Apr 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-496

 

અધ્યાય-૨૧૩-અધ્યાત્મવિચાર 


II ब्राह्मण उवाच II [पार्थिवं धातुमासाद्य शारिरोग्निः कथं भवेत् I अवकाशविशेषण कथं वर्तयतेनिल II १ II

બ્રાહ્મણ બોલ્યો-વિજ્ઞાન (આત્મા)નામની અગ્નિમય ધાતુ,ત્વચા આદિ પાર્થિવ ધાતુને પામીને કેમ શરીરાભિમાની થાય છે? વળી,વાયુ,ભિન્ન ભિન્ન નાડીમાર્ગોનો આશ્રય કરીને શરીરને કેવી રીતે ચેષ્ટિત (ક્રિયાશીલ) કરે છે?

વ્યાધ બોલ્યો-પ્રકાશ(અગ્નિ)મય વિજ્ઞાનાત્મા,ચિદાત્મા (પરમાત્મા)નો આશ્રય કરીને શરીરને ચેતનવાળું કરે છે.

પ્રાણ(શક્તિ),એ ચિદાત્મા ને વિજ્ઞાનાત્મા કરી ક્રિયા કરે છે.ભૂત,ભવિષ્ય ને વર્તમાન એ સૌ પ્રાણના આધારે છે.

તે પ્રાણ જ સર્વ ભૂતોનો કાર્યકારણરૂપ આત્મા છે,તે જ સંતાન પુરુષ છે,તે જ મહત્તત્વ,બુદ્ધિ,અહંકાર ને ભૂતોના

શબ્દ-આદિ વિષયો છે.આમ,તે પ્રાણથી જ શરીરનું અંદર ને બહાર પરિપાલન થાય છે.

પછી,એ પ્રાણ,સમાન નામના વાયુભાવે જુદીજુદી ગતિનો આશ્રય કરે છે (6)

ને તે સમાનવાયુભાવને પામેલો પ્રાણ,મૂત્રાશય,મળાશય અને જઠરાગ્નિનો આશ્રય કરીને મળમૂત્રને વહાવે છે.

આ જ પ્રાણ,જયારે પ્રયત્ન,કર્મ અને બળ-એ ત્રણમાં કારણરૂપ થાય છે ત્યારે તેને ઉદાન(વાયુ) કહે છે.જે આખા શરીરમાં સાંધેસાંધે સર્વત્ર રહેલો છે તેને વ્યાન (વાયુ) કહે છે,કે જે જઠરાગ્નિ,ત્વચા વગેરે ધાતુમાં વ્યાપેલો છે.

હૃદયમાં રહેલો પ્રાણવાયુ,નાભિમાં રહેલ સમાન વાયુ અને ગુદામાં રહેલ અપાનવાયુ,કંઠમાં રહેલા ઉદાનવાયુને જઈ મળે છે.જયારે પ્રાણ,અપાન ને સમાન નો નાભિપ્રદેશમાં ધસારો થાય છે ત્યારે જઠરાગ્નિ(અગ્નિ)ઉત્પન્ન થાય છે.

શરીરના સર્વ પ્રાણો,નાભિની મધ્યમાં રહેલા છે ગુદાથી મસ્તક સુધીનો સુષુમ્ણા નાડીનો માર્ગ યોગીઓનો છે.

ધીર યોગીઓ આ માર્ગે પ્રાણને મસ્તકમાં રહેલા સહસ્ત્રદલચક્રમાં લઇ જઈ મૂકે છે ને પરબ્રહ્મને પામે છે.


આત્મા,જયારે મન અને દશ ઇન્દ્રિયો (એમ અગિયાર) વિકારોવાળા લિંગ શરીર સાથે એકરૂપ થાય છે,ત્યારે તે સોળ કળાઓ (પ્રાણ,શ્રદ્ધા,આકાશ,વાયુ,અગ્નિ,જળ,પૃથ્વી,ઇન્દ્રિય,મન,અન્ન,વીર્ય,તપ,કર્મ,મંત્ર,લોક,નામ) ના 

સમુદાયથી ભરેલો રહે છે,ને તે મૂર્તિમાન (સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરવાળો)થયો છે,એમ કહેવાય છે.

પણ,આ પ્રકાશમય અસંગ આત્મા તો નિત્ય જ છે ને યોગથી જ તેના આ સ્વરૂપનું ભાન થાય છે (20)


સત્વ,રજ ને તમ એ ગુણોને જીવની ઉપાધિ સમજો,ઈશ્વર તો જીવનો નિયામક છે ને નિર્ગુણ છે એમ જાણો.

ચેષ્ટા (ક્રિયા)માટે ચૈતન્યની અપેક્ષા રાખતા જડ (દેહ-આદિ)પદાર્થો,જીવન ભોગ્ય છે.આત્મા પોતે જીવરૂપથી ચેષ્ટા કરે છે ને ઈશ્વર (પરમાત્મા) રૂપથી ચેષ્ટા કરાવે છે.આમ,પ્રાણીમાત્રમાં પરમાત્મા (આત્મારૂપે) પ્રકાશી રહ્યો છે.

ને જ્ઞાનવેત્તાઓ જ શ્રેષ્ઠ સૂક્ષ્મ બુદ્ધિથી તે પરમાત્માનાં દર્શન પામે છે (23)


મનુષ્ય,ચિત્તની નિર્મળ સ્થિતિથી શુભ-અશુભ કર્મોનો નાશ કરે છે ને આત્મનિષ્ઠ રહી (શાંત બની) મોક્ષરૂપી અનંત સુખ ભોગવે છે.મનને સદૈવ પરમાત્મામાં જોડવું,ને અંતરમાં આત્માના દર્શન કરવાં.આમ મનરૂપી દીપકથી જે આત્માને જુએ છે,તે નિર્ગુણ આત્માના દર્શન પામતાં જ મુક્તિ પામે છે (27)

આશાથી મુક્ત રહેવું,પૂર્ણ સંતોષ રાખવો,અપરિગ્રહ રહેવું ને મનની શાંતિ રાખવી,એ જ પરમજ્ઞાનનાં સાધન છે,

અને આ સાધનોથી સાધ્ય થતું આત્મજ્ઞાન સર્વદા ઉત્તમ છે.


અજિત એવા પરમાત્માને જીતવા ઇચ્છતા મુનિએ,નિત્ય તપપરાયણ રહેવું,ઇન્દ્રિયદમન કરવું,મનોનિગ્રહ કરવો અને ભોજ્ય પદાર્થો પ્રત્યે અનાસક્તિ રાખવી.જે નિર્ગુણ,અસંગ છે,જે પ્રત્યગાત્મા-પણાથી સાધ્ય છે,ને જે અજ્ઞાનની નિવૃત્તિ થતાં પ્રાપ્ત થાય છે,જેનામાં જ્ઞાન,જ્ઞેય-આદિ ભેદ નથી જે અનાદિસિદ્ધ છે -તે જ તે બ્રહ્મનું સુખમય પદ છે એમ વિદ્વાનો કહે છે જે સુખ-દુઃખને ત્યાગી,અનાસક્તિથી વર્તે છે તે જ બ્રહ્મને પામે છે.

મેં આ જે સર્વ સાંભળ્યું હતું તે કહ્યું,હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? (40)

અધ્યાય-૨૧૩-સમાપ્ત