May 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-511

 

ઘોષયાત્રા પર્વ 

અધ્યાય-૨૩૬-ધૃતરાષ્ટ્રનો પાંડવો માટે ખેદ 


II जनमेजय उवाच II 

एवं वने वर्तमाना नराग्रया: शीतोष्णवातातपकर्षितांगा: I सरस्तदासाद्य वनं च पुण्यं ततः परं किमकुर्वत पार्थाः  II १ II

જન્મેજય બોલ્યા-વનમાં વસેલા અને ટાઢ તડકાથી અંગે સુકાયેલા એ નરશ્રેષ્ઠ પૃથાનંદનોએ,

પુણ્યવનમાં આવેલા એ સરોવરે,પહોંચ્યા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-પાંડવોએ તે સરોવર પર આવીને પોતાનું નિવાસસ્થાન તૈયાર કર્યું,ને તેઓ તે રમણીય વન,પર્વતો

અને નદી પ્રદેશોમાં વિચરવા લાગ્યા હતા.તેમની પાસે વૃદ્ધ,તપોમય,વેદવેત્તા બ્રાહ્મણો આવતા ત્યારે તેઓ તેમનો

સત્કાર કરતા હતા.એક વાર કોઈ કથાકુશળ વિપ્ર,પાંડવોને મળીને ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને 

સર્વ પાંડવોની પરિસ્થિતિ વર્ણવતાં કહ્યું કે-તે પાંડવોનાં અંગ ટાઢ તડકાથી દુબળાં થઇ ગયા છે,

ને કૃષ્ણા,વીર પતિઓની પત્ની હોવા છતાં અનાથની જેમ પાર વિનાના ક્લેશો ભોગવે છે'  (6)

બ્રાહ્મણની વાત સાંભળી,ધૃતરાષ્ટ્રનું દિલ દયાથી ભરાઈ આવ્યું ને સંતાપ કરવા લાગ્યા,તે વિવશ થયા ને નિસાસા નાખતા,'આ બધું પોતાના કારણે જ છે' એમ વિચારીને બબડવા લાગ્યા કે-આ પાંડુપુત્રો,મહેલની ગાદીઓ પર સૂવાને બદલે જમીન પર કેવી રીતે સુઈ રહેતા હશે? તેમનાં અંગો આવા દુઃખોને માટે યોગ્ય નથી.

ધર્મરાજ તો સહન કરી લેશે,ને અર્જુન પણ મોટાભાઈના ધર્મબંધનમાં બંધાઈને નિસાસાભેર સાંખી લેતો હશે,પણ કોપથી ભડભડી રહેલો ભીમ,હાથ મસળીને ક્રોધમાં આવીને મારા પુત્રોને મસળી નાખવાનું જ વિચારતો હશે.


ભીમ ને ગાંડીવધારી અર્જુન,કાળ ને યમ જેવા છે,ને યુદ્ધમાં કોઈ પણ કૌરવોને જીવતા છોડશે નહિ.

શકુનિ,દુર્યોધન,દુઃશાસન ને કર્ણ એ સૌ મૂરખ મનના લોભી જ છે,તેઓ પતનને જોતા નથી.

દુષ્ટ પુત્રને વશ રહીને મેં એવું કુકર્મ કર્યું છે મને લાગે છે કે હવે કૌરવોનો અંતકાળ આવી પહોંચ્યો છે.


પરાક્રમી અર્જુન,સદેહે ઇંદ્રલોકમાં જઈ દિવ્ય અસ્ત્રો શીખીને,આ લોકમાં પાછો આવ્યો છે,બાકી એના સિવાય એવો બીજો કયો મનુષ્ય,સ્વર્ગમાં જઈ પાછો આ લોકમાં આવવા ઈચ્છે? ખરેખર,કાળથી હણાયેલા,કુરુઓને મોત  માગતા જોઈને જ તે પાછો આવ્યો આવ્યો છે,તેના દિવ્ય અસ્ત્રોને કોણ સહન કરી શકે તેમ છે?'


ધૃતરાષ્ટ્રનાં આવાં વચનો શકુનિએ છુપાઈને સાંભળી લીધાં,ને દુર્યોધન તથા કર્ણ પાસે જઈને,પોતાની રીતે 

પાંડવોના દુઃખ વિશેનું વર્ણન કરવા લાગ્યો જે સાંભળી અલ્પબુદ્ધિ દુર્યોધન હરખાઈ ગયો (31)

અધ્યાય-૨૩૬-સમાપ્ત