Feb 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-430

 

અધ્યાય-૧૩૭-ભરદ્વાજનો શાપ તથા અગ્નિપ્રવેશ 


II लोमश उवाच II भरद्वाजस्तु कौन्तेय कृत्वा स्वाध्यायमाह्निकं I समित्कलायमादाय प्रविवेश स्वमाश्रमम् II १ II

લોમશ બોલ્યા-હે કૌંતેય,પછી,સ્વાધ્યાય આદિ આહનિક કાર્ય કરીને ને સમિધનો ભારો લઈને ભરદ્વાજ,પોતાના આશ્રમે પાછા આવ્યા ત્યારે રોજની જેમ (મરણથી સૂતકી થયેલા) અગ્નિહોત્રના અગ્નિઓએ ઉભા થઇ અભિનંદન આપ્યા નહિ એટલે તેમણે ગૃહપાલ તરીકે બેઠેલા તે અંધ શુદ્રને પૂછ્યું કે-આજે અગ્નિઓ મને દર્શન કેમ આપતા નથી અને તું પણ આજે પહેલાં જેવો કેમ દેખાતો નથી? આશ્રમમાં સર્વ કુશળ તો છે ને?

ત્યારે તે શૂદ્રે રાક્ષસથી થયેલા યવક્રીતના વધની વાત કરી.એટલે ભરદ્વાજ શોક્ગ્રસ્ત થઈને પુત્ર પ્રતિ બોલ્યા કે-

બ્રાહ્મણોને વગર ભણ્યે વેદોનું જ્ઞાન થાય તે માટે તેં તપ કર્યું હતું,તેં કોઈ પ્રાણીનો અપરાધ કર્યો નહોતો પણ તારામાં કઠોરતા આવી ગઈ,મેં તને રૈભ્યનાં આશ્રમે જવાની મનાઈ કરી હતી,છતાં તું ત્યાં ગયો.


એ રૈભ્ય જાણે છે કે મારો તું એકનો એક પુત્ર છે,છતાં તે કોપને વશ થઈને તને મારી નાખ્યો જેથી હું શોકને પામ્યો છું.ને આજે દુઃખી થઈને હું તારા વિરહમાં દેહત્યાગ કરું છું,તેમ તે રૈભ્યને પણ તેનો જ્યેષ્ઠ પુત્ર મારી નાખશે.

હાય,પુત્રના મરણથી શોકાતુર થઈને મારા ઇષ્ટ મિત્રને મેં શાપ આપ્યો ! આવી વિપત્તિ બીજો કોણ અનુભવે?


લોમશ બોલ્યાઆમ અનેક પ્રકારે વિલાપ કરીને ભારદ્વાજે પોતાના પુત્રનો અગ્નિસંસ્કાર કર્યો 

અને પછી પોતે પણ એ ભડભડ થતા અગ્નિમાં પ્રવેશ કર્યો (19)

અધ્યાય-૧૩૭-સમાપ્ત