Apr 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-476

 

અધ્યાય-૧૯૦-કળિયુગમાં લોકોની સ્થિતિ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तु कौन्तेयो मार्कण्डेयं महामुनिम् I पुनः पप्रच्छ साम्राज्ये भविष्यां जगतो गतिम् II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્ર યુધિષ્ઠિરે ફરીથી,મહામુનિ માર્કંડેયને પોતાના સામ્રાજ્ય પછીની,ભાવિ જગતની સ્થિતિ વિશે પૂછતાં બોલ્યા કે-'હે શ્રેષ્ઠ મુનિ,યુગના આદિકાળમાં જગતની ઉત્પત્તિ ને સંહાર સંબંધી આશ્ચર્યકારક વૃતાંત અમે સાંભળ્યો,પણ હે ભાર્ગવ,એ કળિયુગમાં સર્વ ધર્મોના નાશનો ગોટાળો થઇ જશે તો પછી બાકી શું રહેશે?

મને ફરીથી કુતુહલ થાય છેકે તે યુગક્ષયને વખતે માનવોનું બળ કેવું હશે?તેમના આહાર વિહાર કેવા હશે?

તેમનું આયુષ્ય કેટલું હશે?કઈ સ્થિતિ આવ્યા પછી સત્યયુગ પાછો આવશે? (6)

માર્કંડેય બોલ્યા-હે રાજન,દેવાધિદેવની કૃપાથી સર્વ લોકોના ભવિષ્ય વિષે જે વૃતાંત મેં જાણ્યો છે તે સાંભળો.

સતયુગમાં સત્ય-આદિ ચાર ચરણવાળો શ્રેષ્ઠ ધર્મ મનુષ્યમાં રહે છે,ત્રેતાયુગમાં ધર્મનો એક ચરણ અધર્મને લીધે વીંધાઈ જાય છે,દ્વાપરયુગમાં બે ભાગ ધર્મ ને બે ભાગ અધર્મ સાથે રહે છે અને કળિ(તામસ)યુગમાં અધર્મ ત્રણ અંશોથી ઉભો રહે છે ધર્મનો માત્ર ચોથો ભાગ જ રહે છે,હવે હે રાજન,મનુષ્યોનાં આયુષ્ય,વીર્ય,બુદ્ધિ અને બળ એ યુગાનુસાર ઘટતાં રહે છે,ત્યારે સર્વ વર્ણના મનુષ્યો કપટ કરીને ધર્મ આચરશે.ધર્મની જાળ નાખી સોદા કરશે.

પોતાને પંડિત માનનારા મનુષ્યો લોકમાં સત્ય ઘટાડી દેશે ને આમ સત્યની હાનિ થવાથી મનુષ્યોની આવરદા ટૂંકી થશે.જેને લીધે તેઓ વિદ્યા પ્રાપ્ત કરી શકશે નહિ અને તેમને લોભ ઘેરી લેશે.


લોભ,ક્રોધ ને કામાસક્ત થયેલા તે મૂર્ખ માનવો એકબીજા સાથે વેર બાંધશે ને પરસ્પરને મારવા લાગશે.

બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્યો નીચ થશે ને નીચ મનુષ્યો ક્ષત્રિય-આદિ જેવા થશે.તે વખતે વસ્ત્રોમાં શણનાં વસ્ત્રો ને અનાજમાં કોદરા શ્રેષ્ઠ ગણાશે.પુરુષો પત્નીના ભક્ત થશે.માછલાંના માંસથી જીવિકા ચલાવશે ને ગાયોનો નાશ થવાથી ઘેટી ને બકરીને દોહશે.તે સમયે મનુષ્યો એકબીજાની વસ્તુઓ ચોરશે ને પરસ્પર હિંસા કરશે.

તેઓ જપ કરશે નહિ અને નાસ્તિક થશે.સરિતાના તીરે કોદાળીઓથી ધન્ય વાવશે ને તે પણ અલ્પ ફળ આપશે.

ભોજન વ્યવહારમાં મર્યાદા રહેશે નહિ.એકબીજાના શ્રાદ્ધો ને દેવકાર્યોનાં જમણ જમશે.


ત્યારે બ્રાહ્મણો,મિથ્યા તર્કવાદમાં મોહિત થઇ,વ્રતો આચરશે નહિ,વેદની નિંદા કરશે,યજ્ઞો કરશે નહિ ને વિષયોની જ ઈચ્છા કરશે.ત્યારે લોકો નીચી જમીન પર ખેતી કરશે,ગાયોને ને વાછરડાને પણ ધૂંસરીમાં જોતરશે 

પુત્ર,પિતૃવધ ને પિતા પુત્રવધ કર્યા છતાં મનમાં કોઈ ઉદ્વેગ કરશે નહિ,ને નિંદા પણ પામશે નહિ.

સર્વ જગત મ્લેચ્છોથી ઘેરાઈ જશે,યજ્ઞો થશે નહિ ને જગત આનંદહીન ને ઉત્સવરહિત થશે.

મનુષ્યો સ્વલ્પ વીર્યવાળા,જડ,લોભી,મોહમગ્ન ને કપટી આચારો રાખનારા ને દુષ્ટોનો સાથ કરનારા હશે.


હે કૌંતેય,તે યુગને અંતે,રાજાઓ પાપી બુદ્ધિના હશે,એકબીજાનો વધ કરવા તલપાપડ રહેશે ને મૂર્ખ હોવા છતાં પાંડિત્યનો ડોળ કરશે.તે લોકોને કંટકરૂપ થશે ને લોકોના રક્ષણકર્તા રહેશે નહિ.તેઓ લોભી થશે,માન ને અહંકારથી છકી જઈને માત્ર દંડમાં જ રુચિ રાખશે ને પરધનને હરી લેશે.યુગના અંતકાળે કોઈ કન્યાનું માગું કરશે નહિ,કે કન્યાનું દાન આપશે નહિ,કન્યા પોતે જ પોતાનો વર શોધી લેશે.પોતાને પંડિત માનનારા પુરુષોને કારણે લોકમાં સત્યનો સંકોચ થશે,ઘરડા બાળકના જેવી બુદ્ધિવાળા ને બાળકો વૃદ્ધોના જેવી બુદ્ધિવાળા થશે.(39)


ત્યારે કાયરો,પોતાને શૂરા માનશે ને શૂરાઓ કાયર થશે ને એકબીજાનો વિશ્વાસ રાખશે નહિ.યુગના અંતે સર્વ જગત લોભ ને મોહથી ભરાઈ જશે ને અધર્મ વૃદ્ધિ પામશે,ધર્મ તો ચાલશે જ નહિ.મનુષ્યોની વર્ણવ્યવસ્થા ખોરવાઈ જઈને એક શુદ્રવર્ણ જ રહેશે.પિતા,પુત્ર કોઈ એકબીજાને ક્ષમા આપશે નહિ,સ્ત્રી પતિની સેવા કરશે નહિ.

સ્ત્રી-પુરુષો સ્વેચ્છાચારી થશે ને એકબીજાને સહન કરી લેશે નહિ.કોઈ કોઈનું સાંભળશે નહિ.કોઈ ગુરુ હશે નહિ.

ને જગત અજ્ઞાન અંધકારમાં લીન થશે.યુગાંત આવી પહોંચતાં,વધુમાં વધુ સોળ વર્ષનું આયુષ્ય થશે.

ત્યારે પાંચ કે છ વર્ષની છોકરી માતા થશે ને સાત કે આઠ વર્ષનો છોકરો પિતા થશે.


હે રાજેન્દ્ર,યુગક્ષયને સમયે,અલ્પ ધનવાનો,મોટા ધનવાનોનો ડોળ રાખશે,હિંસા વધશે,કોઈ કોઈને દાન આપશે નહિ.ત્યારે રાંધેલાં અનાજની દુકાનો મંડાશે,સ્ત્રીઓ પોતાના દેહનાં વેચાણ કરશે.મનુષ્યો મ્લેચ્છો જેવા આચાર રાખી જે મળે તે બધું જ ખાશે,ને સર્વ કર્મોમાં ભયંકર રીતે વર્તશે,જ્ઞાન મેળવ્યા વિના જ ક્રિયાઓ કરશે,

સ્વભાવે ક્રૂર ને એકબીજાની નિંદા કરશે.ને પ્રાણીઓની હિંસા કરનાર થશે.એ યુગાન્તે દ્વિજો ધૈર્ય છોડીને સ્વધર્મ વિરોધી કર્મો કરશે અને શૂદ્રોના સેવક થશે,શુદ્રો ધર્મોપદેશક થશે.આમ,ત્યારે આ લોક ઊંધોચત્તો થઇ જશે,

નીચ,ઉચ્ચ થશે ને ઉચ્ચ,નીચ થશે,લોકો દેવપૂજા છોડી દેશે,ધર્મહીન થશે ને માંસ ખાશે ને મદિરા પીશે.


હે રાજન,જયારે એક ફૂલમાં બીજું ફૂલ અને એક ફળમાં બીજું ફળ આવશે ત્યારે યુગનો છેડો આવશે.

યુગના આથમવા કાલે કસમયે વરસાદ વરસશે,મનુષ્યોની ક્રિયા ક્રમવિહોણી થશે,શુદ્રોને બ્રાહ્મણો સાથે વિરોધ થશે અને પૃથ્વી ટૂંક સમયમાં જ મ્લેચ્છોથી ઉભરાઈ જશે.લોકો કરના ભારથી આકુળવ્યાકુળ થશે,ને કશી મરજાદ રહેશે નહિ,ત્યારે શિષ્યો ગુરુના ઉપદેશનું પાલન કરશે નહિ ને ગુરુનું ભૂંડું બોલશે.ત્યારે મિત્રો,બાંધવો,સંબંધીઓ પૈસાનો જ સંબંધ રાખશે.યુગને અંતે સર્વ પ્રાણીઓનો અભાવ થશે,સર્વ દિશાઓ સળગી ઉઠશે,નક્ષત્રો પ્રભાહીન થશે,જ્યોતિઓ પ્રતિકૂળ થશે,પવનો ઉલટા વાશે ને મહાભય સુચવનારા ઉલ્કાપાતો થશે.

ત્યારે સૂર્યને તેના ઉદય ને અસ્ત સમયે રાહુ ગળશે,ઇન્દ્ર અકાળે વૃષ્ટિ કરશે,ધાન્યો ઉગશે નહિ.મનુષ્યો જન્મભૂમિને છોડીને પરદેશોમાં આશ્રય લેશે,ને પૃથ્વી પર રઝળપાટ કશે,આમ યુગક્ષયને અંતે ભયંકર ઉથલપાથલ થશે,


એ પછી,બ્રહ્માદિ લોકોની ક્રમપૂર્વક ઉન્નતિ થવા લાગશે,પછી યુગપલટો આવતાં,દૈવ સહેજે ફરીથી લોકવૃદ્ધિને અનુકૂળ થશે.જયારે,સૂર્ય,ચંદ્ર અને બૃહસ્પતિ એક રાશિમાં આવશે,ત્યારે સત્યયુગ બેસશે.

ત્યારે,વૃષ્ટિ યોગ્ય કાલે વરસશે,નક્ષત્રો તેજોવાન થશે,ગ્રહો સવળી ગતિએ થઇ ફળદાયી થશે.

ત્યારે ત્યાં ક્ષેમ હશે,સુકાળ હશે,આરોગ્ય હશે અને રોગનું નામ પણ નહિ હોય.


તે વખતે કાળની પ્રેરણાથી વિષ્ણુયશા નામના કલ્કી અવતરશે,

તે બ્રાહ્મણ મહાવીર્યવાન,મહાબુદ્ધિમાન અને મહાપરાક્રમવાન હશે.તે સંભલ ગામમાં એક પવિત્ર બ્રાહ્મણના 

ઘેર જન્મ લેશે.તે મનમાં વિચાર કરશે,ત્યારે તરત સર્વ વાહનો,આયુધો ને કવચો તેની સેવામાં હાજર થશે.

તે ધર્મવિજયી થશે,ચક્રવર્તી રાજા થશે ને જગતને પ્રસન્ન કરશે ને લોકક્ષયનો અંત લાવશે.

તે સર્વ અધર્મોનો સંહાર કરશે અને યુગનું પરિવર્તન લાવશે.ને ત્યારે બ્રાહ્મણોથી વીંટાયેલા તે 

કલ્કી બ્રાહ્મણ સર્વત્ર ભરાયેલા ક્ષુદ્ર જનોને તથા સર્વ મ્લેચ્છસમુહોને ઉખેડી નાખશે (97)

અધ્યાય-૧૯૦-સમાપ્ત