May 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-528

 

દ્રૌપદી હરણ પર્વ 

અધ્યાય-૨૬૨-દુર્વાસાએ દુર્યોધનને આપેલું વરદાન 


II जनमेजय उवाच II वसत्स्वेवं वने तेषु पांडवेषु महात्मसु I रममाणेषु चित्राभिः कथाभिर्मुनिभिः सह II १ II

જન્મેજય બોલ્યા-તે મહાત્મા પાંડવો,આ પ્રમાણે મુનિઓ સાથે વિચિત્ર કથાવાર્તાઓ કરીને આનંદ મેળવી,વનમાં

વસતા હતા.તેઓ કૃષ્ણા ભોજન કરે એ વખત સુધીમાં,બ્રાહ્મણોને તેમ જ અન્નાર્થે આવી ચડેલા સૌ કોઈને,

સૂર્યે આપેલા (અક્ષય પાત્રના) અન્ન વડે તૃપ્ત કરતા હતા.તે વખતે,કર્ણ,શકુનિને દુઃશાસનના માટે પ્રમાણે

ચાલનારા દુર્યોધનનું,પાંડવોના સંબંધમાં કેવું વર્તન હતું? તે વિશે કહો 

વૈશંપાયન બોલ્યા-'પાંડવો વનમાં રહેવા છતાં તેમની વૃત્તિ તો નગરમાં હતી તેવી જ છે' એવું સાંભળીને દુર્યોધન તેમના વિશે મનમાં પાપી વિચાર કરવા લાગ્યો.ને શકુનિ-ને મંડળી સાથે તેમને વિવિધ ઉપાયે દુઃખ પહોંચાડવાનું વિચારવા લાગ્યો.એવામાં મુનિ દુર્વાસા તેમના દશ હજાર શિષ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા.દુર્યોધન દુર્વાસાના ક્રોધને જાણતો હતો,એટલે તેણે પોતે જ તેમનું સ્વાગત કરી,ને પોતે સેવકની જેમ,ખડે પગે તેમની સેવામાં રહ્યો.


દુર્યોધને,દુર્વાસાના વિચિત્ર વર્તનને ધૈર્યપૂર્વક,મનમાં કશી વિકૃતિ લાવ્યા વિના ને ક્રોધ વિના નિભાવી લીધું,

તેથી દુર્વાસા તેની પર પ્રસન્ન થઈને તેને વરદાન માગવા કહ્યું.મુનિ પ્રસન્ન થાય તો તેમની પાસે શું માગવું? તેના વિશે દુર્યોધને પ્રથમથી જ કર્ણ-આદિ જોડે મંત્રણા કરીને નિશ્ચય કરી લીધો હતો.એટલે તેણે માગ્યું કે-

'હે મુનિ,અમારા કુળમાં યુધિષ્ઠિર જ્યેષ્ઠ ને શ્રેષ્ઠ છે.તમે જેમ મારા અતિથિ થયા છો તેમ તમારા શિષ્યો સાથે તેમના પણ અતિથિ થાઓ.ને તમને જો મારા પર કૃપા દ્રષ્ટિ હોય તો,તમે ત્યાં એવે વખતે જજો કે જે વખતે દ્રૌપદી સર્વને જમાડીને અને પોતે ભોજન કરીને સુખપૂર્વક વિશ્રાંતિ લઈને બેઠી હોય'


આ સાંભળીને દુર્વાસાએ કહ્યું કે-'તારી પ્રસન્નતા માટે હું એ પ્રમાણે જ કરીશ' એમ કહી તે ચાલ્યા ગયા.ત્યારે 

દુર્યોધન પોતાને કૃતાર્થ થયેલો માનીને કર્ણનો હાથ પકડીને તાલી દઈને આનંદ મનાવવા લાગ્યો.

કર્ણ બોલ્યો-આ સારું થયું,તારું કામ પાર પડ્યું.પાંડવો હવે દુર્વાસાના ક્રોધ-અગ્નિમાં બળશે.(28)

અધ્યાય-૨૬૨-સમાપ્ત