારે યુગનો અંત આવે છે ત્યારે ઇચ્છામાં આવે તે રૂપ ધરનારા ભગવાન શંકરનાં,ઉમા ને પાર્ષદોનાં અહીં દર્શન થાય છે.અહીં,સરોવરને તીરે યાજકો,ચૈત્ર માસમાં શિવજીનું યજ્ઞોથી યજન કરે છે,સ્નાન કરે છે.


આ ઉજજાનક તીર્થ છે.અહીં કાર્તિકસ્વામી તથા અરૂંધતી સહિત,વસિષ્ઠ ઋષિ શાંતિને પામ્યા હતા.

આ કુશવાન નામનું તળાવ છે,તેમાં કુશેશય નામનાં કમળો છે.આ રુકિમણીનો આશ્રમ છે,ક્રોધથી મુત થઈને તે અહીં જ શાંત થઇ હતી.આ પ્રત્યક્ષ ફળ આપનાર મહાગિરિ  ભૃગુતુંગ છે.આ વિતસ્તા નદી છે.

વળી,યમુનાની પાસે વહેતી આ જલા અને ઉપજલા નામની નદીઓ છે.જ્યાં યજ્ઞ કરીને ઉશીનર રાજાએ ઇન્દ્રને પાછળ પાડી દીધો હતો.ઇન્દ્ર અને અગ્નિ તે નૃપવરની કસોટી કરવા માટે તેની સભામાં ગયા હતા.

ઇન્દ્ર,શ્યેન (બાજ) ને અગ્નિ,કપોત (હોલા)નું રૂપ લઈને રાજાના યજ્ઞમાં ગયા હતા ત્યારે,હોલો,બાજની બીકથી શરણ શોધતો ઉશીનર રાજાના ખોળામાં જઈને છુપાઈ ગયો હતો.(24)

અધ્યાય-૧૩૦-સમાપ્ત