Mar 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-472

 

અધ્યાય-૧૮૬-તાક્ષર્ય અને સરસ્વતીનો સંવાદ 


 II मार्कण्डेय उवाच II अत्रैव च सरस्वत्या गीतं परपुरंजय I पुष्टया मुनिना वीर शृणु ताक्षर्येण धीमता II १ II

માર્કંડેય બોલ્યા-હે શત્રુનગરના વીર વિજેતા,આ સંબંધમાં બુદ્ધિમાન તાક્ષર્ય મુનિના 

પૂછવાથી સરસ્વતીએ જે કહ્યું હતું તે તમે સાંભળો.

તાક્ષર્યે સરસ્વતીને પૂછ્યું-'હે ભદ્રા,આ લોકમાં પુરુષનું શું શ્રેયસ્કર છે?શું કરવાથી તે ધર્મથી ભ્રષ્ટ ન થાય?

હું કેવી રીતે અગ્નિમાં હોમ કરું?કયે સમયે પૂજન કરું?શું કરવાથી મારો ધર્મ નાશ ન પામે? 

આ બધા વિશે તમે મને કહો,તે મુજબ કરીને હું શુભ લોકોમાં સંચરું (3)

સરસ્વતી બોલ્યા-જે બ્રાહ્મણ,દેવયાન માર્ગથી મળતા બ્રહ્મને જાણે છે,જે સ્વાધ્યાયપરાયણ છે,જે શુદ્ધ છે અને 

જે આળસરહિત છે તે દેવલોકથી પણ આગળના લોકમાં જાય છે ને દેવોની પ્રીતિ ને દેવોના ભોગને પામે છે.

ગાયનું દાન કરનાર ઉત્તમલોકને પામે છે,બળદનું દાન કરનાર સૂર્યલોકમાં જાય છે,વસ્ત્રોનું દાન કરનાર ચંદ્રલોકને પામે છે અને સુવર્ણનું દાન કરનાર અમરત્વને પામે છે.જે નિયમપરાયણ અને સાધુ મનુષ્ય સાત વર્ષ સુધી અગ્નિમાં હવ્ય હોમે છે તે પોતાના કર્મો વડે પોતાની સાથે પોતાના કુળના સાત પાછલા પુરુષોનો ઉદ્ધાર કરે છે.(16)


તાક્ષર્ય બોલ્યો-હે દેવી,અગ્નિહોત્રના સનાતન વેદોક્ત નિયમો શા છે? તે તમે મને કહો 

સરસ્વતી બોલ્યા-જે મનુષ્ય અપવિત્ર છે,જે વેદનો જાણનાર નથી અને વેદાર્થનો અનુભવી નથી તેણે અગ્નિમાં હોમ ન કરવો કેમ કે પવિત્રતાની ઈચ્છા રાખનારા દેવો અશ્રદ્ધાળુઓએ આપેલી આહુતિ સ્વીકારતા નથી.દેવોને હવ્ય આપવાના કાર્યમાં અશ્રોત્રિયને યોજવો નહિ કેમ કે તેવો પુરુષ જે હોમ કરે છે તે વ્યર્થ જ જાય છે.

જે બ્રાહ્મણના કુળ તથા શીલ વિષે માહિતી ન મળતી હોય,તેને વેદ અશ્રોત્રિય કહે છે.તેણે હોમ ન કરવો.

જેઓ,ધન વગેરેના ગર્વથી રહિત.સત્યવ્રતી,શ્રદ્ધાભર્યા ને હોમ કર્યા પછી બાકી રહેલું જમનારા છે તેઓ ગોલોકમાં જઈને બ્રહ્મનાં દર્શન પામે છે ને સત્ય બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે.(20)


તાક્ષર્ય બોલ્યો-હે દેવી,તમે પરલોકના ભાવો સંબંધમાં ક્ષેત્રજ્ઞ આત્મા જેવાં છો,કર્મના ફળ સંબંધમાં 

તમારી બુદ્ધિ ઊંડી ઉતરેલી છે,તમે પ્રજ્ઞાદેવી લાગો છો,તો હે સુંદર રૂપવાળાં તમે કોણ છો?


સરસ્વતી બોલ્યાં-અગ્નિહોત્રાદિ સત્કર્મથી પ્રગટ એવી હું પરાપર વિદ્યારૂપી સરસ્વતી છું.શ્રેષ્ઠ બ્રાહ્મણોના સંશયો છેદવાને હું આવી છું.હું શ્રદ્ધાભાવથી રહેનારી છું,તેથી મેં તને બ્રાહ્મણનો સાચો અર્થ બરાબર કહ્યો છે.

ઋત્વિજો,યજ્ઞોમાં જે શ્રેષ્ઠ ઉપાસનાઓ કરે છે ને વનસ્પતિ,લોહ ને પૃથ્વી સંબંધી જે શ્રેષ્ઠ પદાર્થોનો ઉપયોગ કરે છે,તેથી હું વૃદ્ધિ પામું છું,તૃપ્ત થાઉં છું ને રૂપાળી બનું છું.મારી દિવ્ય પ્રજ્ઞાથી તારી સિદ્ધિ છે એમ તું જાણ.


તાક્ષર્ય બોલ્યો-આત્મરૂપ જ પરમશ્રેષ્ઠ છે એમ માનીને ધૈર્યવાળા મુનિઓ શ્રદ્ધા રાખી,ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને શોકાતીત તથા પરમશ્રેષ્ઠ એવા મોક્ષને પામે છે,તે વિશે તમે કહો કેમ કે જે સાંખ્ય ને યોગ શાસ્ત્રના વેત્તાઓ પરમતત્વને પુરાતન અને પરમ શ્રેષ્ઠ જાણે છે તેને હું જાણતો નથી (26)


સરસ્વતી બોલ્યાં-સ્વાધ્યાય કરનારા તથા તપોધન એવા વેદવેત્તાઓ.વ્રતો,પુણ્યો તથા યોગો વડે જ પ્રસિદ્ધ પરબ્રહ્મને પામે છે.તે બ્રહ્મમાં પુણ્યગંધ (શબ્દ-આદિ વિષયોવાળી)અને સહસ્ત્ર શાખાઓ (ભોગસ્થાનો)વાળી,

વેતસલતા (બ્રહ્માંડ) છે.તેના મૂળ (અવિદ્યા)માંથી મધુર પાણીના પ્રવાહો (ત્તૃપ્તિજનક ભોગો)વળી રમણીય સરિતાઓ (ભોગવાસનાઓ) સતત વહ્યા કરે છે ને તેના પ્રવાહ (માયા)માં પડેલા પુરુષને લપટાવે છે.

તેમાં ફસાયા વગર જે પુરુષ તે પરબ્રહ્મનું શ્રેષ્ઠ યજ્ઞોથી યજન કરે છે તે જ તેને પામે છે (30)

અધ્યાય-૧૮૬-સમાપ્ત