Apr 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-474

 

અધ્યાય-૧૮૮-યુગવર્ણન ને માર્કંડેયને માયાદર્શન 


II वैशंपायन उवाच II ततः स पुनरेवाय मार्कण्डेयं यशस्विनम् I प्रप्रच्छ विनयोपेतो धर्मराजो युधिष्ठिरः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે વિનયસંપન્ન યુધિષ્ઠિરે,યશસ્વી માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-હે મહામુનિ,તમે સહસ્ત્રયુગોના અંતો જોયા છે,વળી આ લોકમાં તમારા જેવો કોઈ આયુષ્યમાન પણ દેખાતો નથી.હે વિપ્ર,જયારે આ લોક દેવ,દાનવ ને આકાશથી વિહીન થાય છે,ત્યારે પ્રલયકાળે તમે જ બ્રહ્મને ઉપાસો છે ને પ્રલય પછી તે પિતામહ જાગ્રત થાય છે ત્યારે તમે એક જ આ લોકમાં સર્જાતાં સર્વ ભૂતો ને સૃષ્ટિને જુઓ છો.બ્રહ્માના પ્રસાદથી મૃત્યુ ને જરા તમારા શરીરમાં પેસતાં નથી.સૃષ્ટિનો લય ને ઉત્પત્તિ એ તમારી પ્રત્યક્ષમાં થયો જેનો તમે એકલાએ જ અનુભવ કર્યો છે.સર્વલોકમાં કશું પણ તમારાથી અજાણ્યું નથી,આથી તે સર્વ કથા હું સાંભળવા ઈચ્છું છું.(16)

માર્કંડેય બોલ્યા-હે રાજન,સ્વયંભૂ,પૂર્ણ,નિત્ય,અવ્યક્ત,નિગુણ એવા પરમાત્માને વંદન કરીને હું તમને તે કથા કહીશ.

તે તમે સાંભળો.આ પીતાંબરધારી જનાર્દન તે જ પરમાત્મા છે,તે જ વિવિધરૂપી જગતના કર્તા  છે,

પ્રાણીઓના આત્મા છે,અચિંત્ય એવા પ્રભુ છે,મહાઆશ્ચર્યરૂપ ને પવિત્ર છે એમ કહેવાયું છે.

એ આદિઅંતથી રહિત છે,ભૂતરૂપ છે,વિશ્વરૂપ છે,અવ્યય ને અક્ષય છે.એ કર્તા છે પણ તેમનો કોઈ કર્તા નથી.

પુરુષાર્થમાં એ કારણરૂપ છે,આ પુરાણપુરુષ જે જાણે છે તે વેદો પણ જાણતા નથી.સમગ્ર જગતનો ક્ષય થતાં,આ આદિપુરુષમાંથી જ આ સર્વ આશ્ચર્યમય જગત ફરી પ્રગટ્યું છે.


સત્યયુગને ચાર હજાર વર્ષનો કહ્યો છે.ને તેનો સંધિકાળ અને સંધ્યાશ ચારસો ચાસસો દેવ વર્ષના છે.પછી,

ત્રેતાયુગ ત્રણહજાર દેવવર્ષનો કહેવાય છે,તેનો સંધિકાળ અને સંધ્યાશ ત્રણસો ત્રણસો દેવવર્ષના છે.

એ પછી,દ્વાપરયુગ બેહજાર દૈવીવર્ષનો છે,ને તેનો તેનો સંધિકાળ અને સંધ્યાશ બસો બસો દૈવીવર્ષના છે.

કળિયુગ એક હજાર દેવતાઈ વર્ષનો છે તેનો તેનો સંધિકાળ અને સંધ્યાશ સો સો દેવતાઈ વર્ષના છે.

કળિયુગ ક્ષીણ થતા ફરી સત્યયુગ આવે છે.આમ બાર હજાર દેવવર્ષોનો એક દેવયુગ મેં તમને કહ્યો.


એક હજાર યુગને બ્રહ્માનો એક દિવસ કહ્યો છે,ને બ્રહ્માનો આ એક દિવસ પુરો થતા વિશ્વમાંથી બધું જ પરિવર્તન પામે છે જેને પંડિતો પ્રલય કહે છે.જયારે હજાર વર્ષની સંખ્યાવાળા કળિયુગનો અંતનો થોડો સમય બાકી રહે છે ત્યારે સર્વ મનુષ્યો સામાન્ય રીતે જુઠ્ઠું બોલવા લાગે છે,યજ્ઞ,દાન વ્રતપ ગૌણ વિધિથી થવા માંડે છે,બ્રાહ્મણો શૂદ્રનાં કર્મો કરવા લાગે છે.બ્રાહ્મણો જપને ત્યજે છે તો શુદ્રો જપમાં પરાયણ થાય એવી વિપરીતતા આવે એ પ્રલયનું પૂર્વરૂપ છે.પૃથ્વી પર મ્લેચ્છ રાજાઓ થાય છે,જે પાપી ને અસત્યપરાયણ હોય છે ને અધર્મથી રાજ્ય કરે છે.

બ્રાહ્મણ સ્વધર્મથી આજીવિકા ચલાવતો નથી,ને ક્ષત્રિયો ને વૈશ્યો સ્વકર્મને છોડીને નિષિદ્ધ કર્મો કરે છે.


ત્યારે મનુષ્યો,અલ્પાયુષી,ઓછા બળવાળા,ઓછા પરાક્રમવાળા,અલ્પ દેહવાળા અને અલ્પ સત્યવાદી હોય છે.

જયારે ગામની વસ્તી ખુબ સૂની પડે છે ને દિશાઓ પશુઓ ને સર્પોથી ભરાઈ જાય છે ત્યારે યુગનો અંત આવે છે.

ત્યારે સુગંધવાળા સર્વ પદાર્થો સુગંધ ખોઈ બેસે છે,ને રસવાળા પદાર્થો સ્વાદવાળા રહેતા નથી,યુગનાશના સમયે સૌ મનુષ્યો થોકબંધ સંતતિવાળા થાય છે,ટૂંકા દેહવાળા થાય છે,શીલ ને આચારથી રહિત બને છે,

ત્યારે પોતાના મુખેથી સ્ત્રીઓ,ભગસંબંધી (મૈથુનની) વાતો કરે છે (41) યુગનાશના સમયે રાંધેલાં અન્નનાં બજાર મંડાય છે,વેદની દુકાનો ચાલે છે,સ્ત્રીઓ પોતાના દેહનાં વેચાણ કરે છે,ગાયો ઓછાં દૂધ આપે છે,વૃક્ષો અલ્પ ફળો આપે છે,ને કાગડાઓ ખુબ વધી પડે છે (43) બ્રાહ્મણો,બ્રહ્મહત્યાના પાપવાળા રાજાઓ પાસેથી દક્ષિણાઓ લે છે.


ત્યારે ગૃહસ્થાશ્રમીઓ કરભારથી ભયભીત થઈને ચોરી કરશે,સાધુઓના ખોટા વેશ લેશે,અર્થના લોભથી બ્રાહ્મણો મિથ્યા વેશો કરીને ખોટા બ્રહ્મચારીઓ થશે.આશ્રમોમાં સર્વ લોકો મિથ્યા આચારવાળા થશે,મદ્યપાન કરશે ને ગુરુપત્ની સાથે ગમન કરશે,ને આશ્રમો પાખંડોથી ઉભરાઈ જશે.ઇન્દ્ર યોગ્ય ઋતુએ જળવૃષ્ટિ કરશે નહિ તેથી બીજો બરાબર ઉગશે નહિ,સર્વ મનુષ્યો હિંસામાં પ્રીતિવાળા થશે,ને તેમને અધર્મનું ફળ સારું લાગશે.

ત્યારે જે ધર્મિષ્ઠ હશે તે અલ્પઆયુ હશે એમ માનવું.કેમકે ત્યારે કોઈ ધર્મ હશે જ નહિ.


વેપારીઓ કપટ કરશે,પાપીજનો વૃદ્ધિ પામશે,ધર્મનું બળ ઘટશે ને અધર્મનું બળ વધશે ધર્મિષ્ઠ મનુષ્યો દરિદ્ર થશે ને અધર્મીઓ સમૃદ્ધ ને દીર્ઘાયુષી થશે.થોડો ધનસંગ્રહ થતાં મનુષ્યોમાં શ્રીમંતાઈનો મદ ભરાશે,પારકું ધન હરી લેવાના વ્યવસાયો થશે.ત્યારે સાત-આઠ વર્ષની છોકરીઓ ગર્ભ ધારણ કરશે અને દશ-બાર વર્ષના છોકરાઓ પુત્રોત્પાદન કરશે.પુરુષોને સોળમે વર્ષે માથે ધોળા વાળ આવી જશે ને આવરદા ટૂંકી થઇ જશે.તરુણોનો સ્વભાવ વૃદ્ધો જેવો ને વૃદ્ધોનો સ્વભાવ તરુણો જેવો થશે.સ્ત્રીઓ દુષ્ટ ને વિપરીત સ્વભાવ ને આચારવાળી થશે.

તેઓ પતિને છેતરીને દાસો તથા પશુઓ સાથે સંગ કરશે,પરપુરુષને સેવી વ્યભિચારી થશે,


ત્યારે અનેક વર્ષો સુધી અનાવૃષ્ટિ થશે,ને ભૂખ્યાં પ્રાણીઓ પૃથ્વીમાં પ્રલય પામશે.સાત સૂર્યો,સર્વ જળ પી જશે,

ને પછી અગ્નિ,વાયુ સાથે પ્રવેશ કરીનેપૃથ્વીને ભેદી રસાતલમાં પેસી,દેવો,દાનવો ને યક્ષોને ભય ઉપજાવશે.

અગ્નિ.પૃથ્વી પર ને પૃથ્વી નીચે જે કંઈ છે તે સર્વને ભસ્મ કરી દેશે.પછી મેઘો આકાશમાં ચડી આવશે ને જેનાથી આ પૃથ્વી પાણીમાં તળબોળ થઇ જશે.બ્રહ્માનો આદેશ પામેલા તે મેઘો બાર વર્ષ સુધી સતત જલધારાઓ ચલાવશે,પછી તે વાયુનો આઘાત પામીને એકાએક નાશ પામશે.પછી બ્રહ્મા તે ઘોર વાયુને પી જઈને શયન કરશે.


હે મહિપાલ,આમ તે સમુદ્રમાં,જયારે સર્વ ડૂબી ગયું હતું,ત્યારે હું એકલો જ આ લોકમાં તે સમુદ્રમાં પછાડ ખાતો તરતો રહ્યો હતો.તે સમુદ્રમાં કોઈ કે કશું પણ દેખાતું નહોતું,હું વ્યાકુળ થયો હતો ને થાક પણ લાગ્યો હતો.

ત્યારે એક વખતે મેં તે વિશાલ જળસમૂહમાં એક અતિ મહાન વટવૃક્ષ જોયું,કે જેની ડાળમાં એક પલંગ હતો ને તેના પર એક દિવ્ય બિછાનું પાથરેલું હતું.ને પદ્મ જેવા વિશાળ નયનવાળો એક બાળક તેમાં બેઠો હતો.

મને અતિ આશ્ચર્ય થયું.હું ભૂત,ભવિષ્ય,વર્તમાનને જાણતો હતો પણ ચિંતન કર્યા છતાં તેને ઓળખી શક્યો નહિ.


તે શ્રીવત્સધારીએ મને કહ્યું કે-'હે માર્કંડેય,હું જાણું છું તું થાકી ગયો છે ને વિશ્રાંતિ ઈચ્છે છે,તો તું મારા શરીરમાં પ્રવેશીને તારી ઇચ્છામાં આવે ત્યાં સુધી હું બેસ.મેં તારા પર કૃપા કરી,તારા માટે આ વાસ નક્કી કર્યો છે'

પછી તે બાળકે એકાએક પોતાનું મોઢું પહોળું કર્યું અને હું દૈવસંયોગે પરવશતાએ તેના મુખમાં દાખલ થયો.

તેના પેટમાં મેં સમગ્ર પૃથ્વી ને સમગ્ર બ્રહ્માંડ જોયું.દેવો,દાનવો મનુષ્યો,પ્રાણીઓ,પર્વતો,નદીઓ,સૂર્ય,ચંદ્ર,તારાઓ,

આદિ સર્વ તેના ઉદરમાં સમાયેલું હતું,હું સતત દોડતો રહ્યો પણ તેનો છેડો પામી શક્યો નહિ,એટલે હું મન અને કર્મથી વિધિપૂર્વક તે શ્રેષ્ઠ દેવને શરણે ગયો,ત્યાં તો હું તેમના ખુલ્લા મુખમાંથી બહાર આવી પડ્યો.(123)


તે બાળકે પ્રસન્ન મુખે જાણે હસતા હોય તેમ મને કહ્યું કે-તમે મારા શરીરમાં રહ્યા તેથી થાકી ગયા કે શું?'

ત્યારે મેં વિનયપૂર્વક તે કમલલોચન,શ્રીવત્સધારી દેવને બે હાથ જોડીને નમસ્કાર કરી કહ્યું કે-હે દેવ,હું તમને અને તમારી આ ઉત્તમ માયાને જાણવા ઈચ્છું છું.તમારા શરીરમાં મેં સર્વ જગતને જોયું,તમારી કૃપાથી મારી સ્મૃતિ મને છોડી ગઈ નહોતી,હવે તમારી ઈચ્છા ને મારી અનિચ્છાથી હું બહાર આવ્યો છું,તો હું તમને જાણવા ઈચ્છું છું.


આપ આ સર્વ જગતનું પાન કરીને અહીં,સાક્ષાત બાળક થઈને કેમ રહયા છો? શા માટે સમગ્ર જગત તમારા  શરીરમાં રહ્યું છે? તમે કેટલા કાળ સુધી અહીં રહેશો?એ સર્વ હું તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું.

કેમ કે પ્રભુ,મેં ત્યાં જે કંઈ જોયું હતું તે મહાન અને અકલ્પ્ય હતું.માટે કૃપા કરીને મને કહો'


આ પ્રમાણે મેં એ મહાદ્યુતિવાળા દેવાધિદેવને કહ્યું એટલે વક્તાઓમાં શ્રેષ્ઠ એવા 

તે શ્રીમાન પ્રભુએ મને સાંત્વન આપતાં નીચેનાં વાક્યો કહ્યાં/(143)

અધ્યાય-૧૮૮-સમાપ્ત