Mar 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-457

 

અધ્યાય-૧૬૭-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ 


II वैशंपायन उवाच II यथागतं गते शक्रे भ्रातृभिः सः संगतः I कृष्णया चैव विभत्सुर्धर्मपुत्र पुजयत्  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,ઇન્દ્ર પોતાના સ્થાને પાછા ગયા,પછી,અર્જુને પોતાના ભાઈઓ ને દ્રૌપદી સાથે,ધર્મરાજ યુધિષ્ઠિરની પૂજા કરી.ધર્મરાજે વંદન કરતા તે અર્જુનના માથાને સુંઘયું ને પ્રસન્ન મનથી હર્ષથી ગદગદ થયેલી વાણીમાં તેને પૂછ્યું કે-'હે અર્જુન,સ્વર્ગમાં તારો સમય કેવી રીતે પસાર થયો હતો?તું કેવી રીતે અસ્ત્રો પ્રાપ્ત કરી શક્યો? તેં દેવરાજ ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? તે પિનાકપાણી શંકરના કેવી રીતે દર્શન કર્યા ને કેવી રીતે તેમના અસ્ત્રોની પ્રાપ્તિ થઇ? તેં શી રીતે દેવોને આરાધ્યા? ઈન્દ્રનું તેં કયું પ્રિય કાર્ય કર્યું છે? આ બધું તું મને કહે (8)

અર્જુન બોલ્યો-તમારી કહેલી વિદ્યાનું અધ્યયન કરીને હું કામ્યક વનમાંથી નીકળીને ભૃગુતુંગે ગયો,ને ત્યાં તપશ્ચર્યા કરી,ત્યાંથી આગળ જતાં રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો તેણે મને પ્રસન્ન થઇને કહ્યું કે -તું તપમાં સ્થિર રહેજે,ટૂંક સમયમાં જ તું ઇંદ્રનાં દર્શન પામીશ' તેના વચનને માન્ય રાખીને હું હિમાલય પર ચડ્યો ને તપ કરવા લાગ્યો.

પહેલે મહિને મેં કંદમૂળનો આહાર કર્યો,બીજો મહિનો માત્ર પાણી પીને ને ત્રીજે મહિને હું નિરાહાર રહ્યો.

ચોથે માસે હું હાથ ઊંચો રાખીને ઉભો રહ્યો હતો.ને આમ છતાં મારો પ્રાણ જરા પણ દુર્બળ થયો નહોતો.


પાંચમા મહિનાના પ્રથમ દિવસે,મેં એક વરાહરૂપી પ્રાણીને દીઠું.તેની પાછળ એક ભીલના જેવા વેશવાળો પુરુષ ઉભો હતો.જેણે ધનુષ્ય,બાણ ને તલવાર ધારણ કર્યા હતા.સ્ત્રીઓનો સમૂહ તેની પાછળ ઉભો હતો.

મેં તે અદ્ભૂત વરાહ પર બાણનો પ્રહાર કર્યો તે જ વખતે તે કિરાતે (ભીલે) પણ તેના પર બાણનો પ્રહાર કર્યો.

ને તે મને કહેવા લાગ્યો કે-'આને મારવાનો મેં પ્રથમથી જ નિશ્ચય કર્યો હતો તો તેં મૃગયાનો ધર્મ છોડીને તેને શા માટે માર્યો? હું તારા ગર્વને  મારા તીવ્ર બાણોથી હણી નાખું છું.' આમ કહી તેણે મને બાણોથી ઢાંકી દીધો.


હું પણ,તેના પર પુષ્કળ બાણો વરસાવવા લાગ્યો ને તેને વીંધવા લાગ્યો.તે વખતે તે કિરાતનાં સેંકડો સ્વરૂપો પ્રગટયાં,કે જેને હું વીંધવા લાગ્યો,ઘડીઘડીમાં તેનાં સ્વરૂપો અનેક ને એક થતાં હતાં ને તે મારા પર હુમલો 

કરતો હતો.હું એને બાણોથી પહોંચી શક્યો નહિ,એટલે મેં વાયવ્યાસ્ત્ર છોડ્યું,પણ તે અસ્ત્ર પાછું ફર્યું.

મારા સર્વ અસ્ત્રો નિષ્ફળ ગયા ત્યારે મેં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો.પણ તેને પણ તે કિરાતે નિષ્ફળ કર્યું.


મારા સર્વ અસ્ત્રોનો ઘાણ નીકળી ગયો ત્યારે અમારી વચ્ચે બાહુયુદ્ધ શરુ થયું.પણ તેને હું પહોંચી શક્યો નહિ ને બેભાન થઈને જમીન પર પડી ગયો.ત્યારે તે કિરાત હસીને ત્યાંથી અલોપ થઇ ગયો.તે કિરાતના રૂપને ધરીને 

મારી સાથે યુદ્ધ કરીને અંતર્ધાન થયેલા તે ભગવાન શંકરે હવે પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું ને 

મને દર્શન આપ્યા,ને મારા ધનુષ્ય ને બાણના ભાથાં પાછા આપીને બોલ્યા કે-હે પરંતપ,હું સંતુષ્ટ થયો છું,

હું તારા પર પ્રસન્ન છું,તું વરદાન માગી લે.એક અમરપદ છોડીને તું તારા મનની જે ઈચ્છા હોય તે મને કહે'


ત્યારે અસ્ત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી,મેં બે હાથ જોડીને કહ્યું કે-'આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો કે દેવો પાસે જે કોઈ અસ્ત્રો છે તે સર્વનું હું જ્ઞાન પ્રાપ્ત કરી શકું' ત્યારે ભગવાન ત્ર્યંમ્બકે કહ્યું કે-

'તે હું આપીશ,ને હે પાંડવ મારું રૌદ્રાસ્ત્ર તારી સેવામાં રહેશે' આમ કહીને તેમણે પ્રસન્ન થઈને મને પાશુપતાસ્ત્ર આપ્યું.ને કહ્યું કે-તારે આ અસ્ત્રનો પ્રયોગ ક્યારે ય મનુષ્યો પર ન કરવો કેમ કે અલ્પ તેજવાળા ઉપર તેનો પ્રયોગ કરવામાં આવે તો તે આખા જગતને બાળી નાખે છે.તને જયારે અત્યંત પીડવામાં આવે ત્યારે અસ્ત્રોને રોકવામાં તેનો ઉપયોગ કરી શકાય' 


આમ શિવજી પ્રસન્ન થયા,એટલે કદી પાછું ન આવનારું,સર્વ અસ્ત્રોને અટકાવનારું,શત્રુઓને ઉખેડી નાખનારું,

દેવો,દાનવો ને રાક્ષસોને અસહ્ય એવું અજિત પાશુપતાસ્ત્ર મૂર્તિમંત થઈને મારી પાસે આવ્યું.

અને તે ભગવાન મારા દેખતાં જ ત્યાંથી અંતર્ધાન થયા.(57)

અધ્યાય-૧૬૭-સમાપ્ત