Jun 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-556

 

અધ્યાય-૨૯૪-સાવિત્રીએ પતિ પસંદ કર્યો 


II मार्कण्डेय उवाच II अथ मद्राधिपो राज नारदेन समागतः I उपविष्ट: सभामध्ये कथायोगेन भारत II १ II

માર્કંડેય બોલ્યા-પછી,હે ભારત,એક દિવસ મદ્રાધિપતિ રાજા અશ્વપતિ,નારદજી સાથે સભામાં વાતચીત કરી રહ્યો હતો ત્યારે સર્વ તીર્થો ને આશ્રમોમાં ફરીને સાવિત્રી,મંત્રીઓની સાથે સભામાં આવી.અને પિતા તથા નારદજીને 

પગે લાગી.અશ્વપતિએ,નારદજીને પોતાની પુત્રીની ઓળખાણ કરાવીને પછી પુત્રીને તેની પતિની પસંદગી વિશે 

વિસ્તારથી કહેવાની આજ્ઞા આપી એટલે પિતાની આજ્ઞાને માન આપીને સાવિત્રી કહેવા લાગી કે-

'શાલ્વ દેશમાં દ્યુમત્સેન નામનો પ્રસિદ્ધ ને ધર્માત્મા ક્ષત્રિય રાજા હતો,પાછળથી તે દૃષ્ટિહીન થયો હતો,તે વખતે તેનો

પુત્ર બાળક હતો,એટલે પડોશના તેના વેરીએ લાગ જોઈને તેનું રાજ્ય હરી લીધું હતું.એથી તે રાજા પત્ની અને પુત્ર

સાથે વનમાં ગયો.ને ત્યાં તપસ્યા કરવા માંડી.તેનો પુત્ર કે જેનું નામ સત્યવાન છે તે નગરમાં જન્મ્યો છે ને

તપોવનમાં ઉછર્યો છે,એ મારા પતિ તરીકે યોગ્ય છે ને તેને હું મનથી વરી ચુકી છું.(10)


નારદ બોલ્યા-'ઓ રાજા,આ સાવિત્રીએ તે સત્યવાનની વરણી કરીને અજાણપણે ઘણું ખોટું કરી નાખ્યું છે.

એના માતપિતા સત્ય બોલે છે એટલે બ્રાહ્મણોએ તેનું નામ 'સત્યવાન' રાખ્યું છે.અને તા માટીના ઘોડાઓ બનાવ્યા કરે છે ને ઘોડાઓના ચિત્રો બનાવ્યા કરે છે એટલે તેને 'ચિત્રાશ્વ' પણ કહે છે.એ તેજસ્વી,

બુદ્ધિમાન,વીર,દાની,સત્યવાદી,સૌમ્ય,સંયમી ને ગુણવાન છે પણ તેનો એક દોષ એના સર્વ ગુણોને ઢાંકીને ઉપર ચડીને ઉભો છે,તેને પ્રયત્ન કરવા છતાં ટાળી શકાય તેમ નથી,આજથી એક વર્ષે તેની આવરદા તૂટી જશે'


રાજા બોલ્યો-'હે સાવિત્રી,જો એ સત્યવાન એક વર્ષે દેહત્યાગ કરશે,તો તું જા ને બીજો પતિ પસંદ કર'

સાવિત્રી બોલી-'ભાગીદારોનો ભાગ એક જ વખત પડે,કન્યાનું દાન એક જ વખત અપાય ને 'આપું છું' એમ એક જ વાર કહેવાય,આમ ત્રણે વાત એક એક વાર જ કરાય.આથી તે સત્યવાન ભલે દીર્ઘાયુ ન હોય પણ મેં એને એકવાર મારા સ્વામી કર્યા છે એટલે હું બીજા કોઈને વરીશ નહિ.મનથી નિશ્ચય કર્યા પછી કોઈ પણ વાત વચનરૂપ ઉદ્ગાર પામે છે ને પછી કૃતિમાં ઉતરે છે,આથી મારુ મન જ પ્રમાણરૂપ છે. (28)

નારદ બોલ્યા-હે રાજા,સાવિત્રીની બુદ્ધિ સ્થિર છે,તમારી પુત્રી તેને જ આપો એ મને રુચે છે.તેનું કલ્યાણ થાઓ'

આમ કહીને નારદજી ત્યાંથી ગયા ને રાજાએ પુત્રીના વિવાહની તૈયારીઓ કરવા માંડી (33)

અધ્યાય-૨૯૪-સમાપ્ત