Jun 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-540

 

અધ્યાય-૨૭૭-રામનો વનવાસ 


II युधिष्ठिर उवाच II उक्तं भगवता जन्म रामादीनां पृथक् पृथक् I प्रस्थानकारणं ब्रह्मन् श्रोतुमिच्छामि कथ्यतां II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવન,તમે રામ આદિ પ્રત્યેકના જન્મ વિશે કહ્યું,હવે હું રામના વનવાસનું કારણ સાંભળવા

ઈચ્છું છું.રામ અને લક્ષ્મણ એ બંને ભાઈઓ સીતા (મૈથિલી)સાથે વનમાં કેમ ગયા હતા?

માર્કંડેય બોલ્યા-ધર્મપરાયણ રાજા દશરથને ચાર પુત્રો હતા જેમાં રામ સૌથી મોટા હતા.પોતાને વૃદ્ધાવસ્થા આવેલી

જોઈને દશરથરાજાએ રામનો યુવરાજપદે અભિષેક કરવાનો નિશ્ચય કર્યો.અને પુરોહિતને તે માટે સર્વ તૈયારી કરવાનું કહ્યું.રામના અભિષેકની વાત સાંભળી મંથરા કૈકેયી પાસે ગઈ અને તેના કાન ફૂંક્યા.

મંથરાનાં વિષભર્યા વચન સાંભળી,કુમતિ પામેલી કૈકેયી,રાજા દશરથ પાસે જઈને કહેવા લાગી કે-

'હે સત્યપ્રતિજ્ઞ,તમે મને એક મનગમતું વરદાન માંગવાનું કહ્યું હતું તે અત્યારે મને આપો'

ત્યારે દશરથે કહ્યું-'માગી લે' રાજાને આમ વચનથી બાંધી લઈને કૈકેયીએ દશરથને કહ્યું કે-'રામને માટે આજે 

જે અભિષેકની તૈયારીઓ ચાલે છે તે મારા પુત્ર ભરતને અર્થે હો અને રામ ચૌદ વર્ષ વનમાં જાય'

દારુણ પરિણામ લાવનારું આ અપ્રિય વચન સાંભળી રાજા દુઃખાતુર થયા ને કંઈ બોલી શક્યા નહિ.


રામે જયારે આ વાત જાણી ત્યારે દશરથરાજાનું વચન સત્ય થાય તે માટે જનકપુત્રી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં ગયા.રામના વિયોગથી દશરથરાજાનો દેહ કાળધર્મને પામ્યો.ત્યારે કૈકેયીએ પુત્ર ભરતને (કે જે તે સમયે મોસાળમાં ગયો હતો ત્યાંથી) બોલાવ્યો ને કહ્યું કે-'હવે તું આ નિષ્કંટક અને સુખકારી રાજ્યનો સ્વીકાર કર'

ત્યારે ભરતે તેને ઉત્તર આપ્યો કે-'અરે,લોભથી તેં ભયંકર ઘાતકી કાર્ય કર્યું છે.ને મારે માથે કલંક ચોંટાડ્યું છે'

આમ કહી તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો.ને સર્વ પ્રજાજનો સમક્ષ પોતાના વર્તનની વિશુદ્ધિ વિશે પ્રતીતિ આપી 

અને પોતાના ભાઈને રામને વનમાંથી પાછા લાવવા સર્વને સાથે લઈને વનમાં ગયો.


ચિત્રકૂટ ઉપર તપસ્વીઓના વેશમાં રહેલા રામે,પિતાના વચનનું પાલન કરવાનું સમજાવીને તેને પાછો વિદાય કર્યો.ત્યારે તેમની પાદુકાઓ લઈને પાછા આવી તેને રાજ્યસિંહાસન પર સ્થાપીને,ભરતે પોતે પણ તપસ્વી જીવન સ્વીકારીને નંદીગ્રામમાં રહીને રાજ્ય ચલાવવા માંડ્યું.બીજી બાજુ,રામ ચિત્રકૂટ છોડીને દંડકારણ્યમાં ગયા અને ગોદાવરી નદીનો આશ્રય કરીને ત્યાં નિવાસ કરવા લાગ્યા.તે વખતે (રાવણની બહેન) શૂર્પણખાની અનુચિત માગણીથી ગુસ્સે થઈને લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું.ત્યારે ગુસ્સે ભરાયેલી શૂર્પણખા,લંકામાં જઈ ભાઈ 

રાવણને રામ વિરુદ્ધ ફરિયાદ કરી.વિરૂપ થયેલી શૂર્પણખાને જોઈને રાવણ ક્રોધથી ઉન્મત્ત થયો.

અને આકાશમાર્ગે નીકળીને તે પોતાના પહેલાંના પ્રધાન મારીચને જઈને મળ્યો.

કે જે મારીચ રામના ભયથી પહેલાથી જ સર્વ છોડીને તપ કરવા બેસી ગયો હતો.(56)

અધ્યાય-૨૭૭-સમાપ્ત