Apr 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-486

 

અધ્યાય-૨૦૨-ઉત્તંકનો બૃહદશ્વને ઉપદેશ 


II मार्कण्डेय उवाच II इक्ष्वाकौ संस्थिते राजन शशादः पृथिवीमिमाम् I प्राप्तः परमधर्मात्मा सोयोध्यायां नृपोभवत II १ II

માર્કંડેય બોલ્યા-હે રાજન,ઇક્ષ્વાકુ રાજા અવસાન પામ્યો ત્યારે અયોધ્યામાં પરમ ધર્માત્મા શશાદ રાજા થયો.

તેને કકુસ્થ નામે પુત્ર થયો,જેને અનેના,અનેનાને પૃથુ,પૃથુને વિશ્વગશ્વ,વિશ્વગશ્વને અદ્રિ.અદ્રિને યુવનાશ્વ.

યુવનાશ્વને શ્રાવ.શ્રાવને શ્રાવસ્તક,શ્રાવસ્તકને બૃહદશ્વ ને એ બૃહદશ્વને કુવલાશ્વ નામે પુત્ર થયો હતો.

યોગ્ય સમયે,બૃહદશ્વ,પુત્ર કુવલાશ્વને રાજ્યગાદી સોંપી વનમાં જવા નીકળવા તૈયાર થયા હતા તે વખતે,

મહાતેજસ્વી ઉત્તંક તેમની પાસે ગયા ને તેમને રોકીને કહેવા લાગ્યા કે-(10)

'હે રાજન,તમારે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ.કેમ કે તમારી કૃપાથી જ અમે ઉદ્વેગરહિત રહી શકીએ છીએ.

આથી તમારે અરણ્યમાં જવું યોગ્ય નથી.હું મારા આશ્રમમાં ઉદ્વેગમુક્ત થઈને તપસ્યા કરી શકતો નથી,કેમ કે મધુકૈટભનો પરાક્રમી ધુંધુ નામનો પુત્ર,જમીનની અંદર રહે છે,તેને માર્યા પછી આપ વનમાં જાઓ.તેણે આ લોકનો તથા દેવોનો વિનાશ કરવા દારુણ તપ કરીને બ્રહ્મા પાસેથી વરદાન પામીને,તે કોઈથી એ અવધ્ય થયો છે.


રેતીની અંદર લપાઈને સૂતેલો તે ક્રૂર દાનવ,જયારે,વરસના અંતે શ્વાસ કાઢે છે ત્યારે પૃથ્વી કંપી ઉઠે છે,

પ્રચંડ ધૂળના ઉડાવાથી તે સાત દિવસ સુધી સૂર્યના માર્ગને રોકી લે છે.હું મારા આશ્રમમાં શાંતિથી રહી શકતો નથી,માટે લોકોનું હિત કરવાની ઈચ્છાથી તમે તે અસુરને હણો.ને અમને સ્વસ્થ કરો.તમે તે અસુરને હણવા સમર્થ છો,એમ હું માનું છું.(મને મળેલા વરદાનથી) વિષ્ણુ પોતાના તેજથી તમારા તેજને વધારશે,જેને ધારણ કરી તે દૈત્યને મારો.કેમ કે તે મહાતેજસ્વી ધુંધુ,કોઈ અલ્પ તેજવાળાથી તો કોઈપણ રીતે નાશ પામે તેમ નથી (31)

અધ્યાય-૨૦૨-સમાપ્ત