Apr 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-475

 

અધ્યાય-૧૮૯-વિષ્ણુએ પોતાનું સ્વરૂપ કહ્યું 


II देव उवाच II कामं देवापि मां विप्र नहि जानंति तत्वतः I त्वत्प्रिया तु प्रवक्ष्यामि यथेदं विसृजाम्यहम् II १ II

દેવ બોલ્યા-હે વિપ્ર,દેવો પણ મને યથાર્થ રૂપે જાણતા નથી,તારા પર પ્રીતિને લીધે હું કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કરું છું

તે તને કહું છું.પૂર્વે મેં જળને 'નારા' એવું નામ આપ્યું છે,અને આ 'નારા' મારુ સદૈવનું 'અયન' (આશ્રય સ્થાન) છે

આથી હું 'નારાયણ' કહેવાયો છું (3) આમ હું નામે નારાયણ છું,હું સકળ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છું,

સનાતન છું,અવિનાશી છું,પ્રાણીમાત્રનો વિધાતા ને સંહર્તા છું.હું જ વિષ્ણુ ને હું જ બ્રહ્મા છું.

હું જ ઇન્દ્ર છું,હું જ કુબેર છું,હું જ યમ છું,હું જ શિવ છું,સોમ છું,ને હું જ કશ્યપ છું.

હું ધાતા ને વિધાતા છું,હું યજ્ઞો છું,અગ્નિ મારુ મુખ છે,પૃથ્વી મારા પગ છે,સૂર્ય-ચંદ્ર મારા લોચન છે,સ્વર્ગ મારુ મસ્તક છે,આકાશ-દિશાઓ મારા કાન છે ને જળ મારા પરસેવાથી ઉત્પન્ન થયું છે.દિશાઓ સાથેનું આકાશ મારી કાયા છે ને વાયુ મનમાં રહ્યો છે.વેદવેત્તા બ્રાહ્મણો દેવયજ્ઞમાં મને જ યજે છે,ક્ષત્રિયો ને વૈશ્યો,સ્વર્ગની આકાંક્ષાથી મારુ જ યજન કરે છે.આ વસુધાને હું શેષનાગનું રૂપ લઈને ધારણ કરું છું.પૂર્વે આ પૃથ્વી જળમાં ડૂબી ગઈ હતી ત્યારે મેં વરાહરૂપ ધારણ કરીને તેનો ઉદ્ધાર કર્યો હતો.હું વડવામુખ અગ્નિરૂપ થઇ નિત્ય પાણીને પી જાઉં છું ને તે પાણીને પાછાં છોડી મુકું છું.બ્રાહ્મણ મારુ મુખ છે,ક્ષત્રિયો મારા બાહુ છે,વૈશ્યો મારી જાંઘ છે ને શુદ્રો મારા પગ છે.


ઋગ્વેદ,સામવેદ,યજુર્વેદ તથા અથર્વવેદ,ક્રમપૂર્વક ને કોઈક વાર ક્રમ વિના પણ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.

આકાશમાં જે તારાઓ છે તે મારાં રુંવાંનાં છિદ્રો છે ને કામ,ક્રોધ,હર્ષ,ભય ને મોહ એ મારાં રૂંવાડાં છે એમ તું જાણ.

સમુદ્રો,ને દિશાઓ મારાં વસ્ત્ર,શયન ને નિવાસ છે.હે વિપ્ર,સત્ય,દાન,તપ,અહિંસા ને ઉત્તમ કર્મ કરવાથી મનુષ્યોને જે પ્રાપ્ત થાય છે તે હું જ છું.મનુષ્યો મારા વિધાનથી જ સર્જાય છે ને મારા જ શરીરમાં વિહાર કરે છે.ને મારી ઈચ્છાથી જ ચેષ્ટા કરે છે.(તેમની પોતાની ઈચ્છાથી નહિ).જે ખરાબ કર્મ કરનારા છે,જેઓ લોભથી ઘેરાયેલા છે,જેઓ કૃપણ છે ને અસંસ્કારી ચિત્તવાળા છે તેઓ મને પામી શકતા નથી.


જયારે જયારે ધર્મની ગ્લાનિ થાય છે ને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતે અવતાર ધારણ કરું છું.

સત્યયુગમાં મારો વર્ણ શ્વેત,ત્રેતામાં પીળો,દ્વાપરમાં લાલ ને કળિયુગમાં કાળો હોય છે.

કળિયુગમાં અધર્મના ત્રણ ભાગ હોય છે,અંતકાળ આવે છે ત્યારે હું દારુણ કાળ થાઉં છું અને હું એકલો જ આ સમસ્ત ત્રૈલોક્યનો નાશ કરું છું.હું ત્રણ માર્ગ (સર્જન-સ્થિતિ-સંહાર)વાળો છું,વિશ્વાત્મા છું ને સર્વલોકને સુખ દેનારો છું,હું સર્વત્ર પ્રગટ થનારો ને સર્વવ્યાપી છું,અનંત છું,ઇન્દ્રિયોનો અધિપતિ છું ને મહાન ગતિવાળો છું.

સર્વ પ્રાણીઓને શાંત કરનારા તથા ઉદ્યમમાં રાખનારા રૂપરહિત કાળચક્રને હું એકલો જ ફેરવ્યા કરું છું.


મારો આત્મા સર્વ પ્રાણીઓમાં સારી રીતે વ્યાપ્ત છે પણ કોઈ મને જાણતું નથી,ભક્તો મને સર્વ પ્રકારે પૂજે છે.

હે દ્વિજ,મારા ઉદરમાં તને જે કંઈ ક્લેશ પ્રાપ્ત થયો છે તે તારા કલ્યાણ માટે જ છે.તેં જે જોયું એ સર્વથા મારા ભૂતભવન આત્મા રૂપ જ છે.મારુ અર્ધું શરીર બ્રહ્મારૂપે છે,ને હું શંખ,ચક્ર ને ગદા ધારણ કરનાર નારાયણ છું.

જ્યાં સુધી,એક સહસ્ત્ર યુગોનાં પરિવર્તન થાય છે,ત્યાં સુધી હું સર્વ ભૂતોને મોહમાં નાખીને શયન કરું છું.

જ્યાં સુધી બ્રહ્મદેવ જાગતા નથી ત્યાં સુધી હું શિશુરૂપ લઈને અહીં રહું છું.


હે વિપ્ર,મેં જ તને અનેકવાર પ્રસન્ન થઈને બ્રહ્મારૂપે વરદાન આપ્યું છે.આ સમગ્ર જગતનો નાશ જોઈને તું વ્યાકુળ થયો એટલે મેં તને મારા શરીરમાં જગતનું દર્શન કરાવ્યું પણ અંદર તું વિસ્મય પામી ભાન ભુલ્યો એટલે મેં તને બહાર કાઢી નાખ્યો ને તારા કહેવાથી મેં આત્માનું તારી આગળ વર્ણન કર્યું છે.હવે બ્રહ્મા જાગે નહિ ત્યાંસુધી તું સુખ ને વિશ્વાસથી ફર્યા કર.તે જાગે પછી હું સર્વ જગતનું ફરીથી સર્જન કરીશ (49)


માર્કંડેય બોલ્યા-હે રાજન,આમ કહીને તે દેવ અંતર્ધાન થયા.તેમના વરદાનથી જ મારી સ્મૃતિ નાશ પામતી નથી,

તેમનાથી જ મારુ દીર્ઘાયુષ છે ને ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ છે.આ માધવ જ સર્વ ભૂતોના માતાપિતા છે 

માટે હે પાંડવો તમે તે શરણાગતવત્સલને શરણે જાઓ (57)


વૈશંપાયન બોલ્યા-માર્કંડેયના કહેવાથી પાંડવો ને દ્રૌપદીએ જનાર્દનને નમસ્કાર કર્યા,

ને સામે શ્રીકૃષ્ણે પણ તેમને માન આપ્યું અને મધુર વચનોથી તેમનું સાંત્વન કરવા લાગ્યા (59)

અધ્યાય-૧૮૯-સમાપ્ત