Apr 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-495

 

અધ્યાય-૨૧૧-પંચમહાભૂત અને ઇન્દ્રિયનિગ્રહ 


II मार्कण्डेय उवाच II एवमुक्तः स विप्रस्तु धर्मव्याधेन भारत I कथामकथयद भूयो मनसः प्रीतिवर्धनिम् II १ II

માર્કંડેય બોલ્યા-હે ભારત,ધર્મવ્યાધે તે વિપ્રને આમ કહ્યું ત્યારે તેણે મનની પ્રીતિ વધારનારી કથા 

ફરી પૂછતાં પૂછ્યું કે-'તમે જે પાંચ મહાભુતો કહ્યાં,તે પાંચેના ગુણો મને કહો'

વ્યાધ બોલ્યો-હે બ્રહ્મન,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ ને ગંધ-એ પાંચે ગુણો પૃથ્વીમાં રહેલા છે.શબ્દ,સ્પર્શ,રૂપ,રસ-એ

ચાર ગુણો જળના કહ્યા છે,શબ્દ,સ્પર્શ,રૂપ-એ ત્રણ ગુણો તેજના છે,શબ્દ,સ્પર્શ એ બે ગુણો વાયુના છે અને શબ્દ એ

આકાશનો એક જ ગુણ છે.આ સર્વ સંસાર પંચમહાભૂતોમાં રહેલા ગુણોને આશ્રયે રહેલો છે.

આ પંચમહાભૂતો એકબીજાનો ત્યાગ કરતા નથી,પણ સારી રીતે એકસાથે જ રહે છે.જયારે દેહમાં રહેલો જીવ કાળને અધીન થઇ બીજા દેહમાં જાય છે ત્યારે,તે યથાક્રમે વિનાશ પામે છે ને જન્મ પામે છે.જે વીર્ય-આદિ ધાતુઓથી આ જગત વ્યાપ્ત થયું છે તે આ પંચમહાભૂતોથી જ બનેલું જોવામાં આવે છે.જે કર્મ ઇન્દ્રિયોથી સર્જાય છે તે 'વ્યક્ત' કહેવાય છે ને જે કર્મો ઇન્દ્રિયગ્રાહ્ય નથી પણ માત્ર અનુમાન ગ્રાહ્ય છે તે 'અવ્યક્ત' છે એમ જાણો.

જયારે,દેહધારી જીવ,ઇન્દ્રિયોને સંયમિત કરીને આત્મજ્ઞાન અર્થે તપસ્યા કરે છે ત્યારે તે પોતે આત્મસ્વરૂપ જ હોવાથી,તે પોતાને સમસ્ત લોકમાં અને સમસ્તલોકને પોતાના આત્મામાં વિસ્તરેલું જુએ છે.જે મનુષ્ય અવિદ્યારૂપી ક્લેશને તરી જાય છે તે જ્ઞાનમાર્ગથી પરમપુરુષાર્થરૂપ મોક્ષને પામે છે.આવા મુક્ત થયેલા જીવને ભગવાને,

અનાદિ,અનંત,આત્મયોનિ,અવ્યય,અગમ્ય અને અમૂર્ત કહ્યો છે.


આમ ઇન્દ્રિયોના નિગ્રહના તપથી સ્વર્ગ મળે છે ને ઇન્દ્રિયોને જો છૂટો દોર આપવામાં આવે તો નરક મળે છે.

ઇન્દ્રિયોને જીતવા માટે જ સમગ્ર યોગ કહ્યો છે,ઇન્દ્રિયો જ તપનું કારણ છે ને તે જ સર્વ નરકનું પણ કારણ છે.

શ્રુતિ કહે છે,શરીર એ રથ છે,આત્મા તેનો સારથી છે,ઇન્દ્રિયો ઘોડા છે.જેમ,કુશળ સારથી,ઘોડાઓને કાબુમાં રાખી સુખપૂર્વક પ્રયાણ કરે છે તેમ ધીરપુરુષ ઇન્દ્રિયોને વશમાં રાખી સુખપૂર્વક સંસારને પસાર કરે છે (23)

જે મન,વિષયોમાં વિચરતી ઇંદ્રિયોની પાછળ દોડે છે,તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે.

શબ્દ-આદિ વિષયોથી થતી સુખરૂપી ફળપ્રાપ્તિને,વિષયી લોકો (મોહથી)ગ્રહણ કરવા યોગ્ય માને છે,

પણ વિરક્ત મનુષ્યો તે ફળપ્રાપ્તિને 'ત્યાજ્ય' કહે છે ને તેને જ ધ્યાનનું ફળ મળે છે (27)

અધ્યાય-૨૧૧-સમાપ્ત 


અધ્યાય-૨૧૨-ગુણોનું વર્ણન 

II मार्कण्डेय उवाच II एवं तु सूक्ष्मे कथिते धर्मव्याधेन भारत I ब्राह्मणः स पुनः सूक्ष्मं पप्रच्छ सुसमाहितः II १ II

માર્કંડેય બોલ્યા-હે ભારત,ધર્મવ્યાધે આ પ્રમાણે સૂક્ષ્મ તત્વ કહ્યું ત્યારે બ્રાહ્મણે એકચિત્ત થઇ પ્રશ્ન પૂછ્યો કે-

'હવે તમે સત્વ,રજ ને તમસ એ ગુણો વિશે યથાવત ને તત્ત્વપૂર્વક કહો'

વ્યાધ બોલ્યો-હે બ્રાહ્મણ,તમોગુણ,મોહાત્મક છે,રજોગુણ પ્રવૃત્તિપ્રેરક છે ને સત્વગુણ પ્રકાશવિશેષ છે તેથી સર્વ ગુણોમાં તે શ્રેષ્ઠ કહેવાય છે.તમોગુણી મનુષ્ય,અવિદ્યાની અધિકતાવાળો,મૂર્ખ,ઊંઘણશી,ભાન વિનાનો,કુમાર્ગી ઈંદ્રિયોવાળો,ક્રોધી,તામસી ને આળસુ હોય છે.જે મનુષ્ય,વચનચતુર,વિચારશીલ,પરાયા દોષ ન જોનારો,કર્મો કરવામાં લીન,અક્કડ ને અભિમાની હોય છે તે રજોગુણી છે.અને જે ધીર,પ્રવૃત્તિની ઈચ્છાથી રહિત,ઇર્ષાંમુક્ત,ક્રોધશૂન્ય,ધીમાન ને જિતેન્દ્રિય છે તે સાત્વિક છે.


સાત્વિક પુરુષ જ્ઞાનથી જાગ્રત હોવાથી સંસારવ્યવહારમાં ક્લેશ ભોગવતો નથી.કારણકે જયારે તે જ્ઞેય (આત્મ) વસ્તુની જ્ઞાન પામે છે,ત્યારે તે સંસારવ્યવહારને તુચ્છકારે છે.વૈરાગ્યનું લક્ષણ તો તેનામાં પ્રથમથી જ પ્રવર્તે છે,

જેથી તેનો અહંકાર નરમ પડી જાય છે ને તેનો સ્વભાવ સરળતા સાધે છે,ને તેનાં માન-અપમાન આદિ દ્વંદ્વો  પરસ્પરમાં શમી જાય છે.તેને ક્યારેય સંશય થતો નથી.હે બ્રહ્મન,જો કોઈ શૂદ્રયોનિમાં જન્મ્યો હોય,છતાં તે જો સદગુણોને સેવતો હોય તો તે વૈશ્યત્વને,ક્ષત્રિયત્વને કે બ્રાહ્મણત્વને પામે છે.(12)

અધ્યાય-૨૧૨-સમાપ્ત