Jul 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-561

 

અધ્યાય-૨૯૮-સત્યવાન માતપિતાને મળ્યો 


II मार्कण्डेय उवाच II एतस्मिन्नेवकाले तु ध्युमत्सेनो महाबलः I लब्धचक्षु: प्रसन्नायां दष्ट्यां सर्व ददश ह् II १ II

માર્કંડેય બોલ્યા-એ જ સમયે મહાબળવાન દ્યુમત્સેનને ફરી દૃષ્ટિ મળી તેથી આશ્ચર્ય ને પ્રસન્નતાભરી આંખે તે સઘળી વસ્તુઓને જોવા લાગ્યો.ને પત્ની સાથે તે પુત્રને જોવા આશ્રમમાં ફરી વળ્યો.પણ પુત્રને નહિ જોતાં,તે શોકથી અતિ વ્યાકુળ થયો.ત્યારે આશ્રમના સત્યવાદી તપસ્વીઓ તેને આશ્વાસન આપ્યું,એટલે તેને થોડી ધીરજ આવી.પછી થોડા સમય પછી સાવિત્રી પોતાના પતિ સત્યવાન સાથે ત્યાં આવી પહોંચી ને આનંદપૂર્વક આશ્રમમાં દાખલ થઇ.પછી,તે સર્વ બ્રાહ્મણો અગ્નિ પ્રગટાવીને દ્યુમત્સેનની પાસે બેઠા,ત્યારે શૈબ્યા,સાવિત્રી ને સત્યવાન પણ ત્યાં આવીને બેઠા.કુતુહલ પામેલા સર્વ લોકોએ રાતે મોડા પાછા આવવાનું કારણ સત્યવાનને પૂછ્યું.(29)

સત્યવાન બોલ્યો-'વનમાં લાકડાં ફાડતાં,મને માથામાં દુઃખ ઉપડી આવ્યું,ને તે વેદનાને કારણે 

હું બહુ વાર સુધી સુઈ રહ્યો હતો.આ સિવાય મારે પાછા મોડા આવાનું કોઈ કારણ નથી'

ગૌતમ બોલ્યા-'હે સત્યવાન,તારા પિતાને દૃષ્ટિ પછી મળી છે,તું આનું કારણ જાણતો નથી પણ સાવિત્રી એ જાણે છે,

હે સાવિત્રી,હું તને તેજમાં સાવિત્રીદેવી જ જાણું છું,જો આ વિષયમાં ગુપ્ત રાખવા જેવું ન હોય તો સાચું કહે'

સાવિત્રી બોલી-'તમે જાણો છો તેમ જ છે,વળી મારે કંઈ ગુપ્ત રાખવા જેવું નથી.મહાત્મા નારદે મને મારા પતિનો જે મરણ દિવસ કહ્યો હતો તે આજે જ હતો.એથી જ હું તેમને એકલા મુકવા માગતી નહોતી.વનમાં તે સુતા હતા ત્યારે યમરાજ ત્યાં આવ્યા હતા,અને તેમને બાંધીને દક્ષિણ દિશામાં લઇ જતા હતા,ત્યારે મેં તેમની પાછળ જઈને તેમની સ્તુતિ કરી એટલે તેમણે મને પાંચ વરદાન આપ્યાં હતા' આમ કહી સાવિત્રીએ તે વરદાનની વાત કહી સંભળાવી.

ત્યારે ત્યાં ભેગા થયેલા સર્વ ઋષિઓએ તે સાવિત્રીની અત્યંત પ્રશંસા કરી.પછી સર્વ પોતપોતાને સ્થાને ગયા (44)

અધ્યાય-૨૯૮-સમાપ્ત