Feb 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-439

 

અધ્યાય-૧૪૬-ભીમ અને હનુમાનનો મેળાપ 


II वैशंपायन उवाच II तत्र ते पुरुषव्याघ्राः परमं शौचमास्थिताः I पध्रात्रमयसन्विरा धनंजयदिदक्षवः II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યાં તે પાંડવો,ધનંજયને જોવાની ઈચ્છાથી પરમ પવિત્ર થઈને છ રાત રહ્યા.

હવે,એકાએક ઈશાન ખૂણામાંથી વાયુ વાવા લાગ્યો અને તે સૂર્ય જેવી કાંતિવાળું એક સહસ્ત્ર પાંખડીવાળું દિવ્ય કમળ ત્યાં ખેંચી લાવ્યો.ત્યારે દ્રૌપદીએ જમીન પર પડેલા તે દિવ્ય ગંધવાળા,સુંદર ને પવિત્ર કમળને જોયું.

અત્યંત આનંદ પામીને તેણે ભીમને કહ્યું કે-'મારા મનને આનંદ આપનારું આ ઉત્તમોત્તમ કમળ જુઓ,એ હું ધર્મરાજને આપીશ.હે પાર્થ તમને જો હું વહાલી હોઉં તો આવા અનેક કમળો તમે લઇ આવજો કેમ કે હું તેમને કામ્યક વનમાં લઇ જવા ઈચ્છું છું' આમ કહી તે તરત જ તે કમળ ધર્મરાજને આપવા ગઈ.(8)

પાંચાલીની ઈચ્છા જાણીને ભીમ,પોતાની પ્રિયાનું પ્રિય કરવાની ઈચ્છાથી,જે દિશામાંથી તે કમલ આવ્યું હતું તે દિશા તરફ ઝડપથી ચાલ્યો.વનમાં લાંબી રઝળપાટને અંતે તેણે એક રમણીય સરોવર જોયું,થાકેલો ભીમ તે સરોવરમાં ઉતરીને ગજરાજની જેમ ક્રીડા કરવા લાગ્યો.ને બહાર નીકળીને તે ફરીથી ચાલવા લાગ્યો ને પછી,તેણે શંખનાદ કર્યો ને સર્વ દિશાઓને ગજવી મૂકી.પર્વતની ગુફાઓમાં સુતેલા સિંહોએ પણ મોટી ગર્જનાઓ કરવા લાગી,ને એ સિંહનાદ સાંભળીને ગજરાજાઓએ પણ મહાગર્જના કરી જેથી આખો પર્વત ગાજી ઉઠ્યો.(64)


ગજવરોએ કરેલી તે ગર્જના સાંભળીને,હનુમાન કપિએ જાણ્યું કે ભીમસેન અહીં આવ્યો છે,તેથી 'તે ભીમ રખેને આ માર્ગ પર જાય' એમ વિચારીને તેમણે સ્વર્ગે જતો માર્ગ,પોતાના ભાઈ ભીમના ભલા માટે રોકીને,એક નાકાવાળા માર્ગે બેઠા ને સાંકડા માર્ગને રોકી રહ્યા.'ભીમને અહીં રખે ને શાપ કે અપમાન લાગે' એમ વિચારી કેળના વનની વચ્ચે બેઠેલા મહાકાય હનુમાનજીને બગાસાં આવવા લાગ્યા તેથી તેમણે ઇન્દ્રવજ્રના જેવા અવાજો કરીને પોતાના પુંછડાને પછાડવા માંડ્યું.જેનો અવાજ ગજરાજોની ગર્જનાને ઢાંકી દઈને શિખરોમાં પ્રસરાઈ ગયો.

તે સાંભળીને ભીમસેન તે અવાજને ખોળવા કેળના વનમાં ઘુમવા લાગ્યો.ત્યાં તેણે એક શિલા પર વાનરોના અધિપતિને બેઠેલા જોયા.તે વીજળીના ઝબકારા જેવા ને સામે જોવાય તેવા ન હતા.તેમનો વર્ણ પીળો હતો, વીજળીના પડવા જેવો તેમનો અવાજ હતો ને વીજળીના ચમકારા જેવી તેમની ચપળતા હતી.(76)


તેમની કાયા ભરાવદાર ખભાઓવાળી હતી,કેડનો મધ્યભાગ પાતળો હતો.માથાથી ઊંચી ગયેલી,તેમની રુવાંટીવાળી પૂંછ ધજાની જેમ શોભી રહી હતી.તેમના ઓઠ ટૂંકા હતા,તેમનાં મોં અને જીભ લાલ હતા,

તેમની ભમ્મર ચંચળ હતી,તેમની દાઢ અને દાંત ઉજળા,તીક્ષ્ણ ને અણિયાળા હતા.ઉજ્જવળ દાંતોથી શોભી રહેલું તેમનું મોં,ભીમસેનને કિરણવાળા ચંદ્ર જેવું જણાયું.ઝળહળતા દેહથી તે અગ્નિ જેવા જણાતા હતા.મધ જેવા લોચનોથી તે જાણે,શત્રુનાશન ભીમને જોઈ રહ્યા હતા.ભીમે નજીક જઈને ઊંચો નાદ કર્યો.


ત્યારે હનુમાનજીએ પોતાની આંખો વધુ ખોલીને અવજ્ઞાપૂર્વક ભીમ સામે જોઈને કહ્યું કે-હું રોગથી પીડાયેલો શાંતિથી સૂતો હતો,તો તેં મને શા માટે જગાડ્યો?તારા જેવા જાણકારે તો પ્રાણીઓ પર દયા રાખવી જ જોઈએ.મને લાગે છે કે તું ધર્મ જાણતો નથી,અલ્પબુદ્ધિ એવા તેં પંડિતોની સેવા કરી નથી લાગતી.કહે,કે તું કોણ છે? ને મનુષ્યોથી રહિત એવા વનમાં તું શા માટે આવ્યો છે? તારે ક્યાં જવું છે? આ પર્વત અગમ્ય છે તેના પર ચડી શકાય તેમ નથી.સિદ્ધગતિ વિના બીજી કોઈ ગતિથી ત્યાં જવાય તેમ નથી,આ દેવલોકનો માર્ગ છે ને મનુષ્યો માટે અગમ્ય જ છે.કરુણાને લીધે હું તને અહીં અટકાવું છું,મારુ કહ્યું તું સાંભળ,અહીંથી આગળ તારાથી જઈ શકાશે નહિ.તું અટકી જા.અહીં તારું સ્વાગત છે,આ ફળ મૂળો ખાઈને તું અહીંથી પાછો ફર (96)

અધ્યાય-૧૪૬-સમાપ્ત