May 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-512

 

અધ્યાય-૨૩૭-શકુનિનો દુર્યોધનને દુષ્ટ ઉપદેશ 


II वैशंपायन उवाच II धृतराष्ट्रस्य तद्वाक्यं निशम्य शकुनिस्तदा I दुर्योधनमिदं काले कर्णेन सहितोSब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રનાં તે વચનો સાંભળીને આવેલો તે શકુનિ ને કર્ણ દુર્યોધનને કહેવા લાગ્યા કે-

હે રાજન,જેમ,રુદ્રોથી યમરાજ અને મરુતોથી ઇન્દ્ર શોભે છે તેમ,કુરુઓથી વીંટાયેલા તમે નક્ષત્રરાજની જેમ શોભી

રહયા છો.જેમણે,તમારી આજ્ઞાનો અનાદર કર્યો ને જેઓ તમારી આણમાં રહ્યા નથી તે પાંડવો,લક્ષ્મીહીન ને વનવાસી થઈને,દ્વૈતવનમાં વનવાસી બ્રાહ્મણો સાથે રહે છે ને જમીન પર શયન કરે છે.પરમલક્ષ્મીથી શોભતા,તમે સૂર્યની જેમ,

તમારા તેજથી એ પાંડુપુત્રોને તાપ આપવા માટે તે તરફ પ્રયાણ કરો.

હે રાજન,જે શત્રુઓ ને સ્નેહીઓ,જે પુરુષમાં લક્ષ્મીને જુએ છે,તે લક્ષ્મી,શત્રુઓને શોક ને સ્નેહીઓને હર્ષ પમાડે છે.

જેમ,પર્વતની ટોચ પર ઉભેલો મનુષ્ય,પૃથ્વીના તલ ઉપર ઉભેલા મનુષ્યને જુએ છે,તેમ,સુખમાં રહેલો મનુષ્ય,વિપત્તિમાં પડેલા પોતાના શત્રુઓને જુએ છે ને સુખ અનુભવે છે.શત્રુને સંકટમાં પડેલો જોઈને,મનુષ્યને જે આનંદ થાય છે તેવો આનંદ,પુત્ર.ધન કે રાજ્ય પ્રાપ્તિથી પણ થતો નથી.ઐશ્વર્યવાન એવા તમે જયારે અર્જુનને વલ્કલ ને મૃગચર્મમાં જુઓ તો તમને કેટલો બધો આનંદ થશે? વળી,સુંદર વસ્ત્રો પહેરનારી તમારી ભાર્યાઓ,

ભલે,મૃગચર્મ પહેરેલી તે દુઃખી કૃષ્ણાને જોઈ સુખી થાય અને એ કૃષ્ણાને તમારી ભાર્યાઓને જોઈને ફરીફરીને ખિન્ન થવા દો.તેને એવો ખેદ થશે કે જે ખેદ તેને સભાની વચ્ચે થયો નહોતો' 

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કર્ણ ને શકુનિએ આવા વચનો,દુર્યોધનને કહી,તેઓ શાંત થયા.(23)

અધ્યાય-૨૩૭-સમાપ્ત 


અધ્યાય-૨૩૮-ઘોષયાત્રા વિશે મંત્રણા 


II वैशंपायन उवाच II कर्णस्य वचनं श्रुत्वा राज दुर्योधनस्ततः I हृष्टो भूत्वा पुनर्दीन इदं वचनब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-કર્ણનાં વચન સાંભળીને રાજા દુર્યોધન હર્ષ પામ્યો પણ પાછો દીન થઈને બોલ્યો કે-

'તું જે કહે છે તે બધું મારા મનમાં છે,પણ જ્યાં પાંડવો છે ત્યાં જવાની અનુજ્ઞા મળશે નહિ.કેમકે ધૃતરાષ્ટ્ર,તે પાંડવો વિશે શોક કરે છે,ને તેમના તપના યોગથી તેમને આપણા કરતાં અધિક માને છે.આપણી રક્ષાને માટે પણ તે 

આપણને ત્યાં જવાની રજા આપશે નહિ.દીન પાંડવોને જોઈને મને ભારે હર્ષ થાય જ.પણ ધૃતરાષ્ટ્ર ત્યાં જવાની રજા આપે તેવો કોઈ ઉપાય જણાતો નથી.તમે ભેગા મળીને કોઈ ઉપાય ખૉળો,હું પણ આજે રાતે વિચાર કરીશ.


બીજે દિવસે સવારે કર્ણ દુર્યોધન પાસે જઈ બોલ્યો કે-'હે નરપતિ,એક ઉપાય હાથ લાગ્યો છે.દ્વૈતવનમાં સર્વ ઘોષો (ગાયોનાં ધણ) આવ્યા છે ને તમારી વાટ જુએ છે.તે ગાયોને જોવા (ઘોષયાત્રા)ના બહાને આપણે ત્યાં જઈશું.

ઘોષયાત્રાએ જવું ઉચિત  છે એટલે તમારા પિતા તમને રજા આપશે જ'

શકુનિએ પણ આ વાતમાં મંજૂરી આપી.આમ નિશ્ચય કરી સર્વ મંડળી હસવા લાગી 

ને એકબીજાને તાળી આપીને ધૃતરાષ્ટ્રને મળવા ગયા.(24)

અધ્યાય-૨૩૮-સમાપ્ત