Aug 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-581

અધ્યાય-૮-ભીમસેનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरो भीमबलः श्रिया जवलन्नुपाययौसिंहविलासविक्रमः I 

खजां चदर्विच करेण धारयन्नसि च कालांगमकोशमव्रणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભયંકર બળવાળો,કાંતિથી ઝગમગતો અને ગિરિરાજ મેરુના જેવા દ્રઢ શરીરવાળો ભીમસેન કાળાં વસ્ત્રો ધારણ કરીને તથા હાથમાં કડછી,તાવેથો,ને માંસ કાપવાનો છરો લઈને રસોઈયાના વેશે એ મત્સ્યરાજ પાસે આવીને ઉભો.તે વખતે સૂર્યનો જેમ તે પોતાના તેજથી,આ લોકને પ્રકાશિત કરી રહ્યો હોય તેવો લાગતો હતો.તેને આવેલો જોઈને વિરાટરાજે એકઠા મળેલા પ્રજાજનોને હર્ષ પમાડતાં કહ્યું કે-

'સિંહના જેવા ઊંચા ખભાવાળો,અત્યંત રૂપવાન આ યુવાન કોણ છે? સૂર્ય જેવા આ પુરુષને મેં પૂર્વે જોયો નથી એટલે ઘણા તર્કો કરું છું પણ મને નિશ્ચય થતો નથી,વળી તેના મનમાં શું છે?તેની હું સાચી અટકળ કરી શકતો નથી.એને જોતાં મને વિચાર આવે છે કે તે કોઈ ગંધર્વરાજ કે ઇન્દ્ર હશે? હે નગરજનો,આ મારી સામે કોણ ઉભો છે? તેની તત્કાળ તપાસ કરો અને તેની જે ઈચ્છા હોય તે પુરી થાઓ'


વિરાટરાજની આજ્ઞાથી તેના માણસો ભીમસેન પાસે ગયા ને તેને વિરાટરાજના કહેવા પ્રમાણે પૂછ્યું ત્યારે ભીમ રાજા

પાસે ગયો અને કહેવા લાગ્યો કે-'હું બલ્લવ નામે રસોઈયો છું ને ઉત્તમ રસોઈ બનાવું છું,મને કામ પર રાખો'

વિરાટરાજ બોલ્યો-'તું રસોઈયો હોય તેવું મને લાગતું નથી.તું તો ઇન્દ્રના જેવો શોભે છે,

તારાં તેજથી,રૂપથી તું તો નરોમાં મહાન નર હોય તેવો ઝળકે છે'


ભીમ બોલ્યો-હે નરેશ,હું રસોઈયો છું ને તમારી સેવા કરવા આવ્યો છું.પૂર્વે યુધિષ્ઠિર રાજાએ મારી બનાવેલી

રસોઈના સ્વાદ લીધા છે.વળી,હે રાજન બળમાં અને મલ્લયુદ્ધમાં કોઈ ક્યારેય મારો બરોબરિયો નથી.

સિંહો ને હાથીઓ સાથે પણ મેં ભેટો કર્યો છે,હે રાજન હું તમારું સદૈવ પ્રિય કાર્ય કરીશ.(10)


વિરાટ બોલ્યો-હું તારું ઇચ્છયું વરદાન આપું છું.તું જેવું બોલે છે તેવું કામ રસોડામાં કરજે,બાકી આ કામ તારે

લાયક હોય તેવું મને લાગતું નથી.તું તો રાજા થવાને યોગ્ય છે.તું રસોડાનો મુખ્ય અધિષ્ઠાતા થા'


વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે ભીમ પાકશાળામાં નિમાયોને વિરાટરાજનો અત્યંત પ્રિય પાત્ર થયો,તે આમ

વિરાટનગરમાં રહેવા લાગ્યો પણ કોઈ બીજા માણસો કે રાજસેવકો તેને જાણી શક્યા નહિ (13)

અધ્યાય-૮-સમાપ્ત