May 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-513

 

અધ્યાય-૨૩૯-દુર્યોધનનું દ્વૈતવન તરફ પ્રયાણ 


II वैशंपायन उवाच II धृतराष्ट्र ततः सर्वे दद्शुर्जनमेजय I पुष्ट्वा सुखमथो राज्ञः पृष्टा राज्ञा च भारतः II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,તે સર્વે ધૃતરાષ્ટ્રને મળ્યા,ને આગળથી ગોઠવી રાખેલા સમંગ નામના ગોવાળે

ધૃતરાષ્ટ્રને નિવેદન કર્યું કે-'અત્યારે ગાયો નજીકમાં જ છે' એટલે શકુનિ ને કર્ણ,ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-

હે રાજન,હાલમાં ગાયોનાં ધણ,રમણીય ભાગોમાં આવ્યાં છે,તો તેમની નોંધ કરવાનો તથા વાછરડાંને છાપ મારવાનો

આ સમય છે,વળી આ સમયે મૃગયા પણ ઉચિત છે તો દુર્યોધનને વનમાં જવાની રજા આપો'(5)

 ધૃતરાષ્ટ્ર બોલ્યા-તમારી વાત સારી છે,પણ પાંડવો ત્યાં નજીકમાં છે,આથી હું આજ્ઞા નહિ આપું.તમે તેમને કપટથી

હરાવ્યા છે,ને વનમાં કષ્ટ પામી રહ્યા છે.તમે મદ ને મોહથી ભરેલા છો,ને કદાચ તેમનો કોઈ અપરાધ કરી બેસશો,

તો તે તપોમય પાંડવો તમને,પોતાના તપના બળથી બાળીને ખાખ કરી નાખે,કે શસ્ત્રોના તેજથી બાળી નાખે.

અર્જુન,ઇંદ્રલોકમાંથી દિવ્ય અસ્ત્રો મેળવીને પાછો આવ્યો છે.આથી માણસો મોકલો પણ તમે જાતે જાવ નહિ.


શકુનિ બોલ્યો-યુધિષ્ઠિર ધર્મજ્ઞ છે,ને તેણે બાર વર્ષના વનવાસની પ્રતિજ્ઞા કરી છે,તેમના ભાઈઓ તેની આજ્ઞામાં રહે છે.એટલે તેઓ કોઈ કોપ કરશે નહિ.અમે તો મૃગયા ને ગાયોની નોંધ તપાસ કરવા જ જઈશું,અમે તેમને જોવાની ઈચ્છા રાખતા નથી,અમારા તરફથી કોઈ ખોટું કાર્ય થશે નહિ,અમે તેના આશ્રમે પણ જઈશું નહિ'


શકુનિના આવા ચતુરાઈભર્યા વચનોથી ધૃતરાષ્ટ્રે ન છૂટકે જવાની રાજા આપી,એટલે દુર્યોધન,કર્ણની સાથે મોટી સેનાથી ઘેરાઈને નીકળયો.દુઃશાસન,શકુનિ,બીજા ભાઈઓ ને તેમની સ્ત્રીઓ તેમની સંગે નીકળ્યાં.

બીજા નગરજનો પણ પત્નીઓ સાથે જોડાયા.ત્રીસ હજાર હાથીઓ,નવ હજાર ઘોડાઓ ને સહસ્ત્ર પાગાઓ,

ભારગાડાંઓ,દુકાનો,વારાંગનાઓ,વણિકો આદિ સાથે,દુર્યોધન દ્વૈતવન જવા નીકળ્યો (29)

અધ્યાય-૨૩૯-સમાપ્ત 


અધ્યાય-૨૪૦-ગંધર્વરાજના સૈનિકો સાથે દુર્યોધનનો સંવાદ 


II वैशंपायन उवाच II अथ दुर्योधनो राजा तत्र तत्र वने वसन् I जगाम घोपानमितस्तत्र चक्रे निवेशनम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે દુર્યોધન,વનમાં મુકામ કરતો કરતો ગાયોના સમૂહ નજીક જઈ પહોંચ્યો,ને ત્યાં નિવાસ કર્યો.પછી,તેણે સેંકડો ગાયોને ને વાછરડાંઓને તપાસીને ગણતરી કરીને છાપા લગાવ્યા.ને પછી ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગ્યો.ક્રમે ક્રમે તે દ્વૈતવન સરોવરે જઈ પહોંચ્યો.અને સેનાને ત્યાં ક્રીડાગૃહો તૈયાર કરવાની આજ્ઞા આપી.પણ તે સેનાને ગંધર્વોએ રોકી,કેમકે ત્યાં પહેલેથી જ ગંધર્વરાજ ચિત્રસેન ક્રીડા માટે આવ્યો હતો,તેની સાથે દેવોના સમૂહો ને અપ્સરાઓના વૃંદો હતા.ગંધર્વોના રોકવાથી સેના પાછી વળી.


ત્યારે  દુર્યોધને તેમને આજ્ઞા આપી કે-'તમે તેમને હાંકી કાઢો' એટલે સેનાના અગ્રેસર પાછા આવીને,

ગંધર્વો ને કહહ્યું કે-'તમે અહીંથી ખસી જાઓ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધન અહીં વિહાર કરવાની ઇચ્છાએ આવે છે'

ત્યારે ગંધર્વો ખડખડાટ હસીને કહેવા લાગ્યા કે-'તમારો દુર્યોધન મંદબુદ્ધિ છે,કેમ કે તે જાણે વૈશ્યોને આજ્ઞા કરતો હોય તેમ અમને દેવોને પણ આજ્ઞા કરે છે તમે પણ મરવાના જ થયા છો,તમે અહીંથી ચાલ્યા જાઓ નહિ તો હાલ જ યમરાજના મંદિરે પહોંચી જશો' ગંધર્વોના આમ કહેવાથી અગ્રણીઓ પાછા દુર્યોધન પાસે પહોંચ્યા (31)

અધ્યાય-૨૪૦-સમાપ્ત