Apr 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-494

 

અધ્યાય-૨૧૦-બ્રહ્મવિદ્યાનો ઉપદેશ 


II मार्कण्डेय उवाच II एवमुक्तस्तु विप्रेण धर्मव्याधो युधिष्ठिर I प्रत्युवाच यथा विप्रं तच्छ्रुणुष्व नराधिप II १ II

.માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,બ્રાહ્મણે આમ પૂછ્યું એટલે ધર્મવ્યાધે જે ઉત્તર આપ્યો તે તમે સાંભળો'

ધર્મવ્યાધ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,મનુષ્યોનું મન પ્રથમ વિષયોને જાણવા માટે પ્રવૃત્તિ કરે છે,ને જાણ્યા પછી તે કામને ક્રોધને ભજે છે.ને તે તે માટે પ્રયત્ન કરે છે,ને મહાન કર્મો આરંભે છે.આમ તે રૂપ,ગંધ આદિ વિષયોનો અભ્યાસ કર્યા કરે છે જેથી રાગ (આસક્તિ) જન્મે છે.આ રાગમાંથી દ્વેષ,દ્વેષમાંથી લોભ ને લોભમાંથી મોહ પેદા થાય છે.

લોભથી પરાભવ પામેલા ને રાગદ્વેષથી હણાયેલા પુરુષની બુદ્ધિ ધર્મમય થતી નથી,તે દંભથી જ ધર્મ કરે છે,

આમ કપટથી ધર્મ કરે છે ને કપટથી ધન મેળવવા ચાહે છે.ધન મળે એટલે તેની બુદ્ધિ તેમાં જ રમ્યા કરે છે.

તે મન,વચન ને કર્મથી પાપ કરવા લાગે છે ને તેના સારા ગુણો નાશ પામે છે.ને પાપાત્મા થાય છે.

જે મનુષ્ય પ્રથમથી જ આ દોષોને બુદ્ધિથી જોઈ લે છે અને સુખદુઃખમાં કુશળ રહીને સાધુપુરુષોની 

સેવા કરે છે,તેની બુદ્ધિ,શુભ કાર્યો કરીને ધર્મ કાર્યોમાં જ વિરાજે છે (12)


હવે તમે બ્રહ્મવિદ્યાને સાંભળો.આ સ્થાવર-જંગમ જગત સર્વથા કર્મથી જીતી શકાય તેમ નથી 

મહાભૂતાત્મક બ્રહ્મ એક જ છે ને એ બ્રહ્મથી પર કશું જ નથી.આકાશ,વાયુ,અગ્નિ,જળ ને પૃથ્વી એ પંચમહાભૂતો છે,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ ને ગંધ એ મહાભુતોના ગુણો છે.પંચીકરણ થતાં એકની ગુણવૃત્તિ બીજામાં પ્રવેશે છે.પણ તે સર્વ ગુણો,તેજ,જળ ને પૃથ્વી એ ત્રણમાં વિશેષ સ્પષ્ટ થાય છે.ઇન્દ્રિયોના પાંચ ગુણો પછી,મન,બુદ્ધિ ને આઠમો અહંકાર આવે છે.પછી,પાંચ જ્ઞાનેન્દ્રિયો,જીવ અને સત્વ-રજસ-તમ એ ત્રણ ગુણો મળીને સત્તરના આ સમુદાયને 'અવ્યક્ત' અથવા માયા એવી સંજ્ઞા આપવામાં આવી છે.પાંચ મહાભુતો,પાંચ કર્મેન્દ્રિયો,પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ વિષયો,મન,બુદ્ધિ અહંકાર,જીવ એ ચોવીસના ગુણને 'અવ્યકતાવ્યક્ત' કહે છે.હવે બીજું વિશેષ શું કહું?(21)

અધ્યાય-૨૧૦-સમાપ્ત