May 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-509

 

દ્રૌપદી-સત્યભામા સંવાદ પર્વ 


અધ્યાય-૨૩૩-પતિને વશ કરવાનો દ્રૌપદીએ કહેલો મહામંત્ર 


II वैशंपायन उवाच II उपासिनेपु विप्रेयु पांडवेपु महात्मसु I द्रौपदी सत्यभामा च विविशाते तदा समम् II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો બ્રાહ્મણો સાથે બેઠા હતા,તે વખતર દ્રૌપદી અને સત્યભામાએ સાથે જ એક સ્થાનમાં પ્રવેશ કર્યો.લાંબે સમયે એકમેકને મળીને આનંદ પામીને તે બંને સખીઓ બેઠી અને વાતો કરવા લાગી.

કૃષ્ણની પ્રિય પટ્ટરાણી અને સત્રાજિતની પુત્રી સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું-'હે દ્રૌપદી,તમે આ વીર પાંડવો પર કેમ કરીને સત્તા ચલાવો છો? તેઓ કેમ તમારા પર કોપ કરતા નથી?ને સદા તમારે વશ રહે છે? શું કોઈ વ્રતાચરણ,

તપ,મંત્ર,ઔષધિ,વિદ્યાનો પ્રભાવ,જપ,હોમ કે કોઈ ઓસડ આમાં કારણરૂપ છે?મને આનું રહસ્ય કહો (8)

દ્રૌપદી બોલી-'હે સત્યભામા,તમે તો મને દુષ્ટ સ્ત્રીઓના આચાર વિશે પૂછો છો.દુરાચારી સ્ત્રીઓએ સેવેલા માર્ગ વિશે હું કેમ કરીને ઉત્તર આપી શકું? આવો પ્રશ્ન પૂછવો કે મારામાં સંદેહ લાવવો-એ તમને શોભતું નથી.

પત્ની,મંત્રો અને ઔષધિથી વશીકરણ કરવા લાગી છે એવું જો પતિ જાણી જાય,તો તે પત્ની તરફ ઉદ્વેગ રાખ્યા કરે છે ને આમ ઉદ્વેગ પામેલાને શાંતિ કે સુખ ક્યાંથી હોય? મંત્રાદિ કર્મથી પતિ,પત્નીને અધીન થાય એમ નથી,

ઉલટું,તેથી (ઝેરી મૂળિયાં આદિથી) તો પતિને,શત્રુઓએ પ્રેરેલા મહાભયંકર રોગો (કોઢ,જલોદર આદિ) થાય એમ છે.માટે આમ,સ્ત્રીએ સ્વામીનું જરાય અપ્રિય કરવું જોઈએ નહિ (17)


પાંડવો પ્રત્યે હું કેવું વર્તન રાખું છું,તે હું તમને સાચેસાચું કહું છું,સાંભળો.હું સદૈવ,કામ,ક્રોધ ને અહંકાર છોડીને,

એકાગ્રતાપૂર્વક તેમની સેવા કરું છું.મારા કોઈ પણ વર્તનમાં જરા પણ ભૂંડાપણું ન આવે તેની ચીવટ રાખું છું.

પતિ સિવાય,અન્ય કોઈ પુરુષ મને માન્ય નથી.પતિના જમ્યા પહેલાં હું જમતી નથી.હું તિરસ્કારભર્યું બોલતી નથી,દુષ્ટ સ્ત્રીઓનો સંગ કરતી નથી,ને પતિને અનુકૂળ જ વર્તુ છું.અતિહાસ્ય અને અતિરોષને હું છોડી દઉં છું ને કોઈ ક્રોધ થવાનું કારણ આપતી નથી.સ્ત્રીના માટે પતિ એ જ દેવ છે ને પતિ એ જ ગતિ છે.


પાંડવોના ઐશ્વર્યને ને આવકજાવકને હું જાણું છું,કુટુંબનો સર્વ ભાર તેમણે મને સોંપ્યો છે.દિવસ રાત હું તેમના કાર્યોમાં સહાય કરું છું,નિત્ય હું સહુથી વહેલી ઉઠું છું ને સહુથી છેલ્લી સુઈ જાઉં છું,આ જ મારુ વશીકરણ છે.

હું દુરાચારી સ્ત્રીઓના આચાર કરતી નથી કે તેની ઈચ્છા પણ રાખતી નથી (59)

સત્યભામા બોલી-હે પાંચાલી મને ક્ષમા આપો,કેમકે સખીઓ તો આપસમાં આવું મશ્કરીમાં કહી નાખે છે.

અધ્યાય-૨૩૩-સમાપ્ત